ઈમ્ફાલઃ મણિપુરમાં બે જૂથ વચ્ચેની હિંસા/રમખાણોમાં 54 લોકોના મોત થયા છે, જ્યારે કરોડો રુપિયાની જાહેર સંપત્તિનું નુકસાન થયું છે, ત્યારે પરિસ્થિતિને અંકુશમાં લેવા માટે પ્રશાસન દ્વારા લશ્કરને તહેનાત કરવામાં આવ્યું છે. હાલમાં પરિસ્થિતિ અંકુશમાં છે, પરંતુ મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતરણ થઈ રહ્યું છે. રમખાણોથી અસરગ્રસ્ત વિસ્તારમાં રહેનારા લોકોને અન્ય ખસેડવા માટે કેન્દ્ર સરકારે પ્રયાસ હાથ ધર્યા છે, ત્યારે મહારાષ્ટ્રમાંથી અભ્યાસ કરવા માટે અનેક વિદ્યાર્થીઓ મણિપુરમાં છે, ત્યારે તેમને સુરક્ષિત મહારાષ્ટ્ર પાછા લાવવા માટે સરકાર સતર્ક બની છે.
રવિવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિદ્યાર્થીઓની સાથે વાતચીત કર્યા બાદ તેમને સુરક્ષિત રીતે લાવવા માટે એક વિશેષ એરક્રાફટની વ્યવસ્થા કરી છે.
મણિપુરમાં અટવાયેલા મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓની સાથે ટેલિફોનથી વાતચીત કરી હતી, જ્યારે તેમને રાજ્યમાં પાછા લાવવા માટે એક વિશેષ વિમાનની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે ટૂંક સમયમાં મહારાષ્ટ્ર લઈ આવશે. મહારાષ્ટ્રના મોટા ભાગના સ્ટૂડન્ટસ મણિપુરમાં એનઆઈટી અને આઈઆઈટીમાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થી સાથે વાતચીત કરીને તેમને ખાતરી આપી હતી કે તેમને વહેલી તકે મહારાષ્ટ્રમાં ખસેડવામાં આવશે, જ્યારે સરકાર પણ મણિપુરની પરિસ્થિતિ પર નજર રાખી રહી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આ મુદ્દે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજ્યના મુખ્ય સચિવને મણિપુરના મુખ્ય સચિવ અને પોલીસ કમિશનરનો સંપર્ક કરે અને વિદ્યાર્થીઓની સુરક્ષાનું ધ્યાન રાખે. એટલું જ નહીં, વહીવટી પ્રશાસનને નિર્દેશ આપવામાં આવ્યો છે કે ત્યાંના વિદ્યાર્થી સાથે ચર્ચા કરીને પરિસ્થિતિની સૂંપર્ણ માહિતી મેળવીને તેમને પાછા લાવવા માટે વિશેષ વિમાનની વ્યવસ્થા કરે એવો પણ મુખ્ય પ્રધાને આદેશ આપ્યો છે. આ અગાઉ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ વિદ્યાર્થીઓની પૂછપરછ કરી હતી અને તેમને બનતી તમામ મદદ કરવાની પણ હૈયાધારણ આપી હતી. મણિપુરમાં થયેલી હિંસા (આદિવાસી સમુદાય અને મૈઈતી લોકો)ને કારણે 13,000થી વધુ લોકોએ સ્થળાંતરણ કર્યું છે, જ્યારે 54 લોકોના મોત થયા છે, જ્યારે પરિસ્થિતિને અંકુશમાં લેવા માટે આર્મીના 10,000 જવાનને તહેનાત કરવામાં આવ્યા છે.