મુંબઈઃ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંગ કોશિયારીના રાજીનામા પર કોઈ પણ ક્ષણે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરની મહોર મારવામાં આવે એવા સંજોગો વચ્ચે મહારાષ્ટ્રને મળનારા નવા રાજ્યપાલ કોણ હશે એની ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. હાલમાં જ રાજ્યપાલે મુખ્ય પ્રધાન સમક્ષ પોતે પાછા ઉત્તરાખંડ જવા માગે છે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી અને એ જ અનુસંધાનમાં હવે કોઈ પણ ક્ષણે કેન્દ્ર સરકાર દ્વારા તેમની આ માગણીને માન્ય કરવામાં આવે એવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે અને મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ કોણ હશે એની ચર્ચાઓ જોર પકડી રહી છે. રાજકીય વર્તુળોમાં જે પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે એ જોતાં આ માટે ત્રણ નામો ચર્ચાઈ રહ્યા છે. આવો જોઈએ કયા છે આ ત્રણ નામો-
સુમિત્રા મહાજન
ઈંદુર નગરપાલિકામાં વરિષ્ઠ નગરસેવકથી કેન્દ્રીય પ્રધાન થવા સુધીની સુમિત્રા મહાજનની સફર છે. તેમણે લોકસભાના અધ્યક્ષ તરીકે પણ કામ કર્યું છે. મહારાષ્ટ્રના ચિપલુણમાં 12મી એપ્રિલ, 1943ના જન્મેલાં સુમિત્રા મહાજનને સરકારે પદ્મવિભૂષણ પુરસ્કાર આપીને સન્માનિત કર્યા છે અને લોકસભામાં સળંગ આઠ વખત તેમણે ઈંદુરનું પ્રતિનિધિત્વ કર્યું છે.
ઓમ માથુર
રાજસ્થાનમાં રહેતાં અને ભૂતપૂર્વ સાસંદ ઓમ માથુરનું નામ પણ મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ તરીકે ચર્ચાઈ રહ્યું છે. ઓમ માથુર રાજસ્થાનના ભૂતપૂર્વ પ્રદેશાધ્યક્ષ રહી ચૂક્યા છે અને આ સિવાય તેમણે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશનો કારભાર ચલાવાની જવાબદારી પણ સંભાળી હતી. હાલમાં તેઓ છત્તીસગઢનો કારભાર સંભાળી રહ્યા છે.
અમરિંદર સિંહ
મહારાષ્ટ્રના રાજ્યપાલ બનવાની રેસમાં અમરિંદ સિંહનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. તેઓ પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે. 2014માં પંજાબમાં કોંગ્રેસના મોટા મોટા માથાઓ લડવાનું ટાળી રહ્યા હતા ત્યારે તેઓ અરુણ જેટલી સામે ચૂંટણી લડ્યા હતા અને જિતી પણ ગયા હતા. 2017માં તેમના નેતૃત્ત્વ હેઠળ કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી લડી હતી જેમાં 117 જગ્યામાંથી 77 જગ્યા પર કોંગ્રેસ જિતી ગઈ હતી. 2019માં જ્યારે આખા દેશ પર મોદી લહેર છવાયેલી હતી ત્યારે પણ પંજાબમાં ખાસ કોઈફેર પડ્યો નહોતોઅને 13માંથી 8 જગ્યા પર કોંગ્રેસે જીત મેળવી હતી.
ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીમાં?
એક તરફ રાજ્યમાં રાજ્યપાલ બદલવાની હવા ચાલી રહી છે ત્યાં બીજી બાજું મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મહત્ત્વની બેઠક માટે દિલ્હી રવાના થઈ ગયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા હવે રાજ્યપાલ બદલાવવાનો સંદેશો મહારાષ્ટ્રવાસીઓને કોઈ પણ ઘડીએ મળી શકે છે, એ તરફ લોકોનું ધ્યાન છે.