છત્રપતિ શિવાજી મહારાજ અંગે રાજ્યપાલ દ્વારા કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં કેબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ વિવાદનો નવો મધપૂડો છંછેડ્યો છે. તાજેતરમાં તેમણે છત્રપતિ શિવાજી મહારાજના પ્રતાપગઢ કિલ્લાના સંરક્ષણ માટે 25 કરોડ રૂપિયા ફાળવવાનું એલાન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન તેમણે શિવાજી મહારાજની આગરાની કેદથી છૂટવાની ઘટનાની સરખામણી સીએમ એકનાથ શિંદેના બળવા અને ઠાકરે જૂથથી બહાર આવવા સાથે કરી હતી. મંગલ પ્રભાત લોઢાએ કહ્યું હતું કે, જે રીતે ઔરંગઝેબે શિવાજી મહારાજને આગરાની કેદમાં રાખ્યા હતાં એવી રીતે શિંદે ત્યાં બંધ હતાં. શિવાજી મહારાજ આગરાથી બહાર આવવામાં કામિયાબ થયા એવી જ રીતે સીએમ શિંદેએ પણ ઠાકરે જૂથની કેદમાંથી બહાર આવવાનું કામ કર્યું.
મંગલ પ્રભાત લોઢાના આ નિવેદનને કારણે મહારાષ્ટ્રમાં નવો વિવાદ ઊભો યો છે. આદિત્ય ઠાકરેએ આકરી પ્રતિક્રિયા જણાવ્યું હતું કે, શિવાજી મહારાજની આગરાથી નીકળવાની સરખામણી આવા ગદ્દારોથી કરવામાં આવી રહી છે તે મહારાષ્ટ્રનું અપમાન છે.
વિપક્ષ નેતા અજિત પવારે પણ શિંદે-ફડણવીસ સરકારને આવા નિવેદન આપનારા નેતાઓ પર નિયંત્રણ લગાવવાની ભલામણ કરી છે. તેઓ બીજું બોલવા માગે છે, પરંતુ બીજુ બોલી જાય છે. એક ચુપ થાય છે ત્યાં બીજા શરૂ થઈ જાય છે, બીજા બંધ થાય તો ત્રીજા શરૂ થઈ જાય છે. વારંવાર ભૂલોનું પૂનરાવર્તન કરવાની હરિફાઈ ચાલી રહી છે. છત્રપતિ શિવાજી મહારાજની તુલના કોઈ સાથે થઈ શકે કે? તેમની વાતોમાં કોઈ તર્ક નથી.
આ પ્રકરણે સીએમ એકનાથ શિંદેએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, મંગલ પ્રભાત લોઢાએ એવું કંઈ કહ્યું નથી, જેના પર વિવાદ થાય. તેમની વાતનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે. શિવાજી મહારાજ અમારા માટે ભગવાન સમાન છે. તેમની તુલના કોઈ સાથે થઈ શકે તેમ નથી.
પોતાના જ નિવેદન પર સ્પષ્ટતા આપતાં મંગલ પ્રભાત લોઢાએ જણાવ્યું હતું કે, સીએમ શિંદેની સરખામણી છત્રપતિ શિવાજી સાથે કરી ન હતી, માત્ર આગ્રાની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.