બેલગામ અંગે સરકારે કરેલી પહેલને રોકવાની ચાલ હોવાનો રાજકીય નિરીક્ષકોનો મત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે સીમાવિવાદમાં સપડાયેલા બેલગામના મરાઠીભાષી વિસ્તારો અંગે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા ખટલામાં પોતાનો પક્ષ મજબૂત કરવા માટે બે પ્રધાનોને જવાબદારી સોંપવાનું મહત્ત્વપુર્ણ પગલું ભર્યું તેના બીજા જ દિવસે કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્માઈએ સાંગલીના ૪૦ ગામ પર પોતાનો દાવો ઠોક્યો અને તેને કારણે મહારાષ્ટ્રનું રાજકીય વાતાવરણ ડહોળાઈ ગયું છે. આ બધાની વચ્ચે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રના એકેય ગામ ક્યાંય જવાના નથી.
બોમ્માઈએ મંગળવારે કહ્યું હતું કે સાંગલી જિલ્લાના જત તાલુકામાં આવેલી કેટલીક ગ્રામ પંચાયતોએ કારમી પાણીતંગીને પગલે ભૂતકાળમાં એવો ઠરાવ મંજૂર કર્યો હતો કે તેઓ કર્ણાટકમાં જોડાઈ જવા માગે છે. અમારી સરકાર તેમના આ ઠરાવ અંગે ગંભીરતાથી વિચાર કરી રહી છે. કર્ણાટક સરકારે આ ગામોને પાણી પુરવઠો કરવાની યોજના ઘડી કાઢી છે.
બોમ્માઈના આ દાવા અંગે બોલતાં દેવેન્દ્ર ફડણવીસે બુધવારે નાગપુરમાં કહ્યું હતું કે આ ગામડાઓએ ૨૦૧૨માં પાણીની અછતને ધ્યાનમાં રાખીને એક ઠરાવ મંજૂર કર્યો હતો, અત્યારે આમાંથી એકેય ગામમાં આવો કોઈ ઠરાવ નથી.
તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ જ્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બન્યા ત્યારે કર્ણાટકની સરકારની સાથે મળીને પાણી પુરવઠાની યોજનાના કરાર કરવામાં આવ્યા હતા. ગિરીશ મહાજન જ્યારે પાણી પુરવઠા પ્રધાન હતા ત્યારે જત તાલુકાના ગામડાઓને પાણી પુરવઠો કરવાની યોજના ઘડી કાઢવામાં આવી હતી.
હવે અમે આ યોજનાને મંજૂરી આપવાના છીએ. અગાઉની સરકારે કદાચ કોરોનાને કારણે આ યોજનાને મંજૂરી આપી નહોતી. અત્યારે એકેય ગામે આવી માગણી (કર્ણાટકમાં વિલીનીકરણની) કરી નથી. આ માગણી ૨૦૧૨ની હતી. એકેય ગામ મહારાષ્ટ્ર છોડીને જવાનું નથી, એમ તેમણે ભારપુર્વક કહ્યું હતું.
महाराष्ट्रातील एकही गाव कर्नाटकात जाणार नाही !
बेळगाव-कारवार-निपाणीसह मराठी भाषिकांची गावे मिळविण्यासाठी राज्य सरकार सर्वोच्च न्यायालयात भक्कमपणे लढा देईल !#Maharashtra pic.twitter.com/0sB1IIpIQA— Devendra Fadnavis (@Dev_Fadnavis) November 23, 2022
ભાજપના નેતા સુધીર મુનગંટીવારે લાંબા સમયથી મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ માટે જવાહરલાલ નહેરુને જવાબદાર ઠેરવ્યા હતા અને કહ્યું હતું કે મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેનો સીમાવિવાદ સ્વ. વડાપ્રધાન જવાહરલાલ નહેરુની દેન છે, જોકે તેમણે પોતાના નિવેદન બાબતે વધુ વિગતો આપી નહોતી.
અત્યારે મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદ સુપ્રીમ કોર્ટમાં પડતર છે. કોઈપણ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા ઠરાવની સુપ્રીમ કોર્ટના ચુકાદા પર અસર થતી નથી.
જો ગ્રામ પંચાયતો દ્વારા પસાર કરવામાં આવેલા ઠરાવનું એટલું મહત્ત્વ હોય તો કર્ણાટકની ગ્રામ પંચાયતો દ્વારા મહારાષ્ટ્રમાં જોડાવા માટે મંજૂર કરવામાં આવેલા ઠરાવનું શું, એમ પણ સુધીર મુનગંટીવારે કહ્યું હતું.
આ પહેલાં મહારાષ્ટ્રના પ્રધાન શંભુરાજે દેસાઈએ કહ્યું હતું કે કર્ણાટકના મુખ્ય પ્રધાનના નિવેદનને ગંભીરતાથી લઈ શકાય નહીં. દાયકાઓ જૂના બેલગામના વિવાદ અત્યારે ચર્ચામાં છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા કાનૂની વિવાદમાં મદદ કરવા માટે જે બે પ્રધાનોની નિયુક્તિ કરવામાં આવી છે તેમાં એક શંભુરાજે દેસાઈ છે. તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રે સીમા વિવાદને ઉકેલવા માટે જે પગલાં લીધા છે તેને પગલે બોમ્માઈ આવી બકવાસ માગણી લઈને આવ્યા છે. પહેલાં તેમણે કૃષ્ણા નદીમાંથી પાણી મેળવવા માટે આવી માગણી કરી હતી.