આજે મહારાષ્ટ્ર ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. રવિવારની ચૂંટણીમાં 74 ટકા મતદાન થયું હતું. 7 હજાર 751 બેઠકોમાંથી 591 બેઠકો પર બિનહરીફ ચૂંટણી યોજાઈ હતી. આ વખતે સરપંચોની ચૂંટણી પ્રજાના સીધા મતદાનથી થઈ રહી છે. જોકે, ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ કોઈપણ પક્ષના ચિન્હના આધારે લડવામાં આવતી નથી, તેમ છતાં તે જમીની સ્તરે વિવિધ પક્ષોની પકડ દર્શાવે છે. તેના આધારે ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે. બીજા નંબર માટે શિંદે જૂથ અને NCP વચ્ચે જંગ છે . મતલબ કે શિંદે જૂથ ઠાકરે જૂથ કરતાં આગળ છે.
કોંગ્રેસ પાંચમા કે છેલ્લા સ્થાને છે. અત્યાર સુધી 1178 બેઠકોના વલણની વાત કરીએ તો ભાજપ 300 બેઠકો પર, NCP 186 બેઠકો પર, શિંદે જૂથ 203 બેઠકો પર, ઠાકરે જૂથ 135 બેઠકો પર અને કોંગ્રેસ 136 બેઠકો પર આગળ છે. તેવી જ રીતે ભાજપ અને શિંદે જૂથ મળીને 503 બેઠકો પર આગળ છે અને મહાવિકાસ આઘાડી 457 બેઠકો પર આગળ છે એટલે કે સંયુક્ત રીતે પણ ભાજપ-શિંદે જૂથ મહાવિકાસ આઘાડીથી આગળ છે. અન્ય/અપક્ષ ઉમેદવારો 218 બેઠકો પર આગળ છે.
ભાજપ-શિંદે જૂથ આ ચૂંટણી જીતવા તરફ જઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીએ પણ ખાતું ખોલાવ્યું છે. ઉસ્માનાબાદમાં AAPના ઉમેદવાર જીત્યા છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. સમગ્ર રાજ્યની જનતાની ઉત્સુકતા એ વાત પર છે કે ભાજપ-શિંદે જૂથ જીતે છે કે મહાવિકાસ અઘાડી પોતાની તાકાત બતાવી શકશે. અત્યાર સુધીના વલણોથી સ્પષ્ટ છે કે ભાજપ-શિંદે જૂથ મહાવિકાસ આઘાડીને હરાવવા જઈ રહ્યું છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે નાગપુરમાં યોજાયેલી ભાજપના અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠકમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે. તેમનો દાવો સાચો સાબિત થઈ રહ્યો છે. દેવેન્દ્ર ફડણવીસના ગઢ ગણાતા વિદર્ભ પ્રદેશમાં 2276 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે પણ વિદર્ભમાંથી આવે છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ વિદર્ભના છે. RSSનું મુખ્યાલય પણ વિદર્ભમાં છે. ગઈકાલે જ ચંદ્રશેખર બાવનકુળેએ નિવેદન આપ્યું હતું કે 2024ની વિધાનસભા ચૂંટણીમાં એકલા વિદર્ભમાંથી ભાજપના 50 ધારાસભ્યો ચૂંટણી જીતશે.