મુંબઈઃ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી આજે મહારાષ્ટ્રને અલવિદા કહીને દહેરાદુન માટે રવાના થશે. આજે રાજભવન પર તેમને નૌકાદળ દ્વારા માનભેર વિદાય આપવામાં આવી હતી અને મહારાષ્ટ્રના નવા નિમાયેલ રાજ્યપાલ રમેશ બૈસ મહારાષ્ટ્ર આવશે. દરમિયાન આજે સવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમની મુલાકાત લઈને વિદાય આપીને આભાર માન્યો હતો. રાજભવન દ્વારા આજે રાજ્યપાલ
ભગતસિંહ કોશ્યારીનો વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સાથે જ રાજ્યપાલના વિશેષ સચિવ રાકેશ નૈથાનીને પણ ફેરવેલ આપવામાં આવ્યું હતું. આજે કોશ્યારી દહેરાદુન જવા માટે રવાના થઈ રહ્યા છે જ્યારે આજે નવા નિમાયેલા રાજ્યપાલ રમેશ બૈસ મહારાષ્ટ્ર આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે 19મી જાન્યુઆરીના વડા પ્રધાન મોદી
જ્યારે મુંબઈ આવ્યા હતા એ જ સમયે રાજ્યપાલે રાજીનામુ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. વારંવાર તેમના દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનોનો વિરોધ પણ કરાઈ રહ્યો હતો. 12મી ફેબ્રુઆરીના તેમનું રાજીનામનું મંજૂર કરવામાં આવ્યું હતું. કોશ્યારી મહારાષ્ટ્રના ઈતિહાસમાં અત્યાર સુધી સૌથી વધુ ચર્ચાયેલા રાજ્યપાલ બની ચૂક્યા છે અને
તેમના દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનોને કારણે જ તેઓ સૌથી વધુ સમય ચર્ચામાં રહ્યા છે. તેમણે મુંબઈ અને થાણેમાંથી જો ગુજરાતીઓ અને રાજસ્થાની લોકોને બાદ કરી દેવામાં આવશે તો મુંબઈ પાસે પૈસા જ નહીં રહે. મુંબઈ ભલે દેશની આર્થિક રાજધાની તરીકે ઓળખાય છે પણ જો આ બંને લોકો અહીંથી જતા રહેશે તો મુંબઈની આ
ઓળખ પણ છીનવાઈ જશે એવું વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. આ સિવાય તેમણે ચાણક્ય સિવાય ચંદ્રગુપ્તને અને સમર્થ રામદાસ વિના છત્રપતિ શિવાજી મહારાજને કોણ પૂછશે એવું વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું અને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. મહારાષ્ટ્રના મહાત્મા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે બાબતે પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી અને આવા તો કંઈ કેટલાય વિવાદો સાથે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ બની ચૂકેલા ભગતસિંહ કોશ્યારીનું નામ જોડાયેલું છે.