- રાજ્યપાલ કોશિયારી રાજીનામું આપવાની તૈયારીમાં, PM પાસે કરી રજૂઆત
- રાજકીય જવાબદારીમાંથી મુક્તિ અને બાકીનું જીવનમાં ચિંતન અને મનનમાં ગાળવાની ઈચ્છા વ્યક્ત કરી
મુંબઈઃ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન રાજકીય જવાબદારીમાંથી મુક્ત થઈને બાકીનું જીવન અધ્યયન, મનન અને ચિંતનમાં વ્યતીત કરવા માગતા હોવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાની માહિતી કોશિયારીએ આપી હતી. રાજભવન દ્વારા બહાર પાડવાાં આવેલા પ્રસિદ્ધિપત્રકમાં આ બાબતની માહિતી આપવામાં આવી હતી.
કોશિયારીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર જેવા સંત, સમાજ સુધાકર અને શૂરવીર મહાન ભૂમિના રાજ્યસેવક, રાજ્યપાલ બનવાનું બહુમાન મળ્યું એ મારું સદ્ભાગ્ય છે. છેલ્લાં ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી મહારાષ્ટ્રની જનતા પાસેથી મળેલો પ્રેમ અને પોતીકાપણું હું ક્યારેય નહીં ભૂલી શકું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીને હાલમાં જ તેમની મુંબઈની મુલાકાત દરમિયાન મળીને રાજકીય જવાબદારીમાંથી મુક્ત થઈને બાકીનું જીવન અધ્યયન, મનન અને ચિંતનમાં પસાર કરવા માગતા હોવાની ઈચ્છા કોશિયારીજીએ વ્યક્ત કરી હતી.
હંમેશાંથી જ મને મોદીજીનો વિશેષ સ્નેહ અને પ્રેમભાવ મળતો આવ્યો છે અને આશા રાખું છું કે આ સંદર્ભે પણ મને તેમનો આશીર્વાદ ચોક્કસ મળશે, એવું કોશિયારીએ રાજભવન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા પ્રસિદ્ધિપત્રમાં જણાવ્યું હતું.