Homeઆમચી મુંબઈShivaji remarks row: મહારાષ્ટ્રમાં રાજકારણનો પારો પહોંચ્યો આસમાને!

Shivaji remarks row: મહારાષ્ટ્રમાં રાજકારણનો પારો પહોંચ્યો આસમાને!

નેતાઓએ આપી આકરી પ્રતિક્રિયા

(અમારા પ્રતિનિધિ તરફથી)

થર્ડ ક્લાસ ભગતસિંહ કોશ્યારીને વૃદ્ધાશ્રમમાં મોકલી આપો: ઉદયનરાજે

મુંબઈ: મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ અંગે કરેલી ટિપ્પણીને કારણે રાજ્યમાં વિરોધનો વંટોળ વાયો છે ત્યારે છત્રપતિ શિવાજી મહારાજના ૧૩મા વંશજ અને ભાજપના રાજ્યસભાના સભ્ય છત્રપતિ ઉદયનરાજે ભોંસલેએ હવે રાજ્યપાલ સામે આક્રમક થયા છે. તેમણે સોમવારે એવી ટિપ્પણી કરી હતી કે રાજ્યપાલ હવે વૃદ્ધ થઈ ગયા છે તેમને શું બોલી રહ્યા છે તેનું ભાન રહેતું નથી આથી તેમને હવે વૃદ્ધાશ્રમમાં મોકલી આપો.
ભાજપના જ રાજ્યસભાના સદસ્ય હોવા છતાં તેમણે આ મુદ્દે તેમણે ભાજપના પ્રવક્તા અને રાજ્યપાલ સામે મુંબઈ નજીકના પાલઘર જિલ્લાના નાલાસોપારા ખાતે નારાજગી વ્યક્ત કરી તે બાબતે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે વિકૃતિને કોઈપણ પક્ષ નથી હોતો, કોઈ જાત હોતી નથી. આવા વિકૃત લોકોને પક્ષે પણ આવા લોકોને ફેંકી દેવા જોઈએ. રાજ્યપાલને તો પહેલાં ખુરશી પરથી નીચે ઉતારીને ક્યાંક લાંબે ફગાવી દેવા જોઈએ. આ બાબતે ટૂંક સમયમાં હું મારી આગામી દિશા નક્કી કરીશ, એમ ઉદયનરાજેએ કહ્યું હતું.
રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને રાજભવનમાંથી બહાર કાઢવા જોઈએ. તેઓ ઘણા લાંબા સમયથી ઘરમાં બેસી રહ્યા છે. તેમની ત્યાં બેસવાની લાયકાત નથી. તેઓ ગમે તેમ બોલવા લાગ્યા છે. તેમની હવે ઉંમર થઈ ગઈ છે. રાજ્યપાલ થર્ડક્લાસ છે. રાજ્યપાલની હવે હકાલપટ્ટી કરવાની આવશ્યકતા છે. તેમની ઉંમર થઈ ગઈ છે. તેઓ શું બોલે છે તેની ગતાગમ નથી. તેમને હવે વિસ્મરણ થઈ રહ્યું છે. તેમને હવે વૃદ્ધાશ્રમમાં મોકલી આપો, એમ ઉદયનરાજે ભોસલેએ કહ્યું હતું.

રાજ્યપાલ વિરુદ્ધ રાજ્યમાં ઠેરઠેર દેખાવો

રાજ્યપાલ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ અંગે કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં સોમવારે મુંબઈ, નાગપુર, પુણે અને ઔરંગાબાદમાં આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને રાજ્યપાલને હટાવવાની માગણી પણ કરવામાં આવી હતી. નાગપુરમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) દ્વારા વિરોધપ્રદર્શન કરવામાં આવ્યા હતા પુણેમાં એનસીપીએ આંદોલન કર્યું હતું. ઔરંગાબાદમાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું. જ્યારે ઔરંગાબાદમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા.

ભાજપના ઈશારે રાજ્યપાલનું નિવેદન: વિપક્ષી નેતાનો દાવો

રાજ્ય વિધાન પરિષદના વિપક્ષીનેતા અંબાદાસ દાનવેએ રાજ્યપાલના નિવેદન પાછળ ભાજપ હોવાનો ચોંકાવનારો દાવો કર્યો છે.
શિવસેના ઠાકરે જૂથના નેતાએ કહ્યું હતું કે રાજ્યપાલ કોશ્યારી વારંવાર મહાન નેતાઓ બાબતે વાંધાજનક નિવેદનો કરે છે અને મહારાષ્ટ્રનું અપમાન થાય એવા પ્રયાસો કરતા રહે છે. તેમણે આ પહેલાં મહાત્મા જ્યોતિબા ફૂલે, છત્રપતિ શિવાજી મહારાજ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર બાબતે દિલ્હીના ઈશારે વિવાદાસ્પદ નિવેદનો કર્યા હતા એમ પણ દાનવેએ જણાવ્યું હતું.

એકનાથ શિંદે જૂથના વિધાનસભ્યે રાજ્યપાલને પાછા મોકલવાની માગણી કરી

મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના બાળાસાહેબાંચી શિવસેના પક્ષના એક વિધાનસભ્યે સોમવારે એવી માગણી કરી હતી કે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને રાજ્યની બહાર મોકલી દેવામાં આવે.
બુલઢાણાના વિધાનસભ્ય સંજય ગાયકવાડે જણાવ્યું હતું કે કોશ્યારીએ મરાઠા સામ્રાજ્યના સ્થાપક વિશે ટિપ્પણીઓ કરીને આ પહેલાં પણ વિવાદ સર્જ્યો છે. રાજ્યપાલે સમજવું જોઈએ કે છત્રપતિ શિવાજી મહારાજના આદર્શો ક્યારેય જૂના થતા નથી. તેમ જ તેમની સરખામણી દુનિયાની અન્ય કોઈપણ મહાન વ્યક્તિ સાથે કરી શકાય નહીં. ભાજપના કેન્દ્રીય નેતાઓને મારી વિનંતી છે કે જેને રાજ્યના ઈતિહાસ અને તે કેવી રીતે કામ કરે છે તેની જાણકારી ન હોય તેમને અન્યત્ર મોકલી આપવા જોઈએ.

દેવેન્દ્રજી, ગંભીર ભૂલોનો બચાવ કરશો નહીં: સંભાજીરાજે

ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ છત્રપતિ શિવાજી મહારાજ બાબતે કરેલી ટિપ્પણી અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમનો બચાવ કર્યો તે બાબતે બોલતાં છત્રપતિ શિવાજી મહારાજના વંશજ સંભાજીરાજે છત્રપતિએ સોમવારે ત્રિવેદીના નિવેદનનો વિરોધ નોંધાવ્યો છે અને ફડણવીસને અપીલ કરતાં જણાવ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ અભ્યાસુ વ્યક્તિ છે. તેમણે આવી ગંભીર ભૂલોનું સમર્થન કરવું જોઈએ નહીં. સુધાંશુ ત્રિવેદીને માફી માગવાની ફરજ પાડો.
તેમણે એમ પણ કહ્યું હતું કે રાતે એક વાગે મેં દેવેન્દ્રજીની પ્રતિક્રિયા જોઈ હતી. આવું નિવેદન કરનારા વ્યક્તિનો બચાવ કરવો અયોગ્ય છે. દેવેન્દ્રજી આવો બચાવ કેમ કરી રહ્યા છે એવો પ્રશ્ર્ન મને પડી રહ્યો છે. એવો કોઈ પ્રસંગ આવશે તો આ બાબતે હું ફડણવીસને સવાલ કરીશ. મારો સ્પષ્ટ મત છે કે સુધાંશુ ત્રિવેદીએ શિવભક્તોની માફી માગવી જ જોઈએ એવો અમારો મત છે. દેવેન્દ્રજીએ સુધાંશુ ત્રિવેદીની માફી પ્રત્યે પોતાનું ધ્યાન રાખવું જોઈએ.

ભાજપને શિવાજીનું નામ લેવાનો નૈતિક અધિકાર નથી: સુપ્રિયા સુળે

રાજ્યપાલ બાદ ભાજપના પ્રવક્તાએ છત્રપતિ શિવાજી મહારાજ માટે કરેલી ટિપ્પણીની આકરી ટીકા કરતાં એનસીપીનાં સંસદસભ્ય સુપ્રિયા સુળેએ જણાવ્યું હતું કે ભાજપને હવે છત્રપતિ શિવાજી મહારાજનું નામ લેવાનો નૈતિક અધિકાર નથી. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફડણવીસ કેવી રીતે મરાઠા સામ્રાજ્યના નિર્માતાનું અપમાન કરનારાનો બચાવ કરી રહ્યા છે? તમારી વિચારધારા અલગ હોઈ શકે છે, પરંતુ છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન થઈ રહ્યું છે અને તમે તેમનો બચાવ કરી રહ્યા છો તો તે કમનસીબ છે.

શિવાજી અમારા દેવતા છે: ગડકરી

શિવસેનાના એકનાથ શિંદે જૂથના વિધાનસભ્ય દ્વારા રાજ્યપાલને પાછા બોલાવી લેવાની માગણી કરવામાં આવ્યા બાદ શાંતી કરવા માટે મધ્યસ્થી કરતાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ અમારા દેવતા છે. તેમણે મરાઠીમાં ફક્ત એક જ વાક્ય ટ્વિટ કરીને ભાજપ-સેના વચ્ચે વધી રહેલા સંઘર્ષને શમાવવાનો પ્રયાસ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -