મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ રમેશ બૈસે આજે રાજ્યપાલ પદના શપથ લીધા હતા અને રાજભવનના દરબાર હોલમાં આ સમારોહ યોજાયો હતો. મુંબઈ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સંજય વ્હી ગંગાપૂરે બૈસને પદ અને ગોપનિયતાના શપથ અપાવ્યા હતા. આ સમયે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, વિધાનસભાના અધ્યક્ષ એડ. રાહુલ નાર્વેકર, પર્યટન વિભાગના પ્રધાન મંગલ પ્રભાત લોઢા હાજર રહ્યા હતા.

રમેશ બૈસ મહારાષ્ટ્રના 20મા રાજ્યપાલ બન્યા છે અને તેમણે આજે પદભાર સ્વીકાર્યો હતો. તેમણે મરાઠીમાં શપથ લીધા હતા. મહારાષ્ટ્રની જનતાની સેવા અને કલ્યાણ માટે હું કામ કરીશ. ભગત સિંહ કોશ્યારીના રાજીનામા બાદ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે રમેશ બૈસના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.

રમેશ બૈસનો જન્મ બીજી ઓગસ્ટ, 1947માં મધ્યપ્રદેશ ખાતે રાયપુરમાં થયો હતો. આ પહેલાં જુલાઈ, 2021માં ઝારખંડના રાજ્યપાલ તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી હતી.
એ પહેલાં જુલાઈ, 2019થી 2021 સુધી ત્રિપુરાના રાજ્યપાલ તરીકે ફરજ બજાવી હતી. 2019માં જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બીજી વખત સત્તામાં આવ્યા ત્યારે તેમને ત્રિપુરાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.