(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા શુક્રવારે દેશની પહેલી ગુડ ગવર્નન્સની નિયમાવલીને માન્યતા આપી છે. આનાથી રાજ્યના વહીવટને વધુ ગતિશીલ અને પારદર્શક બનાવવામાં મદદ થશે. તેમાં વાતાવરણમાં ફેરફારની અસરો પર કાર્યવાહી કરવા માટે એક અલગ સેલની રચના કરવામાં આવી છે. રાજ્યના વહીવટને જવાબદાર સરળ, ગતિશીલ અને પારદર્શક બનાવવા માટે બંધારણીય સમિતિ દ્વારા કરવામાં આવેલી ભલામણો પર જ ચર્ચા કરવામાં આવી હતી, જેની રજૂઆત સામાન્ય વહીવટ ખાતાના એડિશનલ ચીફ સેક્રેટરી સુજાતા સૌનિકે કરી હતી.
રાજ્ય સરકાર દ્વારા વાતાવરણમાં ફેરફારની અસરો પર અલગ વિભાગ બનાવવામાં આવ્યો છે. જે હીટ વેવ, કમોસમી વરસાદ વગેરે બાબતોનો સામનો કરવા માટેનો એક્શન પ્લાન ઘડી કાઢશે અને તેમાં નાગરિકોને નિર્ણય પ્રક્રિયામાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને સહભાગી કરવામાં આવશે, એમ તેમાં કહેવામાં આવ્યું છે.
શિંદેએ ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં નિવૃત્ત અધિકારીઓની એક સમિતિ બનાવી હતી અને તેમને ગુડ ગવર્નન્સના નિયમો ઘડી કાઢવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ સમિતિએ શુક્રવારે જ મુખ્ય પ્રધાનને પોતાનો અહેવાલ સોંપ્યો હતો.
આ અહેવાલમાં ૨૦૦ પાના અને ૧૬ અધ્યાય છે. આ નિયમાવલીમાં ૧૬૧ ઈન્ડિકેટર છે જેના આધારે જિલ્લા સ્તર સુધી ગુડ ગવર્નન્સ પર નજર રાખી શકાશે. આમાં ઓનલાઈન સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે સમય મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
નાગરિકો તેમની ફરિયાદો અને વાંધાવિરોધ નોંધાવી શકશે અને તેનું નિરાકરણ કરવામાં આવશે. સરકારી કામો બધા ઈ-ઓફિસના માધ્યમથી કરવાના રહેશે.