મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે ‘ડિઝાઇનર’ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં ગુનો દાખલ કરાયા બાદ ગુરુવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. ડિઝાઇનરે ફોજદારી કેસમાં હસ્તક્ષેપ કરવા માટે નાણાંની ઓફર કરી તેમ જ ધમકી આપી હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો.
અમૃતાએ નોંધાવેલી ફરિયાદને આધારે મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં ૨૦ ફેબ્રુઆરીએ ડિઝાઇનર અનિક્ષા અને તેના પિતા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
એફઆઇઆર અનુસાર અનિક્ષા છેલ્લા ૧૬ મહિનાથી અમૃતાના સંપર્કમાં હતી અને તેના ઘરે પણ ગઇ હતી. પોલીસને આપેલા નિવેદનમાં અમૃતાએ જણાવ્યું હતું કે તે નવેમ્બર, ૨૦૨૧માં પહેલી વાર અનિક્ષાને મળી હતી.
અનિક્ષાએ દાવો કર્યો હતો કે તે વસ્ત્રો, જ્વેલરી અને ફૂટવેરની ડિઝાઇનર છે અને તેણે વિનંતી કરી હતી કે તેના દ્વારા ડિઝાઇન કરાયેલાં વસ્ત્રો, જ્વેલરી અને ફૂટવેર પહેરીને અમૃતા જાહેર કાર્યક્રમોમાં હાજરી આપશે તો તેના વ્યવસાયને ફાયદો થશે, એમ મલબાર હિલ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
અનિક્ષાએ અમૃતાને કહ્યું હતું કે તેની માતાનું અવસાન થયું હોવાથી તે તેના પરિવારની સંભાળ રાખી રહી છે. દરમિયાન અમૃતાનો વિશ્ર્વાસ સંપાદન કર્યા બાદ અનિક્ષાએ તેને કેટલાક બૂકીઓ વિશે માહિતી આપવાની ઓફર કરી હતી, જેના દ્વારા તેઓ પૈસા કમાઇ શકે છે, એવો દાવો તેણે કર્યો હતો. તેણે બાદમાં તેના પિતાને પોલીસ કેસમાંથી બહાર કાઢવા માટે અમૃતાને સીધી રૂ. એક કરોડની ઓફર કરી હતી.
અમૃતાએ પોલીસને જણાવ્યું હતું કે અનિક્ષાના વર્તનથી તે નારાજ હતી અને અનિક્ષાનો નંબર તેણે બ્લોક કરી દીધો હતો. અનિક્ષાએ ત્યાર બાદ અમૃતાને અજાણ્યા નંબર પરથી વીડિયો ક્લિપ્સ, વોઇસ નોટ્સ અને અનેક મેસેજ મોકલ્યા હતા.
અનિક્ષા અને તેના પિતાએ આડકતરી રીતે અમૃતાને ધમકી આપીને તેની વિરુદ્ધ કાવતરું ઘડ્યું હતું, એવો ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો.