કર્ણાટકની ચૂંટણીનો જંગ છેડાઇ ગયો છે. તમામ રાજકીય પક્ષોએ પોતાની તાકાત બતાવવાની શરુઆત કરી દીધી છે. ત્યાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ભાજપના પ્રચાર માટે કર્ણાટક જશે તેવી જાણકારી મળી રહી છે. મુખ્ય પ્રધાન તેમની ટીમ સાથે કર્ણાટક જવાની તૈયારી કરી રહ્યાં છે એવી માહિતી સૂત્રોમાંથી મળી છે. બેળગાવ સહિતના અનેક સીમા પર આવેલ વિસ્તારોમાં તેઓ પ્રચાર કરશે તેવી જાણકારી પણ મળી રહી છે. કર્ણાટકમાં 10મી મેના રોજ મતદાન થનાર છે. ત્યાં સત્તાધારી ભાજપ સામે કોંગ્રેસ અને જેડીએસ મોટો પડકાર છે. આ જ પાર્શ્વભૂમી પર મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ભાજપના પ્રચાર માટે જશે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે.
કર્ણાટકની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જે તે જગ્યાએ રાજકીય ગતીવિધીઓ વધી રહી છે. કેન્દ્રમાં ફરી એકવાર સત્તામાં આવવા માટે ભાજપ દ્વારા રણનિતી તૈયાર કરવામાં આવી છે. પ્રચાર માટે જૂજ દિવસ બાકી હોવાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર માટે કર્ણાટક આવવાના છે. મહારાષ્ટ્ર ભાજપના સ્ટાર પ્રચારક પણ કર્ણાટક જવાના છે. ભાજપે આ માટે છ લોકોના નામની જાહેરાત પણ કરી છે. આ ચૂંટણી માટે ભાજપે દેશના લગભગ 54 મોટા નેતાઓની મોટી ફોજ તૈયાર કરી છે જેમાં મહારાષ્ટ્રમાંથી છ નેતાઓ છે. જેમાં કેન્દ્રિય પ્રધાન રાવસાહેબ દાનવે, કેન્દ્રિય પ્રધાન કપીલ પાટીલ, વિધાનસભ્ય રામ શિંદે, જયકુમાર રાવલ, યોગેશ સાગર અને પ્રસાદ લાડ આ નેતાઓના નામ સામેલ છે. આ યાદીમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ સામેલ નથી.
કર્ણાટક એ દક્ષિણનું એકમાત્ર રાજ્ય છે જ્યાં ભાજપને કમળ ખીલવવામાં સફળતા મળી છે. તેથી જો દક્ષિણમાં પગ જમાવવા હોય તો કર્ણાટકમાં સત્તા બનાવવા સિવાય ભાજપ પાસે કોઇ પર્યાય નથી. તેથી ભાજપના કેન્દ્રિય નેતાઓ દ્વારા અહી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અને હવે એકનાથ શિંદે પણ ભાજપના પ્રચાર માટે કર્ણાટક જવાની તૈયારી કરી રહ્યાં હોવાની વિગતો જાણવા મળી છે.