(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચોમાસું નજીક હોઈ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મુંબઈમાં મોટા પ્રમાણમાં નાળાસફાઈના કામ ચાલી રહ્યા છે ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે મુંબઈમાં ચાલી રહેલા નાળાસફાઈના કામનું નિરીક્ષણ કર્યું હતું અને એ દરમિયાન પાલિકા અધિકારીઓને મુંબઈમાં ચોમાસા દરમિયાન પાણી ભરાય નહીં તેનું ધ્યાન રાખવાનો આદેશ તેમણે આપ્યો હતો.

બહુ જલદી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની શક્યતા છે. ત્યારે ચૂંટણી પહેલાના આ ચોમાસામાં મુંબઈગરાને હાલાકી વેઠવી પડી તો તેની અસર ચૂંટણીમાં પડી શકે છે. તેથી મુખ્ય પ્રધાને ગુરુવારે મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં ફરીને નાળાસફાઈનો અહેવાલ લીધો હતો.તેમણે પાલિકાના અધિકારીઓને મુંબઈમાં નીચાણવાળા વિસ્તાર સહિત કોઈ પણ જગ્યાએ પાણી ભરાય નહીં તેના પર ધ્યાન આપવા અને યોગ્ય રીતે નાળાસફાઈ થાય તેના પર ધ્યાન આપવા માટે કહ્યું હતું. તેમ જ રસ્તાને ચોખ્ખા રાખવા તથા તૂટેલી ફૂટપાથના સમારકામ કરવાનો પણ તેમણે નિર્દેશ આપ્યો હતો.

આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટી) દ્વારા કૉન્ટ્રેક્ટરોને રસ્તાના કામના ટેન્ડર માટે આપવામાં આવેલા ૬૦૦ કરોડ રૂપિયામાં કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આરોપને પણ મુખ્ય પ્રધાને ફગાવી દીધો હતો.