પુણે: મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ૨૮ વર્ષથી ભાજપનો ગઢ મનાતા ક્ષેત્રની કસબા પેઠ વિધાનસભા મતક્ષેત્રની પેટાચૂંટણીમાં કૉંગ્રેસના રવીન્દ્ર ધંગેકરની સામે ભાજપના હેમંત રાસણે હારી ગયા હતા. રવીન્દ્ર ધંગેકરને ૭૩,૧૯૪ અને હેમંત રાસણેને ૬૨,૨૪૪ મત પ્રાપ્ત થયા હતા. હાલ ભાજપના પુણેના સંસદસભ્ય ગિરીશ બાપટે વર્ષ ૨૦૧૯ સુધી પાંચ ટર્મ કસબા પેઠ મતક્ષેત્રનું વિધાનસભામાં પ્રતિનિધિત્વ કર્યું હતું. ચિંચવડની બેઠક પર ભાજપનાં અશ્ર્વિની જગતાપનો વિજય થયો હતો.
કૉંગ્રેસના રવીન્દ્ર ધંગેકરની ઉમેદવારીને મહાવિકાસ આઘાડીના અન્ય પક્ષો રાષ્ટ્રવાદી કૉંગ્રેસ અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)નું સમર્થન હતું. વર્ષ ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનાં મુક્તા ટિળક કસબા પેઠની બેઠક પર જીત્યાં હતાં. તેઓ કૅન્સરની બિમારી સામે લાંબા સંઘર્ષ બાદ વર્ષ ૨૦૨૨ના ડિસેમ્બર મહિનામાં અવસાન પામ્યાં હતાં. તેમના અવસાનને પગલે કસબા પેઠ બેઠકની પેટા ચૂંટણી યોજવાની જરૂર પડી હતી.
શિવસેનાના ભાગલા પછી પહેલી વખત કસબા પેઠની પેટા ચૂંટણીમાં એકનાથ શિંદે જૂથ અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે સ્પર્ધા જોવા મળી હતી. એ બે જૂથો વચ્ચે બળપ્રદર્શન અને વર્ચસ્વની દૃષ્ટિએ આ પેટાચૂંટણી કસોટીરૂપ હતી. (એજન્સી)