રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના ઈતિહાસમાં પહેલી જ વખત ટેબમાંથી બજેટ રજૂ કર્યું હતું અને આ જ દરમિયાન ફડણવીસે એક એવું સ્ટેટમેન્ટ કર્યું હતું કે ગૃહમાં હાસ્યનું મોજું ફરી મળ્યું હતું.
એકાદ કલાક સુધી અર્થસંકલ્પીય ભાષણ કર્યા બાદ ફડણવીસે બજેટના પાંચ મુદ્દાઓ વિશે વાત કરી હતી અને એમાંથી ચાર મુદ્દાઓ રજૂ કર્યા બાદ પંચામૃત ધોરણના છેલ્લા મુદ્દા તરફ વળ્યા હતા. રોજગાર નિર્મિતિ સંદર્ભની જાહેરાત કર્યા બાદ ફડણવીસે પંચામૃત ધોરણમાંથી છેલ્લાં અમૃતા (મરાઠી ભાષામાં અમૃતનું બહુવચન અમૃતા એવું થાય છે) તરફ એટલે કે મુદ્દા તરફ વળી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આવું બોલીને ફડણવીસ અમુક સેકન્ડ માટે ચૂપ થઈ ગયા હતા. ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો, ચશ્મા કાઢીને ચહેરો લૂંછીને આગળ બોલતા તેમણે જણાવ્યું હતું કે શું છે ને કે મારે જરા સમજી-વિચારીને બોલવું પડે, કારણ અમૃતા તરફ વળું એવું કહેતાં જ તમે લોકો એનો બીજો જ અર્થ કાઢવા લાગશો..
ફડણવીસની આ ચોખવટ બાદ ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. ત્યાર બાદ ફડણવીસે માથા પરથી હાથ ફેરવ્યો હતો અને ત્યાં સુધી સભાગૃહમાં હાસ્યની છોળ ઊડી જ રહી હતી. અમુક સેકન્ડ પોઝ રહીને ફડણવીસે આગળનું ભાષણ કન્ટિન્યુ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે દેવેન્દ્ર ફડણવીસના પત્નીનું નામ અમૃતા છે અને આ નામને કારણે તેમના વિધાનનો ભલતો જ અર્થ કાઢવામાં આવશે એવું પણ તેમણે જણાવ્યું હતું. અમૃતા ફડણવીસ પણ હંમેશા જ તેમની રાજકીય ટિપ્પણીઓને કારણે ચર્ચામાં રહે છે.