મુંબઈ: આંતરધર્મ અને આંતરજ્ઞાતીય લગ્નોમાં ફક્ત મહિલાઓના મુદ્દાઓ પર ધ્યાન આપવાનો મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય પૂર્વગ્રહયુક્ત માનસિકતાના સંકેતો દર્શાવે છે, એવું એનસીપીએ બુધવારે જણાવ્યું હતું.
એનસીપીના રાષ્ટ્રીય પ્રવક્તા ક્લાઈડ ક્રેસ્ટોએ જણાવ્યું હતું કે એ સારી વાત છે કે સરકાર આંતરજ્ઞાતીય અથવા આંતરધર્મ લગ્ન કરતી મહિલાઓને તેમના પરિવારો ખાસ કરીને જેઓ તેમના માતૃત્વના પરિવારોથી વિખૂટા પડે છે, તેમના પરિવારો સાથે વિચારવિમર્શ કરવા અને સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાની યોજના ધરાવે છે. પણ અહીં પ્રશ્ર્ન એ ઊભો થાય છે કે આ મહિલાઓ સુધી જ કેમ સીમિત છે? રાજ્યમાં ઘણી સ્ત્રીઓ ઘરેલુ હિંસા અને માનસિક સતામણીનો ભોગ બને છે, પછી ભલે તેઓ આંતરજ્ઞાતિમાં હોય કે પછી આંતરધર્મ લગ્નમાં હોય, એવું ક્રેસ્ટોએ વધુમાં જણાવ્યું હતું.
દરમિયાન એનસીપીના વરિષ્ઠ નેતા અને રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન જિતેન્દ્ર આવ્હાડે સરકારના નિર્ણયને મહારાષ્ટ્ર જેવા ઉદાર રાજ્યમાં પૂર્વગ્રહયુક્ત પગલું ગણાવ્યું હતું. આંતરજ્ઞાતિ-ધર્મ લગ્નો તપાસવા માટે સમિતિ બનાવવી એ ખોટું પગલું છે. કોણ કોની સાથે લગ્ન કરે છે, તેની જાસૂસી કરનાર સરકાર કોણ? પ્રગતિશીલ મહારાષ્ટ્ર કઇ દિશામાં જઇ રહ્યું છે. લોકોના અંગત જીવનથી સરકારે દૂર રહેવું જોઇએ, એવું તેમણે ટ્વિટ કર્યું હતું.
(પીટીઆઈ)