Homeઈન્ટરવલપાર્ટ ટાઈમ મા-બાપ આપણે બધા!

પાર્ટ ટાઈમ મા-બાપ આપણે બધા!

મગજ મંથન – વિઠ્ઠલ વઘાસિયા

અગાઉ એક વખત મુંબઈની ૧૨૦ શાળાઓમાં એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. સર્વેક્ષણમાં તારણ નીકળ્યું કે ‘બાળ ગુનેગારી’માં દર વર્ષે ૧૧ ટકા જેટલો વધારો થઈ રહ્યો છે. બાળકોમાં ગુનેગારીનું પ્રમાણ વધ્યું છે કારણ કે એમની ઉપર મા-બાપનો અંકુશ ઘટ્યો છે. વાલીઓની સંભાળ ઓછી થઈ છે. ક્યાંક બાળકને તેના મા-બાપનો પ્રેમ મુદ્દલ મળતો નથી.તેથી બાળક તોફાની બને છે.
બાળકો ઉછેરવાની કળા આપણે ગુમાવી બેઠા છીએ. હકીકતમાં આપણે પાર્ટ ટાઈમ મા-બાપ બની
ગયા છીએ. બાળ ઉછેર એ ફુલ ટાઈમ નહીં, હોલ ટાઈમની કામગીરી છે.તેજ રફતારમાં આપણે દોડવા લાગ્યા છીએ.
ઊંચા જીવન ધોરણનું ભૂત આપણી ઉપર સવાર થયું છે. વધુ કમાણી અને વધુ સુખ સગવડનાં સાધનોની પાછળ આપણી આંધળી દોટમાં આપણે બાળકોના ઉછેરની સરેઆમ ઉપેક્ષા કરીએ છીએ. આપણને
તેના માટે સમય નથી. એટલું જ નહીં રસ પણ નથી. બાળકો માટે પ્રેમ છે, પણ એ લોહીની સગાઈનો છે.
સાચી સમજદારીમાંથી જન્મેલો પ્રેમ નથી. આપણે બાળકો પ્રત્યે બેધ્યાન રહીએ છીએ.
સાથે સાથે આશ્ર્વાસન પણ લઈએ છીએ, ‘છેવટે તો આ બધી દોડધામ બાળકોના સુખ માટે જ છે ને !’ આ આપણું બચાવ નામું છે. બાળકોના ભાવિ કલ્યાણ માટે આપણે વર્તમાનકાળમાં બાળકોની ઉપેક્ષા કરીએ છીએ.ધીરે ધીરે બાળક મા-બાપથી દૂર થતું જાય છે. પ્રશ્ર્ન નથી કરતું. તોફાન નથી કરતું, એટલે મા-બાપ એવું સમજે છે કે દિકરાની ગાડી પાટે ચડી ગઈ છે. મા-બાપને ખબર નથી કે એ લાચારીથી વિવેક વાણી શીખ્યો છે.
હકીકતમાં બાળક તેનાથી ઘણું દૂર નીકળી ગયું હોય છે.તેનું તેને ભાન નથી.
પિતાને સમય નથી.માતાને સમય નથી. કીર્તિ અને ધન કમાવા બહારની દુનિયામાં ફર્યા કરે છે. મા-બાપ બચાવ કરે છે, ‘રોજી રોટી માટે ફરીએ,ત્યાં બાળક પાછળ કેટલુંક ધ્યાન આપવું ?’ મોટા ભાગનાં મા-બાપ માને છે કે, ખાવા આપીએ,કપડાં આપીએ, પાઠ્ય પુસ્તક અને ભણાવવાની ફી આપીએ, એટલે અમારી ફરજ પૂરી થઈ ગઈ.
જરૂરિયાત પૂરી પાડી દેવાથી મા-બાપ નથી બની જવાતું.શાળામાં ગણતરીના કલાકો અર્થાત માત્ર છ કલાક જ બાળક રહે છે, જ્યારે બાળક ઘરમાં અઢાર કલાક રહે છે.
શિક્ષણની કારકિર્દી દરમિયાન બાળકને
શાળામાં અંદાજિત પચીસ હજાર કલાક જેટલો
સમય રહેવાનું થાય છે, જ્યારે મા-બાપ પાસે
અંદાજે એક લાખ કલાકથી વધુ સમય બાળકને રહેવાનું થાય છે.
જૂની કુટુંબ વ્યવસ્થામાં દાદા દાદી જતન કરતા,વાર્તાઓ કહેતા, રીત ભાત શીખવતા.જ્યારે આજનું બાળક પોતાના કુટુંબ સાથેના જીવંત
સંબંધો ગુમાવી બેઠું છે.આજે મોટા ભાગે સંયુક્ત
કુટુંબનાં બદલે વિભક્ત કુટુંબ વ્યવસ્થા જોવા મળી રહી છે.
બાળક એકલું પડી જાય છે. આથી બાળકને કુટુંબનાં બધાં સગપણોની ખબર પણ નથી.બાળક આસપાસના વાતાવરણમાંથી શીખે છે. ઘરમાં થતી વાતચીત અને વપરાતી ભાષાની બાળક પર જબરી અસર થાય છે.આડોશી પાડોશીના વ્યવહાર અને વર્તનની અસર બાળકો પર વધારે થતી હોય છે.
આજે બાળકોને શિક્ષણ આપવામાં એકબીજાના બાળકો વચ્ચે ગળાકાપ હરીફાઈ જોવા મળે છે. બાળકોને ટકાના ત્રાજવે જોખવામાં આવે છે. બહુ નાની ઉંમરથી જ બાળકને ભણવા મોકલવાની પ્રથા શરૂ થઈ છે.બાળક ભણવાની તક મેળવે એ ઉમદા હેતુ છે, પરંતુ આપણે મોટેભાગે બાળક કેટલું શીખ્યો ? એ બી સી ડી કે બારાખડી શીખવામાં કેટલી પ્રગતિ કરી? કેટલા સ્પેલિંગ પાકા કર્યા? કેટલા રાઈમ્સ સડસડાટ બોલતો થઈ ગયો? તેને જ આપણે પ્રગતિ ગણીએ છીએ.
મોટે ભાગે આ બાબતમાં બાળકનો વિકાસ ધીમો જોઈને આપણે ઘણી વખત દુ:ખી થઈ જતા હોઈએ છીએ. રમવા અને આનંદ કરવાની ઉંમરમાં આપણે બાળકને અભ્યાસક્રમના સિલેબસમાં મુરઝાવી દઈએ છીએ. રજાઓમાં કે વેકેશનમાં પણ અલગ અલગ એક્ટિવીટીના નામે અલગ અલગ પ્રવૃત્તિઓમાં જોતરી દઈએ છીએ. પરિણામે બાળક આ યંત્રવત જીવનથી હતાશા અનુભવે છે. સતત અભ્યાસના બોજથી દબાયેલો રહે છે. પોતાની મૂંઝવણ નથી કોઈને કહી શકતો કે નથી સહી શકતો.
ખરી વાત એ છે કે બાળક આપણા વિચાર
પ્રમાણે વિકસે એવું આપણે ઇચ્છતા હોઈએ છીએ. જ્યારે બાળક પોતાની આગવી રીતે વિકસવા ઈચ્છે છે. એને પોતાના રસ છે. પોતાના ખ્યાલો છે.પોતાનાં સ્વપ્નો છે.
પોતાની ઝંખનાઓ છે.આ બધું અવરોધાય ત્યારે બાળક હતાશ બને છે. જિદ્દી અને ચીડિયું બને છે. મા-બાપે ઈચ્છેલી તેમની પ્રગતિ મંદ પડે છે. બાળકને જે વસ્તુની ખાસ જરૂર હોય તે જ ઘણી વખત આપણે નથી આપી શકતા. એ કેવી મોટી કરુણતા છે.
બાળક વિશેષ તો કશું નથી માગતું ! માત્ર બે જ શબ્દ એના આતુર મન પર આલેખાયેલા હોય છે, ‘મને
સમજો!’
ખલિલ જીબ્રાન નામના ચિંતકે ખૂબ જ સુંદર વાત કરી છે, ‘તમારાં બાળકો તમારાં નથી. એને તમારા જેવા બનાવવા મથશો નહીં. તમે એમને તમારો પ્રેમ આપજો, પણ તમારા વિચારો નહીં. કારણ કે તેમને તેમના ખુદના વિચારો છે.’
રવીન્દ્રનાથ ટાગોર કહે છે, ‘ફૂલની કળીઓની પાંખડીઓ ઉઘાડી આપવાનું કામ આપણું નથી. એ પાંખડીને આપમેળે ઉઘડવા દઈએ. બાળકને
પોતાના નિસર્ગ દત્ત રસોને વિકસાવવાની સ્વતંત્રતા મળશે, તો તે પ્રગતિનાં સોપાનો રમતાં રમતાં સાકાર કરશે.’
આજે વાસ્તવિકતા અલગ જોવા મળે છે. આજના મા બાપ બાળક જલદી આગળ વધે તેવી ઉત્સુકતા છે. વેપારી જેમ રાતો રાત કેમિકલથી કેળાં પકાવીને બજારમાં વેચવા મૂકી દે છે, એવી જ કંઈક આતુરતા આજના મા બાપની જોવા મળે છે.
આપણી શિક્ષણ પદ્ધતિમાં પરીક્ષાનું અને પરીક્ષાની ટકાવારીનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે.બાળકનું બાળપણ પોતાની જાતને બીજાઓ આગળ સાબિત કરવામાં જ વીતે છે. બાળક પરીક્ષાનાં પરિણામોનો, પોતાની ટકાવારીનો અને પોતાના રેન્કનો ગુલામ બની જાય છે. મા-બાપ અને શાળા પણ બાળકને એના પરિણામ,એની ટકાવારી અને એના રેન્કથી જ મૂલવે છે. બાળક બાળક મટીને પરિણામ પત્રક બની
જાય છે.
આપણે પરીક્ષાઓની વધુ પડતી ચિંતા કર્યા વગર બાળક આનંદથી શીખે એ રીતે એને ભણવા દઈએ. એની જિજ્ઞાસા અનુસાર એને જ્ઞાન સંપન્ન કરવા દઈએ. એની ક્ષમતા અનુસાર એણે કેટલી મહેનત કરવી, તે એને જાતે નક્કી કરવા દઈએ.
શિક્ષણનો વિષય અને પ્રકાર બાળકની સંમતિથી નક્કી કરીએ. કોઈપણ નિર્ણય તેના પર લાદીએ નહીં.તેની સાથે વિચાર વિમર્શ કરીને આગળ વધીએ.બાળકને રેન્ક લાવવા માટે રેસના ઘોડાની માફક હાંફી જાય એ રીતે ના દોડાવીએ. પરીક્ષાનાં પરિણામો નબળા આવે તો આપણે વિચલિત ન થઈએ.પોતાની ક્ષમતાનો શ્રેષ્ઠ ઉપયોગ કર્યા પછી બાળક જે પરિણામ લાવે તેને આપણે આનંદપૂર્વક સ્વીકારીએ.
બાળક ભણી ગણીને ડૉક્ટર કે એન્જિનિયર બને તે મહત્ત્વનું નથી. એ
ભણી ગણીને સ્વસ્થ અને સમતોલ માનવી બને, એ સાચો માણસ બને, સારો માણસ બને, પોતે આનંદિત રહી અને પોતાની આસપાસના સૌ કોઈને આનંદિત રાખે એ વધુ મહત્ત્વનું છે.
જેમ દુનિયામાં મા-બાપ કોઈને પસંદગીના મળતા નથી,તેમ સંતાનો પણ પસંદગીનાં નથી મળતાં. તેમ છતાં મળેલાં સંતાનોને કેળવવાં પડે છે. ચોમાસામાં કોઈ ઘાસ ઉગાડવા જતું નથી,છતાં બધી જગ્યાએ પોતાની જાતે ઘાસ ઊગી નીકળે છે. જ્યારે ગુલાબ ઉગાડવા માટે મહેનત કરવી પડે છે. યોગ્ય માવજત કરવી પડે છે. બરાબર એ જ રીતે માવતરે કરેલી યોગ્ય માવજત જ બાળકોને યોગ્ય દિશા બતાવી શકે છે.ઉ
સે સોરી ! માય સન,સે સોરી !
છ છ કલાક સ્કૂલ,ત્રણ ત્રણ કલાક ટ્યૂશન
તોય આ નોટ તારી કોરી,
સે સોરી ! માય સન,સે સોરી !
ઘસી ઘસી પીવડાવી અઢળક બદામ,
વળી માથે તે ચોપડ્યુ ઘી,
યાદદાસ્ત માટે તે શંખપુષ્પીની કંઈ
બાટલીઓ પેટમાં ભરી,
કેમે કરી ન યાદ રહેતું તને લેશન
યાદ રાખે તું સિરિયલની સ્ટોરી
સે સોરી ! માય સન,સે સોરી !
પરીઓના દેશમાંથી ઉડતો ઝાલીને તને,
રિક્ષામાં ખીચોખીચ ઠાંસું,
જેવો દફતરનો ભાર એવો ભણતરનો ભાર,
જાણે ઊંચકે મજૂર કોઈ બોરી,
સે સોરી! માય સન,સે સોરી !
– રઈશ મનીઆર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -