રેલવે સ્ટેશન પર બે માલગાડીઓ વચ્ચે અથડામણમાં લોકો પાયલોટનું મોત
મધ્યપ્રદેશના શાહડોલમાં સિંઘપુર રેલવે સ્ટેશન પર બુધવારે સવારે એક મોટો અકસ્માત થયો હોવાના સમાચાર જાણવા મળ્યા છે, જેમાં પૂર વેગે આવી રહેલી માલગાડી ઉભી રહેલી માલગાડી સાથે જોરથી અથડાઈ હતી, જેના કારણે માલગાડીના બંને વેગન પાટા પર પલટી ગયા હતા અને એન્જિનમાં આગ લાગી ગઇ હતી. આ અકસ્માતમાં એક માલગાડીના ડ્રાઇવરનું મૃત્યુ થયું છે. અન્ય લોકો પાયલોટની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ઘટના બાદ રેલવે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતના કારણે રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ આ ઘટના સવારે 7.15 વાગ્યાની આસપાસ બની હતી, જેમાં એક માલગાડી કટની બાજુથી બિલાસપુર આવી રહી હતી, સિગ્નલ ઓવરશૂટ કરીને તે માલગાડી આગળ ઊભેલી માલગાડીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં લોકો પાયલોટ, ગાર્ડ સહિત 5 ઘાયલ થયા હતા. આ ઘટના બાદ રેલવે અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતીઅને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હાલમાં રેલ્વે પ્રશાસન દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે.
રેલવે અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે ઘટના કેવી રીતે બની તે તપાસ બાદ જ કહી શકાશે. ઘટનાની તપાસ કરવામાં આવશે. અત્યારે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે જેના કારણે કટની અને બિલાસપુર તરફથી આવતી ટ્રેનો અને માલગાડીઓ રોકી દેવામાં આવી છે. બચાવ કાર્ય ચાલુ છે, ટૂંક સમયમાં ટ્રાફિક શરૂ કરવામાં આવશે.આ દુર્ઘટના પછી, રેલ્વેએ 10 ટ્રેનો રદ કરી છે, સાથે જ ઘણી ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.