વડોદરાની વાઘોડિયા બેઠક પર દબંગની છાપ ધરાવતા વિધાનસભ્ય મધુ શ્રીવાસ્તવની મુશ્કેલીમાં વધારો થયો છે. ભાજપથી ટીકીટ ન મળતા બળવો કરી મધુ શ્રીવાસ્તવે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન મધુ શ્રીવાસ્તવએ ભડકાઉ નિવેદન આપ્યું હતું. ગઇકાલે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા તેમણે કહ્યું હતું કે મારા કાર્યકરનો કોઈ કોલર પકડશે તો ઘરમાં જઈ ગોળી મારી દઈશ. જેને લઈને ચૂંટણી પંચે કાર્યવાહી શરુ કરી છે.
મધુ શ્રીવાસ્તવે વધુમાં કહ્યું હતું કે હું જ્યારે મેદાનમાં નીકળ્યો હોય ત્યારે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કદાચ કોઈ તમને ધમકી આપશે. પણ તમે ડરતા નહીં. વાઘોડિયા અને વાઘોડિયા તાલુકામાં જે ગેરકાયદે મકાનો છે એને હું કાયદેસર કરી આપીશ, એ મારું વચન છે.
મધુ શ્રીવાસ્તવના ધમકીભર્યા નિવેદનને લઇને ચૂંટણી પંચે તપાસ શરુ કરી છે. આ મામલે ચૂંટણી પંચે વાઘોડિયા ચૂંટણી અધિકારી અને જીલ્લા કલેકટર પાસેથી રીપોર્ટ મંગાવ્યો છે. હિંસા પ્રેરિત કરતા નિવેદન અંગે મધુ શ્રીવાસ્તવ સામે આચાર સંહિતા ભંગની કાર્યવાહી થઈ શકે છે.