પાલઘર: ગુજરાતથી મુંબઈ આવી રહેલી લક્ઝરી બસમાં દહાણુ નજીક આગ લાગતાં ગુટકાની ગેરકાયદે હેરફેરનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. બસની ડિકીમાંથી તાબામાં લેવાયેલા અર્ધબળેલા સામાનમાંથી ગુટકા મળી આવતાં પોલીસે બસ ડ્રાઈવર અને સુરતની બે કંપની સામે ગુનો નોંધ્યો હતો. કાસા પોલીસના જણાવ્યા મુજબ ઘટના ૩૦ એપ્રિલની રાતે બની હતી. જોકે તપાસમાં ગુટકા મળી આવ્યા પછી બે દિવસ અગાઉ એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો.
પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું કે ગુજરાતથી મુંબઈ આવી રહેલી લક્ઝરી બસને રાતે સાડાનવ વાગ્યાની આસપાસ પાછળનું ટાયર ફાટવાને કારણે અકસ્માત નડ્યો હતો. મુંબઈ-અમદાવાદ હાઈવે પર દહાણુ નજીક ચિંચપાડા ગામ પાસે બનેલી આ ઘટનામાં બસ સળગી ઊઠી હતી.
બનાવની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બસમાંના પ્રવાસીઓ સુરક્ષિત રીતે બસમાંથી નીચે ઊતરી ગયા હતા. જોકે ડિકીમાં રાખેલો મોટા ભાગનો સામાન બળી ગયો હતો. ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવવામાં આવ્યા પછી પોલીસે ડિકીમાંનો સામાન તાબામાં લીધો હતો.
સામાનની તપાસ દરમિયાન ગુટકાનાં પૅકેટ્સ મળી આવ્યાં હતાં. ગુટકાનાં અનેક પૅકેટ્સ આગમાં સળગી ગયાં હોવાની શંકા પોલીસે સેવી હતી. રાજસ્થાનમાં રહેતા બસના ડ્રાઈવર ચંદનસિંહ રાજપૂત (૩૯)ની પૂછપરછ કરવામાં આવતાં આ પૅકેટ્સ સુરતથી બસની ડિકીમાં મૂકવામાં આવ્યાં હોવાનું જણાયું હતું. પોલીસે રાજપૂત અને સુરતની બે કંપની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.