ભારતીય રેલવેએ સામાન્ય નાગરિકો માટે જીવાદોરી સમાન છે. દેશભરમાં દરરોજ કરોડો લોકો ઈન્ડિયન રેલવેમાં મુસાફરી કરે છે. આવામાં ઘણી વખત સામાન ચોરાઈ જવાની કે ખોવાઈ જવા જેવી ઘટનાઓ પણ બને છે. આપણે ઘણી વખતે મુસાફરી દરમિયાન સામાન ખોવાઈ જવાની કે સામાન ચોરાઈ જવાની ઘટનાઓ જોઈ કે સાંભળ્યું જ હશે, પણ જો આવી કોઈ ઘટના તમારી સાથે આવી ઘટના બને તો? આ પરિસ્થિતિમાં તમે શું કરશો? તમારા આ સવાલના જવાબ આ લેખના અંત સુધીમાં તમને મળી જશે.
ટ્રેનમાં મુસાફરી કરતી વખતે જો કોઈ મુસાફરનો સામાન ચોરાઈ જાય તો તેણે પહેલાં આ બાબતની ફરિયાદ નોંધાવવી જોઈએ. જો ફરિયાદ કર્યા બાદ પણ તમારો સામાન ન મળે તો ભારતીય રેલવે દ્વારા ચોરાયેલા કે ખોવાયેલા સામાન માટે વળતર આપવામાં આવે છે. જોકે, વળતરની આ રકમ મેળવવા માટે તમારે પહેલાં કેટલાક મહત્વપૂર્ણ કામ કરવા પડશે.
રેલવે મંત્રાલયની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર જો રસ્તામાં કે ટ્રેનમાંથી કોઈ પ્રવાસીનો સામાન ચોરાઈ જાય તો સૌથી પહેલા ટીકિટ ચેકર, કોચ એટેન્ડન્ટ, ગાર્ડ અથવા GRPનો સંપર્ક કરવો જોઈએ. આ લોકો દ્વારા તમને FIR ફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ફોર્મ ભરીને જરૂરી કાર્યવાહી માટે પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવશે. જો તમારે તમારી મુસાફરી પૂર્ણ કરવી હોય, તો તમે આ કમ્પ્લેઈન્ટ લેટર કોઈપણ રેલવે સ્ટેશન પરના RPF હેલ્પ પોસ્ટ પર આપી શકો છો. જો તમે તમારો સામાન રેલવેના લગેજમાં બુક કરાવ્યો હોય અને ફી ચૂકવી હોય, તો સામાનની ખોટ કે નુકસાન માટે રેલવે જવાબદાર રહેશે. આવી પરિસ્થિતિમાં વળતર તરીકે તમને રેલવે દ્વારા સામાનની સંપૂર્ણ કિંમત ચૂકવવામાં આવશે. પરંતુ, જો તમે સામાન બુક કરાવ્યો નથી અને એવો સામાન ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો રેલવે દ્વારા તમને આ માટે માત્ર 100 રૂપિયા પ્રતિ કિલોનું વળતર ચૂકવવામાં આવશે.