ઇન્ડિયન પ્રિમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેગ્લોરે લખનઉને લો સ્કોરિંગ મેચમાં હરાવ્યું છે. 127 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી લખનઉની ટીમ 108 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ટૂર્નામેન્ટમાં આરસીબીની પાંચમી જીત છે. આ જીત સાથે આરસીબીએ પ્લેઓફ તરફ એક પગલું ભર્યું છે.
કેપ્ટન કેએલ રાહુલ ઇજાગ્રસ્ત થતા લખનઉ તરફથી લક્ષ્યનો પીછો કરવા માટે આયુષ બદોનીને કાયલ મેયર્સ સાથે ઓપનિંગમાં મોકલવામાં આવ્યો હતો. મેયર્સ ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી લખનઉને 19ના સ્કોર પર કૃણાલ પંડ્યાના રૂપમાં વધુ એક ફટકો લાગ્યો હતો. કૃણાલ પંડ્યા 14 રન બનાવી આઉટ થયો હતો.
લખનઉની ટીમ પ્રથમ 6 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 34 રનના સ્કોર સુધી પહોંચાડવામાં સફળ રહી હતી.શરૂઆતની 4 ઝડપી વિકેટ ગુમાવ્યા બાદ લખનઉની ટીમ માટે આ મેચમાં વાપસી કરવી ખૂબ જ મુશ્કેલ લાગી રહી હતી. ટીમને 5મો ફટકો 38ના સ્કોર પર નિકોલસ પૂરનના રૂપમાં લાગ્યો હતો, જે 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી માર્કસ સ્ટોઈનિસ અને કૃષ્ણપ્પા ગૌતમ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 22 બોલમાં 27 રનની ભાગીદારી થઈ હતી.
જોકે બાદમાં માર્કસ સ્ટોઇનિસ, કૃષ્ણપ્પા ગૌતમ જલદી આઉટ થઇ જતા ટીમની વાપસી મુશ્કેલ બની હતી. આરસીબી તરફથી બોલિંગમાં કર્ણ શર્મા અને જોશ હેઝલવુડે 2-2 જ્યારે હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, વાનિન્દુ હસરંગા અને ગ્લેન મેક્સવેલે 1-1 વિકેટ લીધી હતી.
અગાઉ આરસીબીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતા 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 126 રન બનાવ્યા હતા. આરસીબી તરફથી કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે 44 રનની ઇનિંગ રમી હતી. વિરાટ કોહલીએ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ સાથે ઓપનિંગ કરી હતી.
વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે 8મી ઓવરના અંત સુધીમાં બંનેએ કોઈ પણ નુકસાન વિના ટીમનો સ્કોર 56 રન સુધી પહોંચાડી દીધો હતો. આ પછી 9મી ઓવરના છેલ્લા બોલ પર વિરાટ કોહલી આઉટ થયો હતો. રવિ બિશ્નોઈએ કોહલીને 31ના અંગત સ્કોર પર આઉટ કર્યો હતો.
આરસીબીની ઇનિંગ્સની 10 ઓવરના અંતે ટીમનો સ્કોર 1 વિકેટના નુકસાને 65 રન હતો. આ પછી આરસીબીએ એક પછી એક વિકેટ ગુમાવી દીધી હતી. અનુજ રાવત 9 રન બનાવી કૃષ્ણપ્પા ગૌતમનો શિકાર બન્યો હતો. આ પછી 80ના સ્કોર પર આરસીબીને ત્રીજો ફટકો ગ્લેન મેક્સવેલના રૂપમાં લાગ્યો હતો. મેક્સવેલ ચાર રન બનાવી આઉટ થયો હતો.બાદમાં કેપ્ટન ડુ પ્લેસિસ 44 રન બનાવી આઉટ થયો હતો. લખનઉ તરફથી બોલિંગમાં નવીન-ઉલ-હકે 3, રવિ બિશ્નોઈ અને અમિત મિશ્રાએ 2-2 વિકેટ ઝડપી હતી. આ સિવાય કૃષ્ણપ્પા ગૌતમે પણ 1 વિકેટ લીધી હતી.