પ્રેમધર્મ -દિક્ષિતા મકવાણા
વેલેન્ટાઇન ડે જેના નામ પાછળ ઉજવાય છે તે સેન્ટ વેલેન્ટાઇનની કહાણી જાણવા અને માણવા જેવી છે. આ વાત એક દુષ્ટ રાજા અને પરોપકારી સંત વેલેન્ટાઈન વચ્ચેના સંઘર્ષ વિશે છે. જે રોમની ત્રીજી સદીથી શરૂ થાય છે, જ્યાં ક્લાઉડિયસ નામનો અત્યાચારી રાજા હતો. રોમના રાજાનું માનવું હતું કે પરિણીત સૈનિક કરતાં અપરિણીત સૈનિક યુદ્ધ માટે યોગ્ય અને અસરકારક સૈનિક બની શકે છે, કારણ કે પરિણીત સૈનિક હંમેશાં એ વાતને લઈને ચિંતિત રહે છે કે તેના મૃત્યુ પછી પરિવારનું શું થશે? આ ચિંતાને કારણે તે યુદ્ધમાં પોતાનું સંપૂર્ણ ધ્યાન આપી શકતો નથી. આ વિચારીને રાજા ક્લાઉડિયસે જાહેરાત કરી કે તેના રાજ્યનો કોઈ સૈનિક લગ્ન નહીં કરે અને જે કોઈ તેના આદેશનો અનાદર કરશે તેને સખત સજા કરવામાં આવશે.
રાજાના આ નિર્ણયથી બધા સૈનિકો દુખી થયા અને તેઓ પણ જાણતા હતા કે આ નિર્ણય ખોટો છે, પરંતુ રાજાના ડરને કારણે કોઈએ તેનું ઉલ્લંઘન કરવાની હિંમત કરી નહીં અને તેમના આદેશનું પાલન કરવાની ફરજ પડી હતી. પરંતુ રોમના સંત વેલેન્ટાઈનને આ અન્યાય બિલકુલ મંજૂર ન હતો, તેથી તેમણે રાજાથી છુપાઈને યુવાન સૈનિકોને મદદ કરી અને તેમના લગ્ન કરાવ્યાં. જે સૈનિકો તેમની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા માગતા હતા તેઓ વેલેન્ટાઈન પાસે મદદ લેવા જતા હતા અને વેલેન્ટાઈને પણ તેમની મદદ કરી અને તેમના લગ્ન કરાવતા હતા. એ જ રીતે વેલેન્ટાઈને ઘણા સૈનિકોના છૂપી રીતે લગ્ન કરાવ્યા હતા.
પરંતુ સત્ય લાંબો સમય સુધી છુપાયેલું નથી રહેતું, કોઈ દિવસ તે બધાની સામે આવી જાય છે. એવી જ રીતે વેલેન્ટાઈનના આ સમાચાર રાજા ક્લાઉડિયસના કાને પણ પહોંચ્યા. વેલેન્ટાઈને રાજાના આદેશનું પાલન ન કર્યું, તેથી રાજાએ વેલેન્ટાઈનને મૃત્યુદંડની સજા ફટકારી અને તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
વેલેન્ટાઈન જેલની અંદર તેના મૃત્યુની તારીખની રાહ જોઈ રહ્યા હતા અને એક દિવસ એસ્ટેરિયસ નામનો જેલર તેમની પાસે આવ્યો. રોમના લોકો કહેતા હતા કે વેલેન્ટાઈનમાં એક દૈવી શક્તિ છે, જેનો ઉપયોગ કરીને તે રોગોથી મુક્તિ મેળવી શકે છે.
એસ્ટેરિયસને એક અંધ પુત્રી હતી અને તે વેલેન્ટાઈન પાસે રહેલી જાદુઈ શક્તિ વિશે જાણતો હતો, તેથી તે વેલેન્ટાઈન પાસે ગયો અને તેની દૈવી શક્તિથી તેની પુત્રીની દૃષ્ટિને સાજા કરવા વિનંતી કરી. વેલેન્ટાઈન એક સારા દિલના વ્યક્તિ હતા અને તે દરેકને મદદ કરતો હતો, તેથી તેણે જેલરને પણ મદદ કરી અને તેની અંધ પુત્રીની આંખોને તેની શક્તિથી ઠીક કરી. તે દિવસથી વેલેન્ટાઈન અને એસ્ટેરિયસની પુત્રી વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ ગઈ અને એ મિત્રતા ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઈ તેની ખબર જ ના પડી. વેલેન્ટાઈનનું મૃત્યુ થવાનું છે એમ વિચારીને એસ્ટેરિયસની પુત્રીને ઊંડો આઘાત લાગ્યો.
આખરે તે દિવસ ૧૪ ફેબ્રુઆરીએ આવી ગયો, જે દિવસે વેલેન્ટાઈનને ફાંસી આપવામાં આવી હતી. મૃત્યુ પહેલા વેલેન્ટાઈને જેલર પાસે પેન અને કાગળ માગ્યો અને તે કાગળમાં તેણે જેલરની પુત્રી માટે ગુડબાય મેસેજ લખ્યો હતો, પેજના અંતે તેમણે “યોર વેલેન્ટાઈન લખ્યું હતું, આ એવા શબ્દો છે જે લોકો આજે પણ યાદ કરે છે. વેલેન્ટાઈનના આ બલિદાનને કારણે ૧૪ ફેબ્રુઆરીનું નામ તેમના નામ પર રાખવામાં આવ્યું અને આ દિવસે સમગ્ર વિશ્ર્વમાં તમામ પ્રેમાળ લોકો વેલેન્ટાઈનને યાદ કરે છે અને એકબીજા સાથે પ્રેમ વહેંચે છે. આ દિવસે તમામ પ્રેમાળ લોકો તેમના પ્રેમી અને પ્રેમિકાને ફૂલ, ભેટ અને ચોકલેટ આપીને તેમનો પ્રેમ વ્યક્ત કરે છે.
વેલેન્ટાઈન ડે કોની સાથે ઊજવવો?
ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ર્ન એ છે કે શું આપણે આપણી ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ સાથે જ વેલેન્ટાઈન સેલિબ્રેટ કરીએ? જવાબ ના છે, કારણ કે આજકાલ તે માત્ર પ્રેમીઓ સુધી સીમિત નથી રહ્યો, આજકાલ તે મિત્રો, પરિવારના સભ્યો, ભાઈ-બહેનો સાથે ઉજવવામાં આવે છે. તે તમારા પ્રેમની અભિવ્યક્તિનું પ્રતીક છે. આજનો દિવસ પ્રેમ, સ્નેહ, કરુણા અને પ્રેમનો દિવસ છે. તેથી તમે તેને કોઈપણ સાથે ઊજવી શકો છો.