પ્રેમમાં ઘણું કરી છૂટવાની, કરી નાખવાની તાકાત છે. પ્રેમ તમને પોષે છે. કોઈ ઠિંગણા કે ઓછું સાંભળતાં કે ઝાંખું જોતા કે હાથ-પગ વગરના કે વ્હિલચેર પર બેઠેલ વ્યક્તિને પ્રેમ કરનારું મળે તો તેમને કેવું થતું હશે?
આનન-ફાનન -પાર્થ દવે
દુનિયામાં સૌથી વધારે બે મુદ્દાઓ પર લખાયું છે: સેક્સ અને મૃત્યુ. કમાલની વાત છે કે જે વસ્તુ માણસે અનુભવી જ નથી, કરી જ નથી તેના વિશે તેણે સૌથી વધારે લખ્યું છે! ગ્રંથો લખ્યા છે, કિતાબો લખી છે, વિચાર્યું છે, વિચારી વિચારીને છૂંદી નાખ્યું છે! મૃત્યુ આવે એ પહેલાં સરેરાશ સમજુ માણસ કરોડો વખત એ વિશે વિચારી ચૂક્યો હોય! બાબાઓના પ્રવચનોમાં અને લેખકોની કોલમોમાં એકાધિક વાર મૃત્યુ વિશે વાતો થતી રહે છે. તાજેતરમાં મોરબીની માનવસર્જિત હોનારતમાં માણસ ક્ષણભરમાં હતો – નહતો થઈ ગયો. માણસ જીવતેજીવ આમ તો ક્યારેય નથી મરતો સિવાય કે અતિ નિકટની વ્યક્તિનું મૃત્યુ થાય; જ્યારે નજીકની વ્યક્તિ મરે ત્યારે તેનું સ્વજન પણ થોડું થોડું મરે છે…
અને સેક્સ. કુદરતે સર્જેલી સૌથી જટિલ છતાં રસપ્રદ અને આકર્ષક બાબત! જેનામાં માણસને ‘મજા’ આવે છે. ગરીબી, બેકારી, બેરોજગારી, ટેન્શન, તાવ, કંટાળો, કંકાસ, ડિપ્રેશન: આ બધામાંથી માણસ છૂટે છે થોડી વાર. કુદરતે જ માણસ માટે, તેને ટેમ્પરરી આનંદ આવે તે માટે સર્જેલી વિદ્યા છે આ! ઘણી વખત પલાયન પણ છે સેક્સ!
અને તેના કારણે એક નવા જીવનું સર્જન થાય છે, એક સ્ત્રી માતા બને છે અને પુરુષ પિતા! પેઢી આગળ વધે છે. વંશ ટકે છે, નિર્દોષતા અનુભવાય છે, નિખાલસતા ઉછરે છે. ઈન શોર્ટ, બાળક જન્મતાં ઘણું જ બધું એવું થાય છે જેના થકી આ પૃથ્વી પર રહેવા જેવું લાગે! અહીંથી સેક્સ અને પ્રેમ વચ્ચેનું નાનકડું પણ ક્યારેય પૂરું ન થતું યુદ્ધ શરૂ થાય છે. યુવક યુવતીના પ્રેમમાં પડે છે કે સેક્સના પ્રેમમાં પડીને યુવતીને પ્રપોઝ કરે છે?!
મુદ્દો પેચીદો છે. વર્ષો જૂનો છે. અને વર્ષો સુધી રહેવાનો છે. આ મુદ્દાને સોલ્વ કરવા ઓશોને વાંચશો-સાંભળશો તો વધારે ક્ધફ્યુઝ્ડ થશો! અભિનેતા અને લેખક માનવ કૌલની એક સુંદર ફિલ્મ આવી હતી: ‘મ્યુઝિક ટીચર’. તે ફિલ્મની થીમ-લાઈન જ પ્રેમમાં રાહ જોવાની હતી! ફિલ્મનો એક અફલાતૂન ડાયલોગ છે: ‘તુમ્હારા ઈંતઝાર કિતના સુંદર હૈ!’.
પ્રેમની મજા એ છે કે તે વ્યક્તિ સાથે હોય ત્યારે તો આનંદ આવે જ, પણ તે ન હોય ત્યારે પણ એટલો જ આનંદ આવે. તેને મળ્યા પહેલા તેને મળવાનું છે તેનો આનંદ હોય અને મળ્યા પછી મળી લીધાનો આનંદ હોય! (ભઈ પ્રેમ છે, ને પ્રેમમાં આવું જ હોય!)
પ્રેમમાં ઘણું કરી છૂટવાની, કરી નાખવાની તાકાત છે. પ્રેમ તમને પોષે છે. કોઈ ઠિંગણા કે ઓછું સાંભળતા કે ઝાંખું જોતા કે હાથ-પગ વગરના કે વ્હિલચેર પર બેઠેલ વ્યક્તિને પ્રેમ કરનારું મળે તો તેમને કેવું થતું હશે? માતા-પિતા, ભાઈ-બહેનનો પ્રેમ તો ખરો જ; એ તો અદ્ભૂત અનુભૂતિ છે જ; પણ હું એ પ્રેમની વાત કરું છું જેમાં વૉટ્સએપના ટિકની રાહ જોવાની પણ મજા છે. જેના વિહરમાં પણ આનંદ આવે છે અને મળવામાં મજા! પ્રેમમાં એટલી શક્તિ રહેલી છે કે તે કુદરતે આપેલી અધૂરાશને પૂર્ણ કરી શકે છે.
પ્રેમમાં જિંદગી દોડે છે. ભલે ખયાલી વાતો ને શેખચલ્લી લેવલના વિચારો લાગે પણ એ ‘ગાળો’(ટાઈમ) માણવા જેવો છે. કોઈપણ જાતના ડ્રગ્સ વગર એ તમને નશામાં રાખે છે! આ સમયગાળો ટૂંકો પણ હોઈ શકે અને લાંબો પણ! જેવા જેના નસીબ અને સંજોગો. આ બધા પછી વારો આવે હિંમતનો. બકૌલ મરિઝ, ‘ફક્ત એક જ ટકો કાફી છે, પૂરતો છે મહોબ્બતમાં, બાકીના નવાણું ટકા ખર્ચી નાખ હિંમતમાં.’
‘મરીઝ’ યાદ આવે અને પ્રેમ ને દર્દ ને વિરહની શાયરીઓનો પટારો ખૂલે. તેમણે પ્રેમ માણ્યો હતો પૂરેપૂરો. ગુમાવ્યો પણ હતો પૂરેપૂરો! પ્રેમ એટલે શક્તિશાળી છે કે એ જેને થાય છે એને તો આબાદ કરી જ નાખે પણ જેને થઈ ને પછી નથી મળતો એ પણ ક્યાંક આગળ ‘વધે’ છે! (પ્રેમ નિષ્ફળ નથી જતો ક્યારેય, પ્રેમીઓ અથવા સંજોગો તેને અવરોધે છે.) કહ્યું ને, પ્રેમમાં ઘણી તાકાત છે! જે પ્રેમ પોષે છે અને એ પ્રેમ મારે પણ છે!
સારી સારી સુષ્ઠુ સુષ્ઠુ વાતો ઘણી થઈ છે, થશે અને થતી રહેશે પ્રેમને લઈને. પણ પ્રેમમાં અદેખાઈ, ઈર્ષ્યા, બદલો, ક્રૂરતા, પઝેસિવનેસ બધું જ શક્ય છે. પ્રેમથી જીતી શકાય છે કોઈને અને પ્રેમમાં કોઈ સામે હારી પણ શકાય છે. બક્ષી બાબુ કહેતા, ‘પાનવાળાની દુકાને ઊભા રહીને આદમકદ આયનામાં જોઈને વાળ ઓળતા ગોરાચિટ્ટા સુંવાળા નવરાઓ માટે ઉર્દુના શૅર ચરકતા રહેવું ઠીક છે, બાકી લવ એ જુદી ચેલેન્જ છે. એમાં થોડા મર્દ બનવું પડે છે!’
‘મરીઝ’ની પ્રેમિકા હતી રબાબ ચીબા, પણ રબાબના પ્રેમી મરીઝ’ ન હતા! રબાબના કારણે મરીઝે ઉત્કૃષ્ઠ સર્જન કર્યું એમ પણ કહી શકાય. તેનું ઉદાહરણ પેલી ગઝલ જેમાં મરીઝે સલૂકાઈથી રબાબને છુપાવ્યાં હતાં.
પેશ છે:
હવે કોઈ ગમે તે કહે આ હુનર બાબત
કહી રહ્યો છું હું મારી સમજથી પર બાબત
કલાનું હાર્દ હોય છે ફક્ત નિખાલસતા
હો દાસ્તાન દિલની કે હો નજર બાબત
હ્રદયનું રક્ત, નયનના ઝરણ કે જીવનનો નિચોડ,
ભળે તો ગઝલોમાં આવે છે તરબતર બાબત
આ ગઝલના દરેક શૅરના અંતે રબાબનું નામ વણાયેલું છે, આમ તો છુપાવેલું છે! જેમ કે પહેલા શૅરના મક્તામાં ‘હુનરમાંથી હુન’ અને બાબતમાંથી ‘બત’ છોડી દો એટલે નામ સામે આવે: રબાબ!
એ જ રીતે અહીં આપેલા ત્રણ શૅર સહિત આખી ગઝલ જોશો તો તમને કાફિયા અને તેના આગળના શબ્દમાં ‘રબાબ’ લખેલું વંચાશે!
આ છે ‘મરીઝ’. ધ મરીઝ. તેમણે પ્રેમમાં આ સાહસ કર્યું તેની જાણ પણ પાછી એક શૅરથી જ કરી! સાંભળો:
જુઓ શી કલાથી તમને છુપાવ્યાં,
ગઝલમાં આવ્યા તો નામે ન આવ્યાં.