Homeઈન્ટરવલલૉટરી કા લડ્ડુ જો ખાયે વો પછતાયે, જો ના ખાયે વો ભી...

લૉટરી કા લડ્ડુ જો ખાયે વો પછતાયે, જો ના ખાયે વો ભી પછતાયે

કેરળના ૩૨ વર્ષીય અનુપને ૨૪.૫૦ કરોડ રૂપિયાની લૉટરી લાગી અને તેમના જીવનમાં સુખ-શાંતિની સાથે એન્ટ્રી થઈ મુશ્કેલી અને વિપદાઓની…

કવર સ્ટોરી -દર્શના વિસરીયા

આમ તો ઉપરોક્ત ઉક્તિનો ઉપયોગ આપણે મોટાભાગે પૈણુ પૈણુ કરનારા યુવક-યુવતીના સંદર્ભે વધુ કરીએ છીએ, પણ આજે અહીં ઉક્તિને થોડા મોડિફિકેશન સાથે લૉટરી જીતનાર એક ભાગ્યશાળીના સંદર્ભમાં કરવામાં આવ્યો છે. આખી ઘટનાને વિસ્તારથી જાણવા માટે આપણે પહોંચી જવું પડશે ભારતના કેરળ રાજ્યમાં. લોટરી જીત્યા બાદ સામાન્યપણે લોકોની તમામ મુસીબતો નેસ્તનાબુત થઈ જતી હોય છે, પણ આ રિક્ષાચાલકના જીવનમાં લૉટરી જીત્યા પછી મુશ્કેલીઓની વણથંભી વણઝાર શરૂ થઈ ગઈ છે… આવો સાંભળી એમની વ્યથા એમના જ શબ્દોમાં.
‘હું દુકાનમાં મારા દીકરા માટે એક બેગ ખરીદવા ગયો હતો અને બેગ પસંદ કરીને તેનું પેમેન્ટ કર્યું, દુકાનદાર પાસેથી પૈસા લેવાના બાકી હતા પણ દુકાનદારે એવું વિચારીને મને બાકીના પૈસા પાછા ન આપ્યા કે મને તેની જરૂર નથી…’ એવું જણાવે છે અનુપ બી. જોકે, અનુપ સાથે આવું પહેલી વખત નથી થયું જ્યારે લોકોએ તેમને તેમના હકના પૈસા પાછા આપવામાં ગલ્લા તલ્લા કર્યા હોય અને એવું વિચારીને પૈસા પાછા આપવાનું ટાળ્યું હતું કે હવે તમને તો લોટરી લાગી છે તો પૈસાની શું જરૂર? ૩૨ વર્ષીય અનુપે સ્વપ્નેય નહોતું વિચાર્યું કે સરકારી લોટરી જિત્યા બાદ તેમની જિંદગીમાં સુખ-શાંતિ તો આવશે જ, પણ તેની સાથે આ વણનોતરેલી મુશ્કેલીઓ
પણ આવશે.
આજે તેઓ કેરળમાં એટલા બધા ફેમસ થઈ ગયા છે કે તેઓ ઘરની બહાર નીકળે તો તેને ઓળખનારાઓની લાંબી લાંબી લાઈનો જોવા મળે છે. આટલું ઓછું હોય તેમ એમના પરિવારના સભ્યો અને મિત્રો તેમનાથી નારાજ છે, તેમને મળનાર દરેક વ્યક્તિ તેમની પાસેથી પૈસાની જ માગણી કરતા
હોય છે.
લૉટરી લાગી હતી એ સમયને યાદ કરતાં અનુપ જણાવે છે કે ‘એક સમય હતો કે જ્યારે મારા જીવનમાં અંગત કહી શકાય એવા અનેક લોકો હતા, પણ હવે એ લોકો મારી સામે જોવા તૈયાર પણ નથી. સપ્ટેમ્બર મહિના સુધી મારું જીવન સામાન્ય હતું, પણ ત્યાર બાદ મારા જીવનમાં પરિવર્તન આવ્યું, કારણ કે એ જ મહિનામાં આશરે ૨૪.૫૦ કરોડ રૂપિયાની લોટરી લાગી હતી અને બસ ત્યાર બાદ હું આખા દેશભરમાં છવાઈ ગયો. આ રકમ કેરળમાં અત્યાર સુધી અપાયેલી સૌથી મોટી લોટરી હતી.’
આ લોટરી જીત્યાના કેટલાક દિવસો બાદ અનુપ એક વીડિયોના કારણે ફરી વખત લાઈમલાઈટમાં આવ્યા હતા અને વીડિયોમાં તેઓ લોકોને વિનંતી કરી રહ્યા હતા કે પૈસા માટે તેમને અને તેમના પરિવારની હેરાનગતિ બંધ કરવામાં આવે. એટલું જ નહીં તેમણે વીડિયોમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે ક્યારેક ક્યારેક મને એવું લાગે છે કે જો લોટરી ન જીત્યો હોત તો વધારે સારું થયું હોત.
રસોઇયામાંથી રિક્ષાચાલક બનેલા અનુપ કેરળના તિરુવનંતપુરમમાં રહે છે અને એક દાયકા કરતાં વધુ સમયથી લોટરીની ટિકિટો ખરીદે છે અને ઘણી વખત તેઓ નાની-મોટી રકમ જીત્યા પણ છે. પણ જેકપોટ જિત્યા બાદ પોતાના જીવનને પૂર્વવત્ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. અનુપના મતે પૈસો એક એવું વસ્તુ છે કે જે તમારી પાસે આવે ત્યારે અને તમારી પાસેથી જાય ત્યારે લોકોનું તમારી સાથેનું વર્તન રાતોરાત બદલાઈ જાય છે.
વાતનો દોર આગળ વધારતાં અનુપ જણાવે છે કે લોટરીની જાહેરાત થઈ હતી ત્યારથી જ રોજે સેંકડો લોકો મારા ઘરની બહાર મદદ માટે લાઈનમાં ઊભા રહેતાં હતા. સવારના પાંચ વાગ્યાથી લઈને રાત્રે ૧૨ વાગ્યા સુધી લોકો ઘર બહાર ઊભા રહેતા હતા. એટલું જ નહીં હું પૈસામાંથી લોકોને મારાથી શક્ય હોય એટલી મદદ કરવાનું વિચારી રહ્યો છું. પૈસા માગનારાઓમાં કેટલાક લોકો લોન ભરવા માટે તો વળી કેટલાક લોકો દીકરીના લગ્ન કરાવવા માટે પૈસા માગે છે. આ પ્રકારની યોગ્ય મદદ સિવાય ઘણા એવા પણ લોકો તેમની પાસે આવે છે, જેઓ એ પૈસા પર તેમનો હક હોવાનું જણાવે છે. આ બધામાં એક વ્યક્તિ તો મને ખૂબ જ સારી રીતથી યાદ છે અને એ વ્યક્તિ નવું રોયલ ઍનફીલ્ડ બાઇક લઈ આપવાની માગ સાથે આખો દિવસ અમારા ઘરમાં બેસી રહ્યો. બધાને એવું જ લાગે છે કે આ પૈસા મને કંઈ પણ કર્યા વગર મફતમાં મળ્યા છે અને મને કહે છે કે હું તેમાંથી થોડાક તેમને કેમ ન આપી શકું?
ઓનલાઇન ફેલાવવામાં આવેલી અફવાઓના કારણે પણ અનુપ અને તેમના પત્ની બંને જણ ખૂબ જ ચિંતામાં છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં એવું પોસ્ટ કરવામાં આવ્યું હતું કે પહેલેથી પૈસાદાર છું અને આ જીત એ માત્ર એક પબ્લિસિટી સ્ટંટ હતો. આજે પણ જાહેરમાં કે જાહેર જગ્યાઓ પર જતાં ડરું છું. આઠ મહિનાની ગર્ભવતી મારી પત્ની પણ ચિંતામાં હોય છે આ બધાને કારણે.
ઑક્ટોબર મહિનામાં અનુપ એક સ્થાનિક ટીવી ચેનલ દ્વારા આયોજિત ‘ગેમ શો’માં ગયા હતા અને ત્યાં તેઓ ૫૯ વર્ષીય જયપાલનને મળ્યા હતા. જયપાલન પણ ગયા વર્ષે જ અનુપની જેમ એક જેકપોટ જીત્યા હતા અને લોટરીમાં આશરે ૧૪ કરોડ રૂપિયા જીતનારા જયપાલન પણ અનુપ જેવી જ પરિસ્થિતિમાંથી પસાર થયા હતા.
તેમણે શોમાં કહ્યું હતું કે એ કહેવું મુશ્કેલ થઈ ગયું હતું કે હકીકતમાં કોને પૈસાની જરૂર છે. મિત્રો દુશ્મનો બની ગયા અને કેટલાક લોકો તો હજુ પણ નારાજ છે. જયપાલનને ઘણા ધમકીભર્યા પત્રો મળતા તેમણે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. તેમણે અનુપને પૈસાને લઈને સાવચેત રહેવાની સલાહ આપી હતી.
અનુપ જણાવે છે, લોકોને એમ લાગે છે કે લોટરી જીત્યા બાદ પૈસાની સમસ્યા દૂર થઈ જશે. પણ હજુ સુધી અનિશ્ચિતતા છે. મને ખ્યાલ નથી કે ટૅક્સ ચૂકવ્યા બાદ મારી પાસે કેટલા રૂપિયા રહેશે.
લોટરીમાં જીતેલી રકમ પર રાજ્ય સરકાર ૩૦ ટકા ટૅક્સ વસૂલે છે. આ સિવાય ટિકિટ એજન્ટનું કમિશન અને સેસ અને સરચાર્જ કપાયા બાદ કેટલી રકમ હાથમાં આવે તે કહી શકાય એમ નથી.
અનુપના જીત્યા બાદ સર્જાયેલી પરિસ્થિતિને જોતા રાજ્ય સરકારે તેમના માટે એક દિવસના પ્રશિક્ષણનું આયોજન કર્યું હતું. જેથી તેમને પૈસાનો ઉપયોગ કરવામાં મદદ મળી શકે. હાલમાં તેઓ લોટરી જીત્યા બાદ પૈસા સાથે કંઈક કરતા પહેલાં રાહ જોવાની યોજના બનાવી રહ્યા છે.
તેઓ જણાવે છે, તેમાં કોઈ સંદેહ નથી કે પૈસા આશીર્વાદ છે. પણ તેની સાથે કંઈક કરતા પહેલાં કે કોઈની મદદ કરતા પહેલાં હું એ સુનિશ્ચિત કરવા માગું છું કે મારું અને મારા પરિવારના ભવિષ્ય
સુરક્ષિત રહે….
જયપાલન અને અનુપની સ્ટોરી સાંભળ્યા પછી તો એવું થાય કે ખરેખર લૉટરી કા લડ્ડુ જો ખાયે વો પછતાયે જો ના ખાયે વો ભી પછતાયે…

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -