બ્રહ્માજીની આજ્ઞાનું પાલન કરવા માટે કર્દમજીએ સરસ્વતી નદીને કિનારે દશ હજાર વર્ષ સુધી તપશ્ર્ચર્યા કરી
જીવનનું અમૃત -ભાણદેવ
પિતામહ બ્રહ્માજીએ મહારાજ મનુ અને મહારાણી શતરૂપાને પ્રજોત્પત્તિ અને પ્રજાપાલનનું કાર્ય સોંપ્યું છે. ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર ધારણ કરીને પૃથ્વીનો રસાતલમાંથી ઉદ્ધાર કર્યો છે તેથી પૃથ્વી પણ હવે પ્રજાના વસવાટ માટે લાયક બની છે. મહારાજ મનુ અને મહારાણી શતરૂપાને બે પુત્રી અને ત્રણ પુત્રીઓનો જન્મ થયો. તેમના બે પુત્રોનાં નામ પ્રિયવ્રત અને ઉત્તાનપાદ હતાં અને ત્રણ પુત્રીઓનાં નામ આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ હતાં.
મહારાજ મનુની એક પુત્રી દેવહૂતિનાં લગ્ન કર્દમ પ્રજાપતિ સાથે થયાં હતાં અને તેમની કૂખે ભગવાન કપિલદેવનો જન્મ થયો હતો.
ભક્તરાજ વિદુરજી મહર્ષિ મૈત્રેયજીને કપિલાવતાર વિશે પ્રશ્ર્ન પૂછે છે, ભગવાન કપિલની જીવનલીલા અને તેમના જ્ઞાન વિશે જિજ્ઞાસા વ્યક્ત કરે છે. વિદુરજીની આ જિજ્ઞાસાના પ્રત્યુત્તરમાં મૈત્રેયજી તેમને ભગવાન કપિલનું જીવનચરિત્ર સંભળાવે છે.
પિતામહ બ્રહ્માજીએ કર્દમ પ્રજાપતિને પ્રજોત્પતિ માટે આજ્ઞા આપી. બ્રહ્માજીની આજ્ઞાનું પાલન કરવા માટે કર્દમજીએ સરસ્વતી નદીને કિનારે દશ હજાર વર્ષ સુધી તપશ્ર્ચર્યા કરી. એકાગ્રચિત્તે પ્રેમપૂર્વક પૂજનોપચાર દ્વારા શ્રીહરિની આરાધના કરી. સત્યયુગના પ્રારંભમાં તેમની તપશ્ર્ચર્યાથી પ્રસન્ન થઇને ભગવાન શ્રીહરિ મૂર્તિમાન થઇને તેમની સમક્ષ પ્રગટ થયા.
ભગવાનની આ મનોહર મૂર્તિનું દર્શન કરીને કર્દમજીને ખૂબ આનંદ થયો. જાણે તેમની બધી ઇચ્છાઓ પૂર્ણ થઇ ગઇ. કર્દમજીએ ભગવાનને ભક્તિભાવપૂર્વક સાષ્ટાંગપ્રણામ કર્યા અને વિનીતભાવે બંને હાથ જોડીને તેમણે ભગવાનની સ્તુતિ કરી અને ભગવાનને પ્રાર્થના કરી, ‘ભગવન્ ! આપ તો કલ્પવૃક્ષ છો. આપનાં ચરણો સમસ્ત મનોરથોને પૂર્ણ કરનાર છે. મારું હૃદય કામકલુષિત છે. હું મારા સ્વભાવને અનુરૂપ સ્વભાવવાળી, ગૃહસ્થધર્મના પાલનમાં સહાયક શીલવતી ક્ધયા સાથે વિવાહ કરવાની ઇચ્છાથી આપના શરણમાં આવ્યો છું.’
કર્દમજીની પ્રાર્થના સાંભળીને તેમને કહે છે-
‘તમારા મનના ભાવને જાણીને તદનુરૂપ વ્યવસ્થા મેં કરી જ રાખી છે. હે કર્દમજી! મારી ઉપાસના કદી નિષ્ફળ જતી નથી. પ્રસિદ્ધ સમ્રાટ મહારાજ મનુ બ્રહ્માવર્તમા રહીને સાત સમુદ્રવાળી સમગ્ર પૃથ્વીનું શાસન કરે છે. તેઓ તેમનાં ધર્મપત્ની શતરૂપા સાથે પરમ દિવસે તમને મળવા આવશે. તેમની એક ક્ધયા દેવહૂતિ રૂપ, યૌવન, શીલ અને ગુણોથી સંપન્ન છે. ક્ધયા વિવાહને યોગ્ય છે. તેઓ પોતાની આ ક્ધયા તમને અર્પણ કરશે.
“દેવહૂતિ દ્વારા તમને નવ ક્ધયાઓ પ્રાપ્ત થશે. આ ક્ધયાઓ મરીચિ આદિ ઋષિઓ સાથે વિવાહસંબંધથી બંધાઇને અનેક પુત્રોને જન્મ આપશે. હું પણ મારા અંશ-કલા સહિત તમારા પુત્રરૂપે અવતાર ધારણ કરીશ અને સાંખ્યશાસ્ત્રની રચના કરીશ.
“દેવહૂતિ દ્વારા તમને નવ ક્ધયાઓ પ્રાપ્ત થશે. આ ક્ધયાઓ મરીચિ આદિ ઋષિઓ સાથે વિવાહસંબંધથી બંધાઈને અનેક પુત્રોને જન્મ આપશે. હું પણ મારા અંશ-કલા સહિત તમારા પુત્રરૂપે અવતાર ધારણ કરીશ અને સાંખ્યશાસ્ત્રની રચના કરીશ.
આ રીતે પ્રજાપતિ કર્દમજીને વરદાન-દર્શન આપીને ભગવાન શ્રીહરિ ત્યાંથી અંતર્ધાન થયા અને પોતાના લોકમાં ગયા. ભગવાનના ગયા પછી કર્દમજી બતાવેલા સમયની પ્રતીક્ષા કરતા ત્યાં સરસ્વતી નદીને કિનારે બિંદુ સરોવર નામના તીર્થમાં જ રહ્યા. બીજી તરફ મહારાજ મનુ અને મહારાણી શતરૂપા સુવર્ણજડિત રથ પર બેસીને, પોતાની ક્ધયા ‘દેવહૂતિ’ને સાથે લઈને ભગવાન શ્રી હરિએ બતાવેલા સમયે મહર્ષિ કર્દમજીના આશ્રમ પર આવી પહોંચ્યા. મહર્ષિ કર્દમજીનો આશ્રમ બિંદુ સરોવરની પાસે જ હતો. બિંદુ સરોવર તે જ તીર્થ છે જ્યાં પોતાના શરણાગત ભક્ત કર્દમ પ્રતિ ઉત્પન્ન થયેલી અત્યંત કરુણાને કારણે ભગવાનનાં નેત્રોમાંથી અશ્રુ સરી પડ્યાં હતાં.
આદિરાજ મહારાજ મનુ આ ‘બિંદુસર’ નામના તીર્થમાં જ્યારે પહોંચ્યા ત્યારે કર્દમજી પ્રાત:કાલીન અગ્નિહોત્રથી નિવૃત્ત થઈને બેઠા હતા. મહારાજ મનુ અને શતરૂપાજીએ આશ્રમમાં પહોંચીને કર્દમ ઋષિને પ્રણામ કર્યા. તેમનું આગમન તથા પ્રણામ જોઈને મુનિએ તેમનું બંનેનું યથોચિત સ્વાગત કર્યું.
જ્યારે અતિથિઓ સ્વાગત-સત્કાર પછી આસાન પર બેઠા ત્યારે કર્દમ ઋષિએ મધુર વાણીથી તેમને પૂછ્યું, ‘હે રાજન! આપ પ્રજાના પાલક છો તેથી આપનું આ રીતનું વિચરણ સર્વથા યોગ્ય છે, છતાં હું આપને વિનયપૂર્વક પૂછું છું કે આપનું અહીં આગમન કયા પ્રયોજનથી થયું છે? આપની મને શી આજ્ઞા છે? આપની આજ્ઞાને હું નિષ્કપટપણે સહર્ષ મસ્તકે ચઢાવીશ.’
પ્રજાપતિ કર્દમની આવી મધુર અને વિનયયુક્ત વાણી સાંભળીને મહારાજ મનુ તેમને ઉદ્દેશીને કહે છે –
‘હે મુનિ! મારી આ ક્ધયા દેવહૂતિએ દેવર્ષિ નારદજી પાસેથી આપના રૂપ, ગુણ, શીલ, વિદ્યા અને અવસ્થાનું વર્ણન સાંભળ્યું છે. દેવહૂતિએ પોતાના મનથી આપને પતિ તરીકે પસંદ કર્યા છે. દેવહૂતિ સર્વ રીતે આપને અનુકૂળ છે. હે દ્વિજવર! હું આ ક્ધયા સંપૂર્ણ શ્રદ્ધાપૂર્વક આપને અર્પણ કરું છું. આપ તેનો ધર્મપત્ની તરીકે સ્વીકાર કરો.’
મહારાણી શતરૂપા તથા દેવહૂતિની તો આ પ્રસ્તાવનામાં સંમતિ હતી. કર્દમજીને બ્રહ્માજીની પ્રજોત્પત્તિ માટે આજ્ઞા હતી અને તેઓ પણ લગ્ન માટે તૈયાર હતા. દેવહૂતિની યોગ્યતા પણ હતી જ. આમ બધી અનુકૂળતા હોવાથી આ લગ્નસંબંધ નિશ્ર્ચિત થયો. બ્રાહ્મવિધિથી વેદોક્ત મંત્રોથી તેમનાં લગ્ન થયાં.
મહારાજ મનુ અને મહારાણી શતરૂપાએ પોતાની પુત્રી અને જમાઈને વસ્ત્રો, આભૂષણો અને પાત્રાદિ ભેટરૂપે આપ્યાં અને બંને તેમની વિદાય લઈને પોતાની રાજધાનીમાં ગયાં.
માતાપિતાના ગયા પછી સાધ્વી દેવહૂતિજી પ્રતિદિન કર્દમજીની પ્રેમપૂર્વક સેવા કરવા લાગ્યા. દેવહૂતિજી પતિના અભિપ્રાયને સમજનાર અને સેવાકાર્યમાં ઘણાં કુશળ હતાં. તેઓ કામવાસના, દંભ, દ્વેષ, લોભ, પાપ અને મદનો ત્યાગ કરીને પતિસેવામાં તત્પર રહેતાં અને વિશ્ર્વાસ, પવિત્રતા, ગૌરવ, સંયમ, શુશ્રૂષા, પ્રેમ અને મધુર ભાષણાદિથી પોતાના પરમ તેજસ્વી પતિને સર્વ રીતે સંતુષ્ટ કર્યાં.
આ રીતે ઘણા લાંબા સમય સુધી સેવામાં રત રહેવાથી તથા વ્રતાદિ પાલન કરવાથી દેવહૂતિ કુશ બની ગયાં. પોતાની ધર્મપત્નીને કુશ અને દુર્બળ જોઈને કર્દમજીને દયા ઊપજી તથા ખેદ પણ થયો. કર્દમજીએ દેવહૂતિજીને પ્રેમ-ગદ્ગદ વાણીથી કહ્યું:-
‘હે મનુનંદિની! તમે મારો ખૂબ આદર કર્યો છે. તમારી ઉત્તમ સેવા અને પરમભક્તિથી હું બહુ સંતુષ્ટ છું. પ્રત્યેક પ્રાણીને પોતાને પોતાનો દેહ સૌથી અધિક વહાલો હોય છે, પરંતુ તમે મારી સેવા માટે તમારા દેહની પણ પરવા કરી નથી.
‘તપ, સમાધિ, ઉપાસના અને યોગસાધના દ્વારા મને ભય અને શોકથી રહિત ભગવત્પ્રસાદસ્વરૂપ વિભૂતિઓ પ્રાપ્ત થઈ છે. તે સર્વ પર મારી સેવાના પ્રભાવથી હવે તમારો પણ અધિકાર થયો છે. હું તમને દિવ્ય દૃષ્ટિ પ્રદાન કરું છું તેના દ્વારા તમે તે વિભૂતિઓનાં દર્શન કરી શકો છો.’
કર્દમજીનાં આ વચનોથી દેવહૂતિની બધી ચિંતા દૂર થઈ.
યોગસૂત્રના વિભૂતિપાદમાં જે દિવ્ય વિભૂતિઓનું વર્ણન છે તે જ આ વિભૂતિઓ કર્દમજીને તપ, યોગ, આદિ સાધનો દ્વારા પ્રાપ્ત થઈ છે. તે જ વિભૂતિઓ દેવહૂતિજીને પતિની સેવા, તેમની પ્રસન્નતા અને તેમના વરદાન દ્વારા પ્રાપ્ત થઈ છે. આ દિવ્ય વિભૂતિઓ દ્વારા જે ભોગોની પ્રાપ્તિ થાય છે તે ભોગો પણ દિવ્ય ભોગો છે, અપાર્થિવ ભોગો છે અને તેમની તુલનાએ આપણા પાર્થિવ ભોગો કે ભોગસામગ્રી સાવ તુચ્છ છે. કર્દમજી અને દેવહૂતિજીને આવી દિવ્ય વિભૂતિઓ, દિવ્ય ભોગ-સામગ્રી અને દિવ્ય ભોગો ઉપલબ્ધ છે.
એક વાર દેવહૂતિજીએ પોતાના પતિને સંકોચપૂર્વક અને વિનીતભાવથી કહ્યું –
‘હે સ્વામિન્! હું જાણું છું કે કદી નિષ્ફળ ન જાય તેવી યોગશક્તિ અને ત્રિગુણાત્મિકા માયા પર આપને અધિકાર પ્રાપ્ત છે અને તેથી દિવ્ય ઐશ્ર્વર્ય પણ આપણે સહજસુલભ છે, પરંતુ સંતાનપ્રાપ્તિ સુધી ગૃહસ્થ સુખના ઉપભોગનું આપે મને વચન આપ્યું છે તેનું હવે પાલન થવું જોઈએ. શ્રેષ્ઠ પતિ દ્વારા સંતાન પ્રાપ્ત થાય તે સ્ત્રી માટે સર્વશ્રેષ્ઠ લાભ છે.’
કર્દમમુનિએ પોતાની પ્રિય ધર્મપત્નીની ઈચ્છા પૂરી કરવા માટે એક વિશાળ અને દિવ્ય વિમાનની રચના કરી. આ વિમાન ઈચ્છા અનુસાર સર્વત્ર જઈ શકવા માટે શક્તિમાન હતું. આ વિમાન બધા જ પ્રકારના ઈચ્છિત ભોગ-સુખ પ્રદાન કરી શકે તેવું, અત્યંત સુંદર અને બધા જ પ્રકારની દિવ્ય સામગ્રીઓથી યુક્ત હતું.
પતિ કર્દમજીની આજ્ઞાથી દેવહૂતિજીએ સ્નાન માટે સરસ્વતીના પવિત્ર જળથી ભરેલા તે બિંદુ સરોવરમાં પ્રવેશ કર્યો. સેવિકાઓએ તેમને સ્નાન કરાવ્યું અને સુંદર વસ્ત્રો પરિધાન કરાવ્યાં. પતિ સાથે દેવહૂતિજીએ વિમાનમાં પ્રવેશ કર્યો. આ વિમાનમાં નિવાસ કરીને બંનેએ અનેક લોકોમાં દીર્ઘકાળ સુધી વિહાર કર્યો અને યથેચ્છ ભોગો-સુખો ભોગવ્યાં.
પોતાની ધર્મપત્નીની ઈચ્છા જાણીને કર્દમઋષિએ પોતાના સ્વરૂપને નવ ભાગમાં વિભક્ત કર્યું અને તે સ્વરૂપો દ્વારા તેમણે દેવહૂતિજી દ્વારા નવ ક્ધયાઓ ઉત્પન્ન કરી. આ સર્વ ક્ધયાઓ સર્વાંગસુંદરી હતી.
પોતાનું પ્રજોત્પત્તિનું કાર્ય પૂરું કરીને હવે કર્દમજીએ સંન્યાસ ગ્રહણ કરવાની ઈચ્છા કરી અને પોતાની આ ઈચ્છા તેમણે દેવહૂતિજી સમક્ષ પ્રગટ કરી.
પતિદેવની સંન્યાસગ્રહણ કરવાની ઈચ્છા જાણીને કંઈક સંકોચપૂર્વક દેવહૂતિજીએ કર્દમજીને કહ્યું, ‘ભગવન્! હજુ આ ક્ધયાઓના વિવાહનું કાર્ય બાકી છે. આપના વિના તે કાર્ય મારા માટે કઠિન બની જશે.
‘સ્વામીનાથ! આપ મુક્તિદાતા છો, છતાં માયાવશ હું આપના સામર્થ્યને સમજી શકી નહીં અને આપનું સાંનિધ્ય ભોગ સુખમાં જ વીતી ગયું. આપ સંન્યાસ ધારણ કરી વનમાં જાઓ પછી જન્મમરણના શોકને દૂર કરનાર કોઈનો સંગાથ મને મળે તે આવશ્યક છે.’
પત્ની દેવહૂતિના મનનો ભાવ જાણીને કર્દમજીએ કહ્યું –
‘દેવી! તમે આ વિષયમાં ચિંતા ન કરો. તમારા ગર્ભથી ભગવાન વિષ્ણુ જન્મ ધારણ કરશે. તમે શ્રદ્ધાપૂર્વક ભગવાનનું ભજન કરો. તમારા ગર્ભથી અવતીર્ણ થઈને ભગવાન શ્રીહરિ મારો યશ વધારશે અને બ્રહ્મજ્ઞાનના ઉપદેશ દ્વારા તમારા હૃદયની અજ્ઞાનપૂર્ણ અહંકારગ્રંથિનું છેદન કરશે.’
પ્રજાપતિ કર્દમજીના શબ્દોમાં દેવહૂતિજીને સંપૂર્ણ શ્રદ્ધા હતી. દેવહૂતિજી એકાગ્ર ચિત્તથી ભગવાન શ્રીહરિની આરાધના કરવા લાગ્યા. આ રીતે ભગવાનની આરાધનામાં તેમનો ઘણો લાંબો સમય પસાર થયો. યોગ્ય સમયે પ્રજાપતિ કર્દમજીના વીર્યનો આશ્રય કરીને દેવહૂતિજીના ગર્ભ દ્વારા ભગવાન વિષ્ણુ પ્રગટ થયા, જેમ કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટે તેમ!
સરસ્વતી નદીથી ઘેરાયેલા કર્દમઋષિના આશ્રમમાં કર્દમ અને દેવહૂતિના પુત્રસ્વરૂપે ભગવાન શ્રીહરિએ જન્મ ધારણ કર્યો છે તે જાણીને મરીચિ આદિ મુનિઓ સહિત બ્રહ્માજી તે સ્થાન પર પધાર્યા.
બ્રહ્માજીએ કર્દમજીને કહ્યું –
‘પ્રિય કર્દમ! મારી આજ્ઞાનું પાલન કરીને તમે પ્રજોત્પત્તિના મારા કાર્યને આગળ ચલાવ્યું છે તેથી હું તમારા પર પ્રસન્ન થયો છું. મારી આજ્ઞાનું પાલન કરીને તમે મારી યથાર્થ પૂજા કરી છે. હવે તમે તમારી આ નવ ક્ધયાઓ મરીચિ આદિ ઋષિઓને અર્પણ કરો. તેમના દ્વારા તમારો વંશ ચાલશે અને લોકમાં તમારો યશ ફેલાશે.
‘હે પુત્ર! તમારે ઘેર તમારા પુત્રરૂપે જન્મ ધારણ કરનાર આદિપુરુષ શ્રીનારાયણ જ છે. ભગવાન નારાયણ પોતાની યોગમાયાથી તમારે ઘેર કપિલરૂપે આવ્યા છે.’
બ્રહ્માજી દેવહૂતિજીને કહે છે.