લોકલ

મધુ રાયની વાર્તા -મધુ રાય

હરિયાને વિચાર કરવાની મૂળ પેલેથી ટેવ. લોકલમાં બેઠો બેઠો વિચાર કર્યા કરે. હજાર જાતના વિચાર આવે. બહુ દાદ દિયે નહીં. વિચાર વિચારનું કામ કરે, હરિયો હરિયાનું. મોસ્ટલી તો બધા હમબગ વિચાર, ટાઇમ કપાય બાકી કંઇ નહીં. પણ આજે કંઇ નામી નામી વિચાર આવતા હતા. એક જુઓ ને બીજો ભૂલો, બોલો!
જાણે થિયું-તું એવું કે હમણાં હમણાંથી હરિયો એક વીગનાનીકની પડખે ચડી ગયો-તો. વીગનાનીકનું નામ તો હતું કંઇ પ્રોફેસર કેવાક કંઇ. પણ હરિયો મનમાં વીગનાનીક કેતો. બારથી પ્રોફેસર કહે. પ્રોફેસર પણ લોકલમાં હોય. તી હરિયો એની વાતું સાંભરે ઠાવકા મોઢે. મનમાં સમજે કે દીયે જાય છે ટાઢા પોરની. પણ બે શબ્દ દઇને જાય છે ને ક્યાં લઇને જાય છે એમ માની કંઇ ડબ-ડબ કરતો નહીં, ને ‘બરાબર બરાબર’ કહ્યાં કરતો.
અમુક અમુક વાત તો વીગનાનીકની સીધી લાઇનની હતી. જેમકે પાણી ભીનું કેમ છે, ને આકાસ ભૂરું કેમ છે, ને પૃથ્વી ગોળ કેમ છે. પણ કોક કોક વાર તો ફોર્મમાં આવીને એવી ઝીકે કે હરિયો મનમાં ને મનમાં દાંત કાઢે. તયે સું! હવે ભણલ ગણલ માણસને કેવાય સું? તમને કઉં તો તમે ય હસી હસીને બેવળા થઇ જાવ.
દાખલા તરીકે વીગનાનીકનું કહેવું હતું કે આ લોકલ ચાલે છે ઇ લોકલ નથી ચાલતી, નીચેની ધરતી ચાલે છે. ને સામે દેખાય છે ઇ ઝાડ આપણી આંખમાં સીધું નથી દેખાતું, ઊંધું દેખાય છે. બોલો! હવે આવી માથું ફેરવી દિયે એવી વાતું સાંભરી છે તમે કોઇ દિ? આટલે સુધી તો હજી ઠીક પણ કોક કોક દિ તો જડદાવાળું પાન ઠઠેડયું હોય તયેં તો વીગનાનીક રીતસરની ગાલાવેલી વાતું કરે, કયે કે સિસુને માતા ધવરાવે છે એમાંથી સિસુને જાતીય સંતોષ મળે છે! ઇયે ઠીક મારા ભાઇ, સિસુના કરમ સિસુ જાણે. પણ એક વાર તો ઇ વીગનાનીકે એવો ભીંડો માર્યો કે હરિયો ઝાળ ઝાળ થઇ ગયો. વીગનાનીક ક્યે કે ‘હરિભાઇ, ભગવાન નથી!’
હવે ટેવ પ્રમાણે હરિયા ‘બરાબર’ તો કહી દીધું, પણ પછી જીભ કચરી. સેજ ઝંખવાણો થઇને કયે કે ‘એટલે?’
ઓલાએ કહ્યું, ‘એટલે એટલે સું હરિભાઇ, ભગવાન-બગવાન કંઇ નથી. કુદરત છે, કુદરત આ બધી. ભગવાન-બગવાનનાં ધતિંગ તો તમારા-મારા જેવાને ઉલ્લુ બનાવવાની વાતું. ભગવાન-બગવાન કેવા, ધરમ-કરમ તો અફીણ છે અફીણ.’
હવે તમને ને મને બેયન ખબર છે કે હરિયાને ને ભગવાનને સારો નાતો છે, એકબીજા માટે ફિલિંગ છે, ને કાલ સવારે ઊઠીને લોકલમાં બેઠો બેઠો એક જણ કહી દે કે તમારે જેની સાથે રિલેશન્સ છે ઇ છે જ નહીં,
તમે જેને ઓળખો છો ઇ છે જ નહીં, તો તેમને કેવું થાય? ચાલો ને ભગવાનની વાત તો એક વાર બાજુએ મૂકો, ને તમને આજે કોક કહે કે તમારો દોસ્તાર મણિલાલ છે ને ઇ છે જ નહીં. તો તમને કેવું થાય? સઇમજાને, એટલે તમે મણિલાલ છે એમ માનીને લોકલમાં બેઠાતા ઇ ઉલ્લુ બનીને જ લોકલમાં બેઠાતા કે બીજું કંઇ? એટલે હરિયા ઉપર સું વીતી હશે ઇ તમે સમજી શકો છો. આખી દુનિયાનો કરતા-હરતા, સર્વશક્તિમાન અંતરજામી ભગવાન હોય, તમારો એની સાથે સંબંધ હોય ને કોક ઊઠીને કહી દીયે કે ઇ છે જ નહીં તો તમેય હતા ન હતા ન થઇ જાવ?
હરિયો ગુપચુપ પોતાના ઠેકાણે ઊતરી ગયો. એવો સુનમુન થઇ ગ્યોતો કે બોલવાનાય રામ ન મળે. હરિયો હમણાં ભૂલેશ્ર્વરમાં એક કાપડિયાને ત્યાં ગુમાસ્તાનું કામ કરતો હતો. કાપડિયો કયે કે ‘કાં હરિભાઇ કંઇ કાંટામાં નથી લાગતા?’
હરિયાએ કહ્યું કે ‘કંઇ નહીં સેજ મોર આવે છે.’
દુકાનમાં વિસણુ ભગવાન ને લખમીજીની છબી હતી. ઇ જોઇને હરિયાને થાય કે આ બધું ઉલ્લું બનાવવાનું ધતિંગ હશે. કોક ઘરાક કયે કે ‘રામ રામ!’ ને હરિયાને થાય કે રામ હશે જ નહીં? ને હોય તો પછી ઓલા વીગનાનીક ઉપર વીજળી કેમ ન પડી? ઇ કાળમુખો ઊભો ઊભો સરગી કેમ ન ગ્યો?
હવે એક રસ્તો ઇ હતો કે ભગવાનને મળીને પેટછૂટી વાત કરી નાખવી. પણ એમાં દખ ઇ હતું કે ભગવાનને મળવા જાય ને ભગવાન હોય જ નહીં તો જોયા જેવી જ થાય ને? કેવા ભોંઠા પડાય. ને પછી તો ભગવાન છે એવી આશા જ ન રહે ને. બીજો રસ્તો ઇ હતો કે વીગનાનીકનું મોઢું ન જોવું . ઇ એને રસ્તે, આપણે આપણે રસ્તે. એટલે હરિયો વીગનાનીકથી છેટો રહેવા લાગ્યો. કેમ છો, કેમ નહીંથી વધારે કંઇ લપનછપન નહીં. પણ નળરાજાની ટચલી આંગળીમાંથી કાળ પ્રવેશેલો એમ ઓલી કાળમુખી કુસંકા એના માથામાં ફર્યા કરતી હતી. ભગવાન નથી, ભગવાન નથી. લોકલના અવાજમાં ખટ્ખટ્ ખટ્ખટ્ ન સંભળાય, ભગવાન્-નથી-ભગવાન્-નથી-એવું સંભળાય. કોઇ ભાઇબંધનું નામ ઇશ્ર્વરલાલ કે કૃષ્ણકાન્ત કે એવું હોય એને મળે તો મગજમાં આડી લાઇનના વિચાર આવે. બાબુલનાથ પાસેથી નીકળે તો મંદિરમાંથી બહાર નીકળતા માણસો સામું બાડી આંખે જોયા કરે. હરિયો હેરાન થઇ ગયો. એનું પોતાનું ખુદ નામ ભગવાનના નામે હતું એટલે પોતા ઉપર પણ સંકા થાય, વાલામૂઆનાં હજાર-હજાર નામ. નામ-હજારમાંથી એકે નામ સાચુકલા ભગવાન ઉપરથી નહીં પડ્યું હોય ? લાખો લોકો અફીણના નામે નામ પાડી ફરે છે? મૂંઝાઇ ગયો હરિયો તો બિચારો.
હરિયો ફાંઉટન લઇને બેઠો. પંડિતજીનો હરિયા ઉપર ભાવ હતો. પંડિતજીનું નામ હતું કામાક્ષાપ્રસાદ દ્વિવેદી. સંસ્કૃતના ખાં હતા. હરિયાને રામહ રામૌ રામાહા પંડિતજીએ સીખવ્યું હતું. હરિયાએ કાગળની શરૂઆત કરી, પરમપૂજ્ય પંડિતજી… તરત યાદ આવ્યું, પોતે હંમેશાં કાગળમાં પહેલા શ્રી ૧ લખતો તે લખતાં ભૂલી ગયેલો. ગધનું અંદરથી ને અંદરથી હરિયાને કોક વટલાવતું હતું. નહીંતર શ્રી ૧ લખતાં કંઇ ભૂલે? હરિયાની આંખમાં ઝળઝળિયા આવી ગયાં. કાગળ ન લખ્યો. હરિયો પુસ્તકાલઇમાં ગયો. હજારો ચોપડિયુંની ઠઠ. હરિયો આખો દિ કૂચે મર્યો, જોવાય એટલી ચોપડિયું ઉપર ઉપરથી ઊથલાવી ક્યાંય રોકડો જવાબ નહીં, ભગવાન છે કે નહીં એનો. બધીયુંમાં ગોળ ગોળ વાતું. વધારામાં પાછું એવું થયું કે ભૂલથી એકાદી ભૌતિકશાસ્ત્રની ચોપડી ‘શાસ્ત્ર’માંની ઉઘાડી તો એમાં ઓલા કાળમુખા વીગનાનીકે કરેલી એવી જ બધી માથું ફેરવી દિયે એવી વાતું-લોકલ નથી ચાલતી, ધરતી ચાલે છે, ઝાડ સીધું નથી દેખાતું ઊંધું દેખાય છે. હવે શાસ્ત્રમાં જ આવું કહ્યું હોય તો પછી … .. ધ્રૂજી ઊઠયો. આ હિસાબે બત્રી-બત્રી વરસ સુધી ‘અફીણ’ પીધા કર્યું?
લોકલમાં બેસીને હરિયાએ વિચાર કર્યો, ગળાના સમ, મને તો લોકલ જ ચાલતી લાગે છે. શાસ્ત્રની વાત શાસ્ત્ર જાણે. બારીમાંથી ઝાડ સીધું જ દેખાય છે. પછી ઇ અફીણની અસર હોય કે ગમે ઇ. હા, હા, ઇ બધું તો ઠીક પણ ભગવાનનું શું? બે લોકલું સામસામી આવે ત્યારે બે ધરતીયું સામસામી ચાલે છે? હા, હા, પણ ભગવાનનું શું? ઘેર આવ્યો તો વહુએ પૂછયું, કાં હું તમને નથી ગમતી? બે દિથી સૂનમૂન ફરો છો, હસતાય નથી? હરિયો મૂગો મૂગો દૂધ પીને સૂઇ ગયો.
વહુએ કહ્યું, ભગવાન જાણે હવે મગજમાં સુંયે ઘૂરી ચડી છે. આમે આમે વિગદાવેડા, તયેં સું!
હરિયો નીંદરનો ઢોંગ કરી પડ્યો રહ્યો. ધીમે ધીમે આંખ મળી ગઇ.
‘કાં ગગા, બે દિથી તોબરું ચડાવીને ફરછ, છે સું, પેટછૂટી વાત કરને?’
ભગવાને માથે હાથ ફેરવીને પૂછયું.
હરિયાએ હાથમાં ચીટિયો ભરી જોયો. ઓ આઇ સી. સપનું ચાલતું હતું, ભગવાન સપનામાં આવ્યા હતા. સપનામાં હરિયો બેઠો થઇ ગયો, ઓહોહો, અંતરજામિ, તમે ક્યાંથી? શ્રીભગવાન બોલ્યા, ‘ગાંડા, જ્યારે જ્યારે તારા જેવા ઘેલો આમ મૂંઝાઇ જાય ત્યારે ત્યારે એના મનની શંકા દૂર કરવા આવવાનું તો મારું કામ છે. તું આમ કામધામ છોડીને ગ્લાનિથી બેઠો હોય ત્યારે તારા મનનો મેલ ધોવા હું તું બનીને આવું જ ને?’
હરિયાને થયું પાછી ગોળ ગોળ વાતું. હું તું બનીને આવું એટલે સું?
‘એટલે એમ હરિભાઇ, કે તું હાથ મૂકીને બેઠો હો ત્યારે સપનામાં આવું. તારો આત્મા એ પણ હું જ છું ને? તને તારા આત્મા થકી સમજાવું છું, ડાહ્યા! તારો આત્મા, તારી વહુનો આત્મા, ઓલા વીગનાનીકનો આત્મા, એ બધું હું જ છું. એટલે તો પરમાત્મા છું ને, મૂરખ!’
ઇ બધા આત્માને ટોટલ મારીએ તો તમે બનો, પરમાત્મા?
ભગવાન દાંત કાઢવા માંડ્યા. ‘ગાંડાના સરદાર, આત્મા એટલે શું કંઇ ભાજીમૂળા સમજછ, કે એના માપતોલ થાય, સરવાળા થાય? આત્મા એટલે એવી કંઇ ચીજ નથી કે લ્યો હરિભાઇનો આત્મા કાઢીને આ ઝોળીમાં મૂકયો ને વીગનાનીકનો આત્મા કાઢીને ઝોળીમાં મૂક્યો. આત્માના સાંધાય ન થાય ને કટકાય ન થાય, ગાંડા.’
પાછી ગોળ ગોળ વાતું. સાધી વાત કરો ભગવાન, મને મૂંઝારો થાય છે.
‘જો આત્મા કંઇ એવી ચીજ નથી કે એને હાથમાં પકડાય, કે નજરે જોવાય. કાન માંડીને બેસ તો સંભળાયે નહીં. ચાટવા જા તો ચટાય નહીં, ને સૂંઘવા જા, તો સૂંઘાયે નહીં. આત્મા તો મનથી અનુભવાય, લલ્લુ! આત્મા તો અંદરની વસ્તુ છે.’ ભગવાન હેતથી હરિયાને વાંસે હાથ ફેરવ્યો.
હજી જરાક ફોડ પાડો, ભગવાન. અંદરની વસ્તુ એટલે કેવી વસ્તુ?
ભગવાને હરિયાનું પહેરણ પકડીને કહ્યું,
‘જો, આ લૂગડું છે, એને ભીનું કરાય, સૂકવી દેવાય, કાતરથી કપાય, અને એનો ચીરો કરી ઘાસલેટમાં બોળી એનો કાકડો કરીને સઘડી પેટાવાય. એ બહારની વસ્તુ થઇ. આત્માને ભીનો ય ન કરાય, સુકવાયે નહીં, કાતરથી કપાયે નહીં, અને એનાથી સઘડીયે ન પેટાવાય. હરિયાનો આત્મા આજે હરિયાના ખોળિયામાં છે તો કાલે ચકલાના ખોળિયામાં જાય, ગાલાવેલા!’
ઓ આઇ સી. એટલે હરિયામાં ભગવાન છે ને ચકલામાંયે ભગવાન છે, એમ? પછી?
‘પછી શું, બાડા,’ ભગવાને હેતથી હરિયાને બાડા કીધું. હરિયાને ગઇમું. ‘જે ચીજુમાં તને જે સારામાં સારી ચીજ લાગે ઇ ભગવાન, બીજું શું. દાખલા તરીકે મોટામાં મોટો દીવો કયો દુનિયામાં?’
હરિયો કહે કે સૂરજ.
‘બસ, તો દીવામાં સૂરજ ભગવાન. પછી માણસમાં હાથ પગને આંખ કાન ચડે કે એનું મન ચડે?’
હરિયો કહે કે મન.
તો ભગવાન કહે, ‘બસ, તો માણસના અંગમાં મન તે ભગવાન. એવી રીતે હરણ દોડે તો એનું ચેતન ભગવાન, ને સ્ત્રી-પુરુષ સંબંધ કરે તો એમાં કામદેવ ભગવાન. બધું ભગવાન જ કરાવે છે ને, ગાંડા. એટલે તો કર્તાહર્તા કહ્યું છે ને.’
તે તમે હરતા કેમ કહેવાણા? હરિયાએ આંખો ફાડી પૂછયું.
‘અરે કોડા જેવી આંખવાળા, બધી ભગવાનની લીલા! એના ભાગલા ન પડે કે કરાવનાર ને હરાવનાર, ઇ બધું કરેલું જ છે, ને બધું હરેલું જ છેે,! કરનાર ખાલી કરી બતાડે, ને હરનાર હરી બતાડે, બુધ્ધુ, બાકી આ બધું પેલેથી માંડી દીધેલું જ છે.’ ભગવાને હસીને કહ્યું, ‘ટૂંકમાં જ્યા નજર નાખ તેમાં સારપ રૂપે, ભગવાન દેખાય. નદીમાં ગંગા ગણો, પહાડમાં હિમાલય માનો, જનાવરમાં ધારો કે સિંહ એ બધાં ભગવાનનાં રૂપ જ છે, સમજ્યો?’
એટલે લોકલમાં ઇંજિન, ને ઇંજિનમાં ડ્રાઇવર અને ડ્રાઇવરમાં એનું મન એ ભગવાન?
‘બસ બસ, હવે સમજયો, હરિશ્ર્ચંદ્ર!’ ભગવાને હસીને કહ્યું, ‘પણ આ બધું તને સમજાવવા કહું છું, સમજ્યો? ટૂંકમાં જ્યાં જ્યાં તને કંઇક સારું દેખાય ત્યાં ભગવાન સમજી લેવા, એવું. બાકી કાલે ઊઠીને ઇંજિનને પગે લાગવા ન બેસતો. એવી મૂઢમતિથી જ બધી હેરાનગતિ થાય છે. માનો તો એેકેએક ચીજમાં ભગવાન છે, ન માનો તોય કંઇ નહીં.’
પણ ઓલો વીગનાનીક કેમ ડબ-ડબ કરે છે, ભગવાન, એને જરાક સાલમપાક આપો ને?
હસીને ભગવાને કહ્યું, ‘ઘેલા, જેને જેમાં ભગવાન દેખાય તેમાં ભગવાન…’
ના, ના, ઇ તો કયે છે કે ભગવાન જ નથી એનું સું?ઇ તો ક્યે કે કુદરત જ ભગવાન છે!
‘ગાંડા, મારાં તો હજાર નામ છે. જે નામે ઓળખો એ નામે જવાબ દઉં. કોઇ લુહાર ક્યે કે મારું ઘણ મારો ભગવાન તો હું ઘણ, ને કોઇ જુગારી ક્યે કે જુગાર મારો ભગવાન તો હું જુગાર. કોઇ માસ્તર કહે કે મારી વિદ્યા મારો ભગવાન તો વિદ્યા, મારા ભાઇ.’
એટલે જેનું કામ તે કરે. કામ એટલે ભગવાન, ને ભગવાન એટલે સૌ સોનું કામ?
‘બોલ, છે ને સાવ સીધી વાત, તું તારે તારું કામ કરને, કામમાં દિલચોરી ન કરવી ખંતથી કામ કરવું. બાકી ભગવાન છે કે નહીં એનો ઉચાટ ન કરવો, ગાંડાના સરદાર!’
અરે એક મિનિટ, ભગવાનભાઇ! જાતાં જાતાં બાઇ ધ વે ઇ તો કેતા જાવ કે લોકલ ચાલે છે કે ધરતી ચાલે છે?
‘બેય પોતપોતાનું કામ કરે છે. એટલામાં સમજી જા.’ કહીને ભગવાન અલોપ થઇ ગયા. હરિયો જાગી ગયો. હરિયો રંગમાં આવી ગયો. હવે ઓલા વીગનાનીકની વાત છે.
હરિયો અંધેરીથી લોકલમાં ચડે. વીગનાનીક ચડે સાન્તાક્રુઝથી. ઇ ચડે એની પહેલાં તો હરિયાએ બધા નામી નામી વિચાર કરી લીધા. વીગનાનીકની વાત છે!
વીગનાનીક તો ટિફિન લઇને ચડ્યો. અને હરિયાએ કહ્યું, ‘વેલકમ, વેલકમ.’ પહેલાં તો આડીઅવળી વાત કરી, વીગનાનીકને પાનો ચડાવ્યો. પછી વાતવાતમાં હરિયાએ કહ્યું, ‘હા, હા, ઇ તો જેવી ભગવાનની મરજી.’
‘ભગવાન-બગવાન કેવા હરિભાઇ, કુદરત છે કુદરત.’
‘ઇ તો એવું છે ને, પ્રોફેસર, આમ મોઢે હું તમને પ્રોફેસર કહું છું, પણ મનમાં વીગનાનીક કહું છું. ને તમારું નામ તો છે સીધાર્થભાઇ. પણ તમારાં ત્રણ નામ એમ ભગવાનનાં તો હજારો લાખો નામ છે. સઇમજા કે નહીં? કુદરતેય ભગવાન.’
વીગનાનીક હસી પડ્યો. કયે કે ‘શાબાશ! પછી શું હરિભાઇ? આ બધી પ્રગતિ માણસે કરી છે કે ભગવાને? વીજળી કોણ શોધી? વિમાન કોણે બનાવ્યાં? શું નાખી દીધા જેવી વાત કરો છો, ભગવાન ઉપર છોડીને બેસી ગયા હોત ને, તો હજી ગાડાંમાં બેસીને જ ઓફિસે જતા હોત અને એમ માનતા હોય કે ધરતીની આસપાસ સૂરજ ફરે છે!’
‘એમાં તો એવું છે ને, પ્રોફેસર, સૌ પોતપોતાનું કામ કરે છે, એટલામાં સમજી જાવ.’
વીગનાનીક રાતોપીળો થઇ ગયો. ‘એટલે શું કહેવા માગો છો? ધરતી સૂરજની આસપાસ નથી ફરતી?’
‘મેં ક્યાં કહ્યું કે નથી ફરતી?’ હરિયાએ ટાઢકથી કહ્યું. ‘માણસને લાગ્યું તે સૂરજ ફરે છે, પછી મનમાં આવ્યું કે ના, ના, ધરતી ફરે છે, પછી મનમાં થયું કે ના, ના સૂરજ પણ વળી કોક બીજા સૂરજની પ્રદખણા કરે છે, ને કાલે સવારે કોક ઊઠીને કહેશે તે બધું અરસપરસ પ્રદખણા કરે છે. સાચું શું? મનમાં જયારે જે ઊગે તે ખરું. મનમાં રાજા તો આપણે રાજા, ને મનમાં કેદી તો આપણે કેદી.’
‘એટલે વોટ ડૂ યુ મીન?’ વીગનાનીક ઊંચોનીચો થઇ ગયો.
‘એટલે સમજો ને કે આ લોકલ જેવુ.’ હરિયાએ ઠાવકાઇથી કહ્યું, ‘આપણે લોકલમાં બેઠા હોઇએ એટલે આપણે બેઠા ને ધરતી ચાલી. ને આપણે બહાર નીકળ્યા એટલે આપણે ધરતી ઊભા ને લોકલ ચાલી.શું?
‘પોતપોતાનું કામ કરે છે, શું? લોકલ કિયો કે ધરતી કિયો કે સૂરજ કિયો કે જી કિયો ઇ.’ હરિયાએ વીગનાનીકના ગોઠણ ઉપર થાપટ મારી. ‘આપણે સ્ટેશન પર ઊભા હોઇએ તો કહીએ ગાડી આવી. ને ગાડીમાં બેઠા હોઇએ તો કહીએ સ્ટેશન આવ્યું. એટલામાં સમજી જાઓ.’
વીગનાનીક તતપપ થઇ ગયો.
‘અરે શું ધડ કરો છો, મિસ્ટર!’ વીગનાનીકે ડોળા ફાડીને કહ્યું. આમાં ભગવાનનું શું આવ્યું? ભગવાનની મરજી ક્યાં આવી? અભણ માણસ સાથે જીભાજોડી કરવામાં આ એક હેેડેક. લીધી જક મૂકે નહીં.’
હરિયો પ્રેમથી મરકવા મંઇડો.
‘ભગવાનની લીલા અપાર છે. પ્રોફેસર. તમારા-મારા જેવા તો ઠીક પણ મોટા મોટા ખાં લોક ધડ કર્યા કરે છે. ઇ બધાની ચોપડિયું ભેગી કરીએ ને તો ધરતી ઢંકાય જાય એટલાં પાનાં થાય, ને શાહી ભેગી કરીએ ને તો નદિયું છલકાય, અને ખડીઆ ભેગા કરીએ તો નીલગિરિ જેવડો પરવત થાય, સમજયા, અને ફાઉંટનું ભેગી કરીએ તો દુનિયાભરનાં જંગલ ભરાય, સમજ્યા કે નહીં?’
‘મારે નથી સમજવું.’ વીગનાનીક મોઢું ફેરવી બેસી ગયો.
‘આ લોકલ જ લિયો. ઇ ચાલે છે ઇ તો આપણને પસંદ છે, પણ ખખડાટ માથું ખાઇ જાય છે. સઇમજા કે નહીં?’
‘તો?’
‘આપણને એમ થાય કે લોકલ બનાવવારાએ ખખડાટ સું કામ બનાવ્યો, પણ બનાવવાવારો જ જાણે છે કે ખખડાટ વિના ન ચાલે. એ… દુનિયાનું યે એવું. આપણને થોડીક ગમે, થોડીક ન ગમે. થોડીક સમજાય ને થોડીક ન સમજાય, શું સમજ્યા. બાકી હાલે એટલે ખખડે. આપણા જેવા હાલે એટલામાં રાજી. બીજું કોક ખખડે એમાં તપી જાય. ને ઉપરવારો મૂછમાં મરકે, કેમ બોઇલા નહીં પ્રોફેસર?’ હરિયો હસવા માંડ્યો.
‘હસો છો શું, મિસ્ટર? તમારો ભગવાન આ બધા અન્યાય કેમ ચલાવી લે છે?’ વીગનાનીકે ખિજવાઇને પૂછયું. ‘એક રાજા ને બીજો ભિખારી કેમ? બોલો?’
હરિયો દાંત કાઢવા મંડ્યો, ‘તમારી કુદરત શું કરવાને ચલાવી લે છે ઇ સમજાવો તયેં, પ્રોફેસર સાહેબ!’
વીગનાનીક ઝાળ ઝાળ થઇ ગયો. ‘કુદરતે કંઇ એવો દાવો નથી કર્યો, મિસ્ટર કે એ બધાને સ્વર્ગ આપશે. કુદરત એટલે દરેક ચીજ પોતપોતાનું કામ કરે…’
બોલતાં બોલતાં વીગનાનીક અટકી ગયો. અને દરેક ચીજ પોતપોતાનું કામ કરવા માંડી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -