ઊડતી વાત -ભરત વૈષ્ણવ
આપણે મહામહેનતે કેટલા પાપડ વણીને ઘર ભાડે -લિઝ પર લીધું હોય અને ઘર ખાલી કરવાની નોબત આવે તો કેવું થાય?? બાંધેલો સામાન છોડીને ઘર સમજાવતા હોઇએ. હનીમુન પર પડાવેલ ફોટો બેડરૂમમાં રાખવો કે ડ્રોઇંગરૂમમા્ રાખવો તેની મીઠી મૂંઝવણ અને મથામણમાં હોઇએ. લાઇટની સ્વિચબોર્ડની સ્વિચોથી પરિચિત થતા હોઇએ. છેલ્લી સ્વિચ નાઇટલેમ્પની- છેલ્લેથી બીજી સ્વિચ ઝુમ્મરની, વચ્ચેની સ્વિચ ટયુબલાઇટની, છેલ્લી સ્વિચ પંખાની એવું કંઠસ્થ કરતા હોઇએ. અર્ધો સામાન ખોલ્યો પણ ના હોય ત્યાં બિસ્તરા-પોટલા બાંધવા પડે તો કેવું લાગે? સાચેસાચું કહેજો. પોલિટિશિયન જેવો પોલ્સન મારેલો પોલિશ્ડ જવાબ નહીં.સાચું કહીએ તો જરાય સારું ન લાગે!! પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું લાગે!!! કંસારમાં કાંકરી કચડાઇ હોય તેવું લાગે!! વર્સ્ટ ડન ઇઝ ફૂલ્લી ફિનિશ્ડ જેવું લાગે . મતલબ જેની ખરાબ શરૂઆત તેનો બૂરો અંજામ. સૂર્યોદયે જ સૂર્યાસ્ત લાગે!!
આપણે કોઇ કંપનીમાં નોકરીએ લાગ્યા હોય. ત્યાંના વાતાવરણથી પરિચિત થતા પહેલાં જ આપણને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવે તો આપણે તિલમિલાઇ જઇએ કે નહીં?? પ્રેમ સંબંધ બંધાય ત્યાં બ્રેક અપ થઇ જાય!! કેવી કિસ્મત!!
અખબારની ભાષામાં કહીએ તો સમાચારની શાહી સુકાઈ ન હતી. ત્યાં આ વજ્રઘાત, કુઠુરાધાત થયો. વસંતની સાથે પાનખર-ફિજા આવી ગઇ! સાલ્લો સમય, કેટલો દગાખોર??
જેના સામ્રાજ્યનો સૂર્ય કદી આથમતો ન હતો તેવું કહેવાતું હતું, જે રાણી એલિઝાબેથે ઇંગ્લેન્ડ પર સિતેર સિતેર વરસ રાજ કર્યું. તે બ્રિટનનાં વડાં પ્રધાન લિઝ ટ્રસ સિતેર વરસ તો સમજ્યા પણ સિતેર દિવસ પણ શાસન ન કરી શકયાં તે કેવું કહેવાય??? વડાં પ્રધાન થયાને જુમ્મા જુમ્મા પિસ્તાલીસ દિવસ થયાને પ્રધાનમંત્રી પદની ગાડી સત્તાની પથરી પરથી ઉતરી ગઇ!!!
આપણે ત્યાં હોવિત્ઝર કંપનીની બોફાર્સ તોપની ખરીદીમાં માત્ર ચોસઠ કરોડની તથાકથિત લાંચનો બખાળો (બોફાર્સ તોપ કારગિલ લડાઈમાં અસરકારક બની હતી . એ વાત તેના વિરોધી-આલોચકે ભૂલવી ન જોઇએ!!) કરીને રાજકારણી (વધારે અને ) કમ કવિ (કવિ કમ)વી. પી. સિંહે (કવિ હોય તે કોઇને સતાની ખુરશી પરથી ગબડાવવાનું કદી વિચારે કરે ખરો??) રાજીવ ગાંધીની સરકાર ગબડાવેલી. પછી વિશ્વનાથ પ્રતાપસિંહ,આઇ. કે. ગુજરાલ, ચંદ્રશેખર પ્રધાનમંત્રી બનેલા. એ બધા કેટલું ટકેલા?? કેટલાકે તો સંસદનો સામનો પણ કરેલો નહીં!! એ વખતના પ્રધાનમંત્રીઓ પેવેલિયન જવા તલપાપડ થતા ભારતીય ક્રિકેટર જેવા થઇ ગયેલા, ભારતીય બેટ્સમેન માટે ચાઇનીઝ પ્રોડકટની ઉપમા ફીટ બેસે છે. ચલે તો લાઇફ તક, ન ચલે તો શામ તક જેવું . એક ખેલાડી આઉટ થાય અને બાકીના હમ સાથ સાથ હૈ ની જેમ ટપોટપ પેવેલિયનમાં જવા તલપાપડ રહે. એક કાર્ટુનિસ્ટે સ્ટ્રાઇકર એન્ડ પર એક બેટસમેન ક્રીઝ પર હોય અને બાકીના વેઇટિંગ ઓન ક્રીઝ રાખેલા હોય એટલે પેવેલિયનમાંથી આવવા-જવાનો સમય બચે!! માનો કે લાલકૃષ્ણ અડવાણી પીએમ ઇન વેઇટિંગ
ન હોય!!
બ્રિટનના ભૂતપૂર્વ વડાં પ્રધાન બોરિસ જ્હોન્સન સામે બળવો થયા પછી સત્તા પર આવેલાં લિઝ ટ્રસની ખુરશી પણ હવે ગઈ છે. વડાં પ્રધાન બન્યાંના એક જ મહિનામાં લિઝ ટ્રસે તેમના નિર્ણયોમાં વારંવાર યુ-ટર્ન લેવાની ફરજ પડવાના કારણે તેમના વિરુદ્ધ નારાજગી વધતા અંતે તેમણે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. લિઝ ટ્રસે જે વચનો આપીને વડાં પ્રધાન બન્યા હતા તે વચનો હવે તેમના ગળાનો ફંદો બનતા એક બાદ એક તેને બદલવાની ફરજ પડી હતી.
વિપક્ષના વિરોધ અને પોતાના પક્ષના જ બળવાને કારણે ટ્રસે અંતે બ્રિટનના વડાં પ્રધાન પદેથી એકાએક રાજીનામું આપ્યું છે. ૬ સપ્ટેમ્બરે પદભાર સંભાળ્યા બાદ અનેક ટીકાઓને અંતે આજે ૨૦મી ઓક્ટોબરે પદ છોડી દીધું છે એટલે કે તેઓ ૪૫ દિવસ માટે જ બ્રિટનનાં વડાપ્રધાન રહ્યાં છે. બ્રિટનના ઈતિહાસના તેઓ સૌથી ઓછા સમયગાળા માટેના વડાપ્રધાન
રહ્યાં છે.
આ સપ્તાહે જ નાણામંત્રી બાદ નવનિર્મિત સરકારના ગૃહપ્રધાન સુએલા બ્રેવરમેને પણ રાજીનામું આપ્યું હતું. તેમણે રાજીનામા સાથે કટાક્ષ કર્યો હતો કે વડાપ્રધાની ટીકા દર્શાવે છે કે હાલમાં રમાતા રાજકારણનું સ્તર કેટલો નીચે ઉતર્યું છે. તેણે પોતાના રાજીનામાનો ઉપયોગ લિઝ ટ્રસની પોલિસીઓ સામે અગ્નિપરીક્ષા હોવાનું કહેતા કર્યો હતો. આ નિવેદન જ દર્શાવતું હતુ કે લિઝનું પીએમ પદ પણ જોખમમાં જ હતું.
ઇંગ્લેન્ડના એક નાગરિકે બ્રિટનની પરિસ્થિતિ વિશે સરસ ટ્વીટ કરી છે. તેના ચાર માસના પુત્રે ચાર ચાન્સલર, ત્રણ ગૃહ સચિવ,બે પ્રધાનમંત્રી, બે રાજા જોઇ લીધા છે!!
આ બધા કારણો તો ઉપરછલ્લાં અને બાહ્ય છે. વાસ્તવમાં તુલસી હાય ગરીબ કી કબહુ ન જાય ખાલી, મુએં કે ચામસે લોહ ભસ્મ હો જાયે!! એવું કહેવાય છે. કવિ ઉમાશંકરે પણ કહેલું ભૂખ્યાજનોની જઠરાગ્નિ જાગશે તો મહેલોની ભસ્મ કણી ન લાધશે એવું પણ કહે છે. લિઝ ટ્રસને વડાં પ્રધાન બનાવવા માટે આપણા જમાઈ રાજા ઋુષિ સુનકનો ભોગ લીધો છે. ભારતના ૧૩૦ કરોડ પ્રજાજનોની હાય લાગી છે એટલે લિઝ ટ્રસને લિઝ પર મળેલી ઇંગ્લેન્ડની વડા પ્રધાનની ખુરશીની લિઝ-મુદત પૂરી થાય તે પહેલાં સમાપ્ત થઇ ગઇ!!!!!