Homeવાદ પ્રતિવાદપાપ અને પૂણ્યના જીવતા જાગતા લેખાં-જોખાં: જન્મ પહેલાં અને મૃત્યુ પછી રૂહ...

પાપ અને પૂણ્યના જીવતા જાગતા લેખાં-જોખાં: જન્મ પહેલાં અને મૃત્યુ પછી રૂહ ક્યાં રહે છે?

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

દુનિયામાં માનવીની રૂહ-આત્મા તેના શરીર સાથે સંકળાયેલી રહે છે અને મૃત્યુપર્યંત શરીર સાથે રહે છે, તો મૃત્યુ પછી ક્યાં જાય છે? અને ક્યાં રહે છે? આ અને એ વિશેના પ્રશ્ર્નો જાણવાની જિજ્ઞાસા ખાસ કરીને ભાઈબંધ કોમના વાચકો તરફથી વ્યક્ત કરવામાં આવી છે. સાથે ઈસ્લામનાં આધારભૂત સાધનો દ્વારા તેને જણાવવા વિનંતી કરવામાં આવી છે.
વિદિત છે કે પયગંબર હઝરત મહંમદ અલયહિસ્સલામનાં કથનો, વાક્યો, સુકૃત્યો, આચરણો વગેરે જેવા ઉચ્ચ શિષ્ટાચારોને હદીસ કહેવામાં આવે છે. આ વિષયેની માહિતી આપ હુઝૂરે અનવર (અ.)ની જુદી જુદી હદીસોથી સમજવાનો પ્રયત્ન કરીએ:
સૌ પ્રથમ તો દુનિયામાં જન્મ લેતાં પહેલાં રૂહ એક નિશ્ર્ચિત સ્થળે રહે છે. આસમાનોની આ જગ્યાને આલમે અરવાહ (ચોક્કસ-નક્કી કરેલ સ્થળ) કહે છે. ત્યાર પછી અલ્લાહતઆલા માતાના વતનને ઝરીયે (દ્વારા) તેને દુનિયામાં મોકલે છે અને તે શરીર સાથે દુનિયામાં રહે છે, આ દુનિયાને આલમે આઝમ ( ) કહે છે અને મૃત્યુ પછીના રહેઠાણને આલમે બરઝખ (મૃત્યલોક) કહે છે.
વ્હાલા જિજ્ઞાસુ વાચક મિત્રો! સૌ પ્રથમ આપણે આલમે બરઝખની થોડી જાણકારી લઈએ:
કોઈપણ માનવીનું મૃત્યુ થાય છે તો તે કોઈપણ ધર્મનો પુરૂષ હોય કે સ્ત્રી તેનો આત્મા એટલે રૂહ જીવંત રહે છે અને તેનું શરીર નાશ પામે છે એટલે જ બધા કહે છે કે આત્મા અમર છે અને શરીર નાશવંત છે. તેની રૂહ ફરિશ્તા (દેવદૂત)ઓના સવાલ જવાબ પછી તેનાં કર્મો પ્રમાણે અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવે છે.
* નેક (સુકર્મ) રૂહો બાગબગીચાવાળી ખુશ્બુદાર, બહેતરીન (સર્વશ્રેષ્ઠ) જગ્યા ઈલ્લીનમાં રહે છે.
* બદકાર (કુકર્મ) અને શિર્ક (ખુદા-ઈશ્ર્વરની જાત સાથે સરખાવનારા) કરવાવાળા લોકોની રૂહો સીજજીન નામની દોઝખ (નર્ક) જેવી બદબોદાર (દુર્ગંધવાળી) જગ્યામાં રહે છે.
* અમુક નાપાક રૂહો પેશાબખાના જેવી ગંદી જગ્યાઓમાં રહે છે.
* કેટલીક ગુનેહગાર રૂહો તેમની કબ્રમાં રહે છે; જ્યાં તેમને અઝાબ (દુ:ખ, કષ્ટ, યાતના, સજા) આપવામાં આવે છે.
* અમુક સાલેહીન (સૌ સાથે ભલુ કરનાર) રૂહો તેમની કબ્રશરીફમાં રહે છે જ્યાં તેમને જન્નત (સ્વર્ગ) જેવી સગવડ કરી આપવામાં
આવે છે.
– ગુનેહગાર અને ઝાલિમ રૂહોને કબ્રમાં અઝાબ આપવામાં આવે છે તેનો એક ઐતિહાસિક દાખલો ‘તવારીખે ખુલફા’ના હવાલાથી જુઓ:
ઝાલિમ યઝીદ કે જેણે હઝરત ઈમામ હુસૈન અને આપના કુટુંબીજનો, સાથી-સંગાથીઓની કત્લ કરબલા ખાતે કરી હતી તેના મૃત્યુ પછી અમુક વર્ષો બાદ અબ્બાસી ખાનદાનના ખલીફા (રાજ્યકર્તા)ઓએ તેની કબર હિજરીસન ૮૦મા ખોલી હતી. તે દરમિયાન તે વખતના સત્તાધીશોને તેની કબરમાંથી એક મરેલો સાપ, એક નિતંબનું હાડકું મળ્યું હતું. તેની કબરનો અંદરનો પોલાણના ભાગની દીવાલો બળી ગયેલી જોવામાં આવી. ખલીફાઓએ ત્યાં એક જાહેર પેશાબખાનું બનાવી દીધું.
પાપ અને પૂણ્યના જીવતા જાગતા લેખાં-જોખાં તો જુઓ! અલ્લાહની હિકમત (કારીગરી)નો તો અહેસાસ (અનુભૂતિ) કરો કે આજે પણ દમિરશ્કમાં તે જ જગ્યાએ પેશાબખાનું મૌજૂદ છે.
* કેટલીક નેક (પુણ્યશાળી) રૂહો મક્કાના હરમશરીફમાં ઝમઝમના (મીઠા પાણીના ઝરણા)ના કૂવાની આસપાસ ફરે છે.
* કેટલાક ઔલિયાએ કિરામ (અલ્લાહવાલા)ની રૂહો દુનિયાની બાતીની (ભીતરનું, અદ્શ્ય, ગુપ્ત) વ્યવસ્થા માટે તેમની કબ્રશરીફમાં રહે છે. બંને જહાંનો માલિક ખુદાવંદે કરીમ આ ઈન્તેઝામ (વ્યવસ્થા) માટે પોતાના તરફથી આગવા અધિકાર આપે છે.
* આ આત્માઓની કાયમી વસવાટની ચર્ચા થઈ, પણ રબતઆલા તેમાં ફરિશ્તાઓ મારફત ફેરફાર કરતાં રહે છે.
* કેટલીક નેક તાજી રૂહોને અલ્લાહ તઆલા ચાલીસ દિવસ સુધી દરરોજ તેના ઘરપર રીશ્તેદારો (સગાં-સંબંધીઓ)ને મળવા મોકલે છે જેથી તેને વિરહનું દર્દ ઓછું રહે.
* ઘણી નેક રૂહો જુમેરાત (શુક્રવાર)ની રાત્રે તેના ઘર પર આવે છે.
* શબેરાત (મોક્ષ, છૂટકારાની રાત)ની રાત્રે રૂહોને રજા આપવામાં આવે છે.
* રૂહોની છુટી અંગેનો – સત્યઘટના પર આધારિત એક રસપ્રદ બનાવ લેખના આવતા અંકમાં ઈન્શાઅલ્લાહ જાણવાનો પ્રયત્ન કરીશું.
– કબીર સી. લાલાણી
* * *
આજનો બોધ
શીફા (તંદુરસ્તી) આપનાર એકમાત્ર અલ્લાહ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -