સંગીત… શબ્દ સાંભળીને મનને એક અલગ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે. આપણે અનેક વખત એવું પણ સાંભળ્યું હશે કે સંગીત સાંભળવાથી અલગ અલગ બીમારીઓ દૂર થઈ જાય છે, પણ ક્યારેય એવું સાંભળ્યું છે કે સંગીત સાંભળવાથી હૃદયરોગનું જોખમ ઘટી જાય છે? હાલમાં જ કરવામાં આવેલા એક સર્વેમાં એવું જાણવા મળ્યું હતું કે સંગીત સાંભળવાથી હૃદયરોગ થવાનું જોખમ ઓછું થાય છે. વૈજ્ઞાનિકોએ કરેલાં અભ્યાસમાં એવું જાણવા મળ્યું હતું રોજે 30 મિનિટ સુધી સંગીત સાંભળવાથી માનિસક શાંતિતો મળે જ છે, પણ તેની સાથે સાથે તેને કારણે હૃદય રોગનું જોખમ 18 ટકા સુધી ઘટી જાય છે.
અમેરિકાની કોલેજ ઓફ કાર્ડિયોલોજીના એન્યુઅલ સાયન્ટિફિક અને વર્લ્ડ કાગ્રેડ ઓફ કાર્ડિયોલોજીના સંયુક્ત સત્રમાં આ અભ્યાસ પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને એ માટે હૃદયરોગથી પીડાતા લોકો પર મ્યૂઝિક થેરપીને કારણે જોવા મળતી અસર અને પરિણામોનું અવલોકન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ વૈજ્ઞાનિકો દ્વારા આ તારણ તારવવામાં આવ્યું હતું.
આ રિસર્ચમાં હાર્ટ એટેક આવ્યો હોય એવા આશરે 350થી 400 દર્દીઓ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ દર્દીઓને રોજે દવાની સાથે અડધો કલાક સુધી સંગીત પણ સંભળાવવામાં આવ્યું હતું. સાત વર્ષ સુધી સતત આ જ ક્રમનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું અને એ વખતે સંશોધકોને જાણવા મળ્યું હતું કે જે દર્દીઓને રોજ અડધો કલાક સંગીત સંભળાવવામાં આવતું હતું એ દર્દીઓની સરખાણીએ જે દર્દીઓને માત્ર દવા આપવામાં આવી હતી એવા દર્દીઓને હાર્ટ એટેક આવવાનું જોખમ 18 ટકા જેટલું વધી ગયું હતું. એટલું જ નહીં આવા દર્દીઓ ફરીવાર હાર્ટ એટેક આવવાનું જોખમ 23 ટકા જેટલું ઘટી ગયું હતું.
રિસર્ચમાં સામેલ પ્રોફેસર મિત્રોવિકના જણાવ્યા અનુસાર, આ રિસર્ચમાં સામેલ કરાયેલા દર્દીઓને સામાન્ય સારવારની સાથે રોજ 30 મિનિટ સંગીત સાંભળવા માટે જણાવવામાં આવ્યું હતું. જોકે આની શરુઆતમાં તો સૌ પ્રથમ દર્દીઓને 30-30 સેકન્ડની ક્લિપિંગ સંભળાવવામાં આવી હતી. તેથી જાણી શકાય કે દર્દીઓને કેવા પ્રકારનું સંગીત પસંદ છે અને આ સંગીતની તેમના આરોગ્ય પર કેવી અસર જોવા મળે છે.
આ અગાઉ બ્રિટનમાં થયેલાં એક રિસર્ચ પ્રમાણે સ્ટ્રોકના દર્દીઓ પર મ્યૂઝિક થેરપીનો સકારાત્મક પ્રભાવ પડે છે. એટલું જ નહીં પણ એંગ્લિયા રસ્કિન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અનુસાર મ્યૂઝિક થેરપીમાં કી-બોર્ડ, ડ્રમ સહિતનાં વાજિંત્રોથી સ્ટ્રોકના દર્દીઓના હાથ અને આંગળીઓનાં સ્વાસ્થ્યમાં સુધારો થયો હતો.
એટલે હવે હાર્ટ એટેકનું જોખમ ઘટાડવાનું હોય તો રોજના ઓછામાં ઓછું 30 મિનિટ સંગીત સાંભળવાનું રાખશો, તો આ સમસ્યામાંથી છુટકારો તે નહીં પણ રાહત ચેક્કસ જ મેળવી શકશો.