નવી દિલ્હીઃ દિલ્હીમાં લીકર સ્કેમમાં ‘આપ’ (આમ આદમી પાર્ટી)ના નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની 14 દિવસની જ્યુડિયિશયલ કસ્ટડી લંબાવવામાં આવી છે. સિસોદિયાને રાઉઝ એવન્યૂ કોર્ટમાં સોમવારે હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે સિસોદિયાને 17મી એપ્રિલ સુધી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.
સીબીઆઈવતીથી હાજર રહેલા પબ્લિક પ્રોસિક્યુટરે કોર્ટને કહ્યું હતું કે તપાસની કામગીરી અંતિમ ચરણમાં છે, તેથી અમે તેમની કસ્ટડી લંબાવવા માગીએ છીએ. મનીષ સિસોદિયોને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા ત્યારે આપના હેડ ક્વાર્ટર ખાતે કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે સુરક્ષા માટે રાઉ એવન્યુ કોર્ટ અને ભાજપના મુખ્યાલયની બહાર પોલીસે બેરિકેડસ લગાવ્યા હતા.
ગયા મહિના દરમિયાન દિલ્હીની વિશેષ સીબીઆઈ કોર્ટે સિસોદિયાની જામીન અરજી ફગાવી હતી, ત્યારે આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે નીચલી કોર્ટમાંના ચુકાદા સામે મનીષ સિસોદિયાએ દિલ્હી હાઈ કોર્ટમાં જશે. દિલ્હીની નવી દારુ નીતિમાં ભ્રષ્ટાચારના આરોપમાં સીબીઆઈએ મનીષ સિસોદિયાને 26મી ફેબ્રુઆરીના ધરપકડ કરી હતી.