આપણે અવાર નવાર અખબાર કે પછી ન્યુઝ ચેનલમાં શહેર કે ગામડામાં દીપડા કે વાઘ આવી ગયા હોવાની ઘટનાઓ વિશે વાંચતા જ હોઈએ છીએ. પરંતુ જંગલનો રાજા સિંહ કોઈ ગામ કે રહેવાસી વિસ્તારમાં પ્રવેશ્યો હોવાની ઘટનાઓ ખુબ ઓછી જોવા મળે છે પરંતુ ગુજરાતના અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા ભેરાઈ ગામમાં મધરાતે ગીરની ઓળખ સમાન સાવજો આરામથી લટાર મારતાં જોવા મળ્યા હતા. સીસીટીવીમાં આ આખી ઘટના કેદ થઈ ગઈ હતી અને તેને કારણે આસપાસના રહેવાસીઓમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. ઘટના મંગળવાર રાતે બની હતી અને ફૂટેજમાં 7 8 સિંહણ આરામથી ગામમાં મધરાતે લટાર મારતી જોવા મળી હતી. સિંહણની હાજરીથી સાવધ થઈ ગયેલા શ્વાનના ભસવાના અને ગાયના ભાંભરવાના અવાજ પરથી ગામવાસીઓને ગામમાં સિંહ આવ્યો હોવાની જાણ થઈ હતી.
એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે છેલ્લાં એક વર્ષથી આ રીતે રોજ આ સિંહો ગામમાં આવે છે. મંગળવારે મધરાતે 1 વાગ્યાની આસપાસ શ્વાનના ભસવાનો અવાજ અને ગાયનો ભાંભરવાનો અવાજ આવતા ગામવાસીઓને ખ્યાલ આવ્યો હતો કે ગામમાં સિંહ આવ્યો છે.
ગામમાં સિંહ હોવાની જાણ ગામવાસીઓએ વન્ય અધિકારીઓને કરી હતી અને તેમણે સિંહને ગામમાંથી ભગાવી દીધા હતા. બીજા એક ગામવાસીએ જણાવ્યું હતું કે ગામના 50 લોકો ખેતી કરીને ગુજરાન ચલાવે છે. ઘણી વખત પાકને બીજા પ્રાણીઓ નુકસાન ન પહોંચાડે એટલે રાતે ખેડૂતોને ખેતરે જવું પડે છે પણ સિંહની બીકને કારણે તેઓ બહાર આવતા જ નથી.
એટલું જ નહીં પણ ગામવાસીઓએ દિવસના સમયમાં પણ ખેતરમાં જતી વખતે સાચવવું પડે છે, કારણ કે ઘણી વખત દિવસના આ સિંહો ખેતરમાં બેસેલા જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર, સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં અનેક વખત ગામમાં સાવજે પોતાની હાજરી નોંધાવી છે. 2020ની ગણતરી અનુસાર ગીરમાં એ સમયે સિંહની સંખ્યા 674 જેટલી હતી.