ઘણા લોકોને એકલા રહેવાનું ખૂબ જ ગમતું હોય છે અને જો તમે પણ એમાંથી જ એક છો તો તમારે તમારી આદત જેમ બને તેમ જલદી બદલી નાખવી જોઈએ, કારણ કે એકલતા તમારા સ્વાસ્થ્ય અને ઉંમર બંને માટે જોખમી સાબિત થાય એમ છે અને આવું અમે નહીં પણ હાલમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું.
એકલતા તમારા જીવનને એટલું જ નુકસાન પહોંચાડે છે જેટલું દારૂ અને સિગારેટ. યુએસ સર્જન જનરલની નવી એડવાઈઝરી અનુસાર યુનાઈટેડ સ્ટેટ્સમાં એકલતાને એક ગંભીર સમસ્યા તરીકે ઓળખવામાં આવે છે. સ્ટડીમાં એવું જણાવવામાં આવ્યું કે એકલતાને કારણે એટલું જ નુકસાન થાય છે જેટલું એક દિવસમાં 15 સિગારેટ પીવાથી થાય છે. એટલું જ નહીં આ એકલતાં એ અકાળે મૃત્યુનું જોખમ 30 ટકા જેટલું વધારે છે. આ ઉપરાંત એકલતાને કારણે વ્યક્તિ ડિપ્રેશન, ચિંતા અને તાણ અનુભવે છે.
આપણી આસપાસમાં ઘણા બધા લોકો હોય તો પણ તમે એકલતા અનુભવી શકો છો, અમેરિકન સર્જનના મતે, એકલતાનો સીધેસીધો સંબંધ તમારા સંબંધોની ગુણવત્તા સાથે છે. ઘણા યુવાનો હવે પર્સનલ રિલેશનશિપને ટાળવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે.
એકલતાને કારણે થતાં નુકસાન વિશે તો જાણી લીધું પણ હવે આ એકલતાને કઈ રીતે દૂર કરી શકાય એ વિશે વાત કરીએ તો એકલતાને દૂર કરવા આપણે આપણા પ્રિયજન સાથે ઓછામાં ઓછી 15 મિનિટનો સમય પસાર કરવો જોઈએ, લોકો સાથે વાત-ચીત કરવાનું રાખો. ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું ટાળો, કારણ કે આને કારણે એકલતામાં વધારો થાય છે.