જિનદર્શન -મહેન્દ્ર પુનાતર
સુખનો આનંદ એકલા માણી
શકાતો નથી અને દુ:ખ
ટોળામાં વહેંચી શકાતું નથી
જીવન ખૂબ જ વિસ્મયકારક અને રહસ્યપૂર્ણ છે. કાલે શું થવાનું છે, કેવી ઘટનાઓ ઘટિત થવાની છે તેની કોઈને કશી ખબર પડતી નથી. કાળનું ચક્ર ફર્યા કરે છે, પરિસ્થિતિ પલટાયા કરે છે અને માણસ તેની આસપાસ ભમ્યા કરે છે. આ જટિલ જગતમાં જ્યાં આપણું જીવન ઘણી બાબતો પર આધારિત છે ત્યાં હંમેશાં બધું આપણી ઈચ્છા મુજબ થવાનું નથી. કશુંક તો અપેક્ષા વિરુદ્ધ થવાનું જ છે. મનગમતી વાત હંમેશાં બનવાની નથી. જીવન એકબીજા સાથે પરસ્પર સંકળાયેલું છે તેથી તેની સંભવિત સારી માઠી અસર પડવાની છે. આ બધી બાબતો જીવનનો એક ભાગ છે. આપણે આ બધું ટાળી શકવાના નથી. સમય અને કાળના ચક્રને યથાર્થ રીતે સમજીને તેને અનુકૂળ થઈએ તો કપરા સમયને પાર કરી શકાય છે. દુ:ખ અને મુસીબતના સમયમાં જે માણસ ધૈર્ય ગુમાવતો નથી અને પરિસ્થિતિને અનુરૂપ થઈને વાસ્તવિકતાનો સ્વીકાર કરે છે તે ટકી શકે છે. સુખ અને દુ:ખ આપણી ઈચ્છાથી આવતા નથી અને જતા નથી. તે સમયચક્રનું પરિણામ છે. દુ:ખ અને નિરાશાનો અનુભવ દરેક માણસને એક યા બીજા સ્વરૂપે થતો હોય છે. કોઈ જલદીથી બધું ભૂલી જાય છે તો કોઈના મનમાં આ બાબત લાંબા સમય સુધી ખટક્યા કરે છે. કાળના જખ્ામો દરેક માણસને સહન કરવા પડે છે. કેટલીક વખત આપણો કશો વાંક ન હોવા છતાં મુસીબત આવી પડે છે. માણસ ધારણા, અપેક્ષા અને કલ્પનામાં રાચતો હોય છે અને સપનાના મહેલો- મનોરથો સર્જાતા હોય છે. માણસને બધું એની મેળે મળી જતું નથી. આ માટે મહેનત અને પુરુષાર્થ કરવો પડે છે. ઈચ્છાઓ અને અપેક્ષાઓ ધાર્યા પ્રમાણે સુખ આપી શકતી નથી દુ:ખ જરૂર આપી શકે છે
દુ:ખ, મુશ્કેલી અને વિપત્તિ આવે છે ત્યારે મન ઉદ્વેગ અનુભવે છે, જીવતર કડવું ઝેર બની ગયાનું લાગે છે. અને તે ઘટનાઓને અનુલક્ષીને ભાવિનો ભય સતાવ્યા કરે છે. કોઈ આપણા વિશે શું ધારશે, શું વિચારશે, નજીકના લોકોનો શો પ્રતિભાવ હશે એવી ચિંતાઓ માણસને સતાવ્યા કરે છે. કેટલીક વખત દુ:ખ હકીકતમાં એટલું મોટું હોતું નથી. પણ ભયના કારણે એની માત્રા અનેકગણી વધી જાય છે. મોટાભાગના દુ:ખો માનસિક હોય છે. મન પરથી બોજો હટી જાય તો દુ:ખ જલદીથી ભૂલી શકાય છે. દુ:ખોને આપણે વાગોળી વાગોળીને ઘેરા બનાવી દઈએ છીએ. સુખ કરતા દુ:ખનું સ્મરણ લાંબો સમય ચાલે છે. વિચારો અને કલ્પનાઓના ઘોડાઓ દોડાવીને જખમોને પંપાળતા રહીએ છીએ. કોઈપણ સમસ્યા એવી નથી જેનું નિરાકરણ ન હોય. આ માટે હિંમત, ધીરજ અને આત્મવિશ્ર્વાસ જોઈએ. સમયની સાથે બધું ઉકલી જતું હોય છે. બધું ઠીક થઈ જાય એ પછી માણસ બની ગયેલી ઘટનાઓ અંગે વિચારે તો તેને લાગશે કે આ બધી વ્યથા અને સંતાપ વેઠવાની જરૂર નહોતી. દુ:ખના સમયે માણસ સ્થિર રહી શકતો નથી. તેનું મન આ અંગે કેન્દ્રિત થઈ જાય છે તેને બીજું કશું સૂઝતું નથી.
એક રીતે જોઈએ તો જીવનમાં આપણે ધારીએ છીએ તેવા સુખ દુ:ખ હોતા નથી. સગવડતા અને અગવડતા હોય છે. આપણને જે અનુકૂળ હોય તે સુખ લાગે છે અને પ્રતિકૂળ હોય તે દુ:ખ લાગે છે. સ્થિરતા અને સમતા હોય તો બધી બાબતો અનુકૂળ અને સ્વીકાર્ય બની જાય છે. દુ:ખને દૂર કરવાનો સરળ ઉપાય છે પરિસ્થિતિનો સ્વીકાર. આપણે કોઈપણ બાબતને જેવી છે તેવી સ્વીકારી લઈએ ત્યારે મનનો ઊભરો શાંત બની જાય છે અને આંતરિક શક્તિ ઊભી થાય છે. તેમ જ ઊભી થયેલી પરિસ્થિતિને દૂર કરવા માટે નવું બળ મળે છે. કોઈપણ માણસ સતત ક્રોધમાં કે વ્યગ્રતામાં રહી શકે નહીં. આ ઊભરો શમી જવા માટે સર્જાયેલો હોય છે. અંદરનો ડોળ ધીરે ધીરે દબાઈ જાય છે અને માણસ દુ:ખને ભૂલીને સુખના કોઈ નવા ખ્યાલમાં ઢળવા માંડે છે. આમ છતાં કેટલાક દુ:ખોને ટાળી શકાતા નથી. તેની વાસ્તવિકતાનો સ્વીકાર કરવો પડે છે. મૃત્યુનું દુ:ખ આ પ્રકારનું છે. માત્ર સમયની સાથે તેની યાદો વિલીન થઈ જાય છે. જીવનનું આ મોટું દુ:ખ છે. બધું ઈશ્ર્વરને નિયતિને આધીન છે નરસિંહ મહેતાની ઉક્તિ મુજબ મનને મનાવવું પડે છે
“જે ગમે જગતગુરુ દેવ જગદીશને
તે તણો ખરખરો ફોક કરવો
આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે
ઊગરે એક ઉદ્વેગ ધરવો
કોઈ પણ કપરાં સંજોગોથી ગભરાઈ જવાથી કશું વળવાનું નથી. આખરે મુસીબત સામે લડ્યે જ છૂટકો છે. આપણે હસ્તે મોઢે આ પડકારનો સામનો કરીએ કે દુ:ખી વદને પીડા સહન કરીએ એ બેમાંથી એકની પસંદગી કરવાની હોય છે. કેટલીક વખત માણસના દુ:ખનો તાગ મેળવવાનું અતિ કઠિન હોય છે. ચહેરા પર સ્મિત હોય પરંતુ હૃદયમાં ઊંડી વેદના ભરી હોય. કેટલીક વખત વેદનાને વાચા આપી શકાતી નથી. માણસે પોતાના દુ:ખોને ભીતરમાં સમાવી દેવાના હોય છે. દુ:ખ અને મુસીબતના સમયમાં રોદણાં રોવાનો કોઈ અર્થ નથી. આપણા દુ:ખ અને મુસીબતની વાતો સાંભળવાની કોઈને ફુરસદ નથી. આપણા સંતોષ ખાતર સામો માણસ આપણી વાત સાંભળી લેશે. અને આવી તકલીફ પોતાને નથી એ જાણીને એનો અહમ્ સંતોષાશે. આપણી વ્યથાની વાત કોઈ ખોટા માણસને કરીશું તો તે અંદરખાનેથી ખુશ થશે. દુ:ખ અને મુશ્કેલીઓને દૂર કરવાનો માર્ગ આપણે પોતે જ શોધી કાઢવાનો હોય છે. સુખમાં સાથ અને દુ:ખમાં એકલતા જરૂરી છે. સુખનો આનંદ એકલા માણી શકાતો નથી અને દુ:ખ ટોળામાં વહેંચી શકાતું નથી. કેટલીક વખત માણસ જેવું વિચારે છે તેવું બને છે. દુ:ખના વિચાર કરતા હોઈએ તો દુ:ખ નજર સમક્ષ આવે. સારી ભાવના અને સારા વિચારો હોય તો બધું સારું દેખાય. નકારાત્મક વિચારો અને દુ:ખોની સંભવિત કલ્પના દ્વારા માણસ મુશ્કેલી આવે તે પહેલા ઢીલો પડી જાય છે. ધારણા અને કલ્પનાઓ દ્વારા તે દુ:ખો માટેની સેજ તૈયાર કરી રાખે છે. જેવું વાંચ્છે તેવું પરિણમે છે. આ અંગે ઓશોએ ટાંકેલી દૃષ્ટાંત કથાનો મર્મ સમજીએ.
એક માણસ અથડાતો કુટાતો કલ્પવૃક્ષ નીચે પહોંચી ગયો. તેને ખબર નહોતી કે આ કલ્પવૃક્ષ છે. તે થાક્યો પાક્યો વૃક્ષ નીચે આરામ કરતો બેઠો હતો. તેણે વિચાર્યું કે ભૂખ લાગી છે. આસપાસ કાંઈક ભોજન મળે તો મજા પડી જાય. આ તો કલ્પવૃક્ષ હતું જેવું ઈચ્છો એવું મળી જાય. તુરત જાત જાતના મિષ્ટાન્ન અને પકવાન હાજર થઈ ગયાં. આ માણસ એટલો ભૂખ્યો હતો કે તેણે વિચાર્યું પણ નહીં કે આ ભોજન તત્કાળ ક્યાંથી આવ્યું તેને થયું આ કોઈ પુણ્યનું ફળ છે. આ ઈશ્ર્વરની કૃપા છે.
ભોજન કર્યા બાદ સ્વાભાવિક રીતે તેને વિચાર આવ્યો કે સૂવા માટે સારી જગ્યા છે. ગાદી તકિયા મળી જાય તો જરા વિશ્રામ થઈ જાય. તુરંત સુંદર શૈયા, ગાદી તકિયા હાજર થઈ ગયા. અને તે આરામથી સૂઈ ગયો. બે ત્રણ કલાક પછી આંખો ખૂલી ત્યારે તેણે મનોમન વિચાર કર્યો તરસ લાગી છે. સુમધુર શીતળ જળ મળે તો સારું અને ગુલાબની ખુશ્બુવાળું શીતળ મીઠું શરબત હાજર થઈ ગયું. આવું મધુર જળ તેણે ક્યારેય પીધું નહોતું. શરબત પીતા પીતા તેને જરા ખ્યાલ આવ્યો. આ બધું છે શું ? પહેલા ભોજનનો થાળ આવ્યો. પછી શૈયા આવી અને પછી શીતળ જળ. આ બધું ક્યાંથી આવ્યું ? આ વૃક્ષમાં કોઈ ભૂતપ્રેત તો નહીં હોય ને ? તુરત ભૂત પ્રેત પ્રગટ થઈ ગયા.
કલ્પવૃક્ષ તો જેવું વિચારો અને ઈચ્છો તેવું આપે. તેની આસપાસ ભૂત પ્રેત નાચવા લાગ્યા. તે ખૂબ ગભરાઈ ગયો તેને થયું બસ હવે હું મરી ગયો. તુરંત ભૂત પ્રેત તેની પર ચડી બેઠા અને તેનું ગળું દબાવી દીધું. જે કંઈ વિચાર્યું તે પ્રમાણે બન્યું.
માણસને દુ:ખ કરતા તેની ભ્રમણા વધુ પરેશાન કરે છે અને તે ડરી ડરીને મરતો રહે છે. મનમાંથી ડર અને ભય દૂર થઈ જાય તો મુશ્કેલી લાંબો સમય રહેતી નથી. સુખ અને દુ:ખમાં માણસને વર્તમાન કરતા ભાવી વધુ સતાવતું હોય છે. ભાવીનો ડર માણસને અકળાવી નાખે છે. દરેક માણસ સુખને ટકાવી રાખવા અને દુ:ખને ટાળવા મથે છે. જીવનની આખી બાજી કદી આપણા હાથમાં હોતી નથી. આપણે બાજીને સુધારવી પડે છે. કેટલીક વખત ખરાબ બાજી હોય તો પણ જીતી જવાય છે અને કેટલી વખત સારી બાજુ હોવા છતાં હારી જવાય છે. આ કુદરતનો ખેલ છે. જીવનની ગૂંચો કેટલીક વખત ઉકેલી શકાતી નથી. કાળના ચક્ર પાસે માણસનું કશું ચાલતું નથી. સમર્થ માણસ પણ લાચાર બની જાય છે. માણસ માત્ર નિયતિને
આધીન છે.