ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ
વર્ષો પહેલાં આવેલી ‘બોબી’ ફિલ્મનું એક ગીત ખૂબ લોકપ્રિય થયું હતું. ‘જૂઠ બોલે કૌઆ કાટે, કાલે કૌએ સે ડરીયો…’ જૂઠું બોલવાથી કાગડો કરડતો હશે કે નહીં એની ખબર નથી, પરંતુ માનવજાતની ઉત્પત્તિથી માંડીને અત્યાર સુધી માણસજાતની સત્યને જૂઠું કે જૂઠાને સાચું સાબિત કરવાની આદત કોઈ બદલી શકયું નથી.
જેઓ રાજકારણીઓને ધિક્કારે છે એમને માટે રાજકારણીઓથી મોટા જૂઠા કોઈ નથી. રાજકારણીઓએ કરેલા કે બોલેલા અસત્યવાદ પર થોકબંધ લેખો જ નહીં દળદાર પુસ્તકો પણ લખાયાં છે, પરંતુ જૂઠાણા માટે ફક્ત રાજકારણીઓ જ બદનામ શા માટે છે એ સમજાતું નથી. ઇતિહાસકારોએ સત્યના નામે લખેલા – બોલેલા જૂઠાણા કંઈ ઓછા છે ?
કલાકૃતિનાં વિવેચકો – આલોચકોએ ચલાવેલા જૂઠાણા પણ કંઈ આંગળીનાં વેઢે ગણાય એટલાં નથી જ.
સાહિત્યકારો, લેખકો, પત્રકારો, ફિલ્મસ્ટારો, સરકારી અધિકારીઓ … જૂઠાણાના વાયરસ ફેલાવનારાઓ કયાં નથી? દેશ-વિદેશના ઐતિહાસિક
જૂઠાણા કે રેર્કડ બ્રેકિંગ જૂઠાણા વિશે તો હજારો થિસીસ લખી શકાય
એમ છે.
કેટલાક સામ્યવાદી ઇતિહાસકારોએ ભારતના ઇતિહાસ સાથે જે
ચેડાં વર્ષો સુધી કર્યા હતા એની નક્કર હકીકતો હવે પ્રજા સમક્ષ ઉઘાડી થઈ રહી છે.
અરવિંદ કેજરીવાલ જેવા રાજકારણી રાજકારણમાં પ્રવેશતા પહેલા એમ કહે કે મારાં સંતાનોના સોગંદ ખાઈને કહું છું કે ‘હું જિંદગીભર રાજકારણમાં નહીં આવીશ’ અને બીજા જ મહિને અત્યંત ચાલુ રાજકારણી બનીને ખૂલ્લે આમ અસત્ય બોલવા માંડે ત્યારે લાગે કે બેશરમ બનીને જૂઠાણા ચલાવ્યા પછી પણ વારંવાર સત્તા સ્થાને બેસી શકાય છે.
આપણે ભારતીઓ વર્ષો સુધી જે માનતા હતા કે હજુ માનીએ છીએ એવા સૌથી ‘આધારભૂત’ ગપ્પાઓ આ પ્રમાણે છે.
* થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર ગાંધીજી એક અંગ્રેજ સ્ત્રી સાથે નૃત્ય કરતા હોય એવો ફોટો વાયરલ થયો હતો. મોટા ભાગનાએ એને સત્ય માની લીધું હતું. હકીકત એ છે કે તસવીરમાં બતાવવામાં આવેલી વ્યક્તિ મહાત્મા ગાંધી નહોતી.
ઓસ્ટ્રેલિયાની એક ફિલ્મમાં ગાંધીજી જેવો પહેરવેશ પહેરીને મેકઅપ સાથે એક એક્ટરની આ તસવીર હતી.
* આપણને સ્કૂલ સમયથી એવું શીખવવામાં આવે છે કે હોકી ભારતની રાષ્ટ્રીયરમત છે, પરંતુ આ પણ જૂઠાણુ છે. ભારતમાં કોઈપણ રમતને રાષ્ટ્રીયરમત જાહેર કરવામાં આવી જ નથી !
* વારાણસી (બનારસ) વિશ્ર્વનું સૌથી જૂનું શહેર છે કે જ્યાં માનવ વસાહતની શરૂઆત થઈ હોય. આ વાત પણ ખોટી છે. વારાણસી કરતાં પણ જૂનાં ૩૦ શહેરો વિશ્ર્વમાં અસ્તિત્વ ધરાવે છે.
* રોમ ઓલમ્પિક વખતે જાણીતા દોડવીર મિલખા સિંહે ચાલુ દોડે પાછળ ફરીને જોયું હતું એવી વાત દરેક રમત પ્રેમીએ માની લીધી છે, પરંતુ હકીકત એ છે કે ૪૦૦ મીટરની એ દોડમાં ફલાઇંગ શીખ તરીકે ઓળખાતા મિલખાસિંહ પોતે જ પાંચમાં નંબરે દોડી રહ્યા હતા એટલે તેઓ સૌથી આગળ હોય એવો સવાલ જ નહોતો.
* દેશના મોટા ભાગના હિન્દીભાષીઓ માને છે કે ભારતની
રાષ્ટ્રભાષા હિન્દી છે. કેટલાક એને રાજભાષા પણ કહે છે, પરંતુ હિન્દી કોઈપણ રીતે ભારતની રાષ્ટ્રભાષા નથી. ભારતમાં ૧૮થી વધુ પ્રકારની ભાષાઓ બોલાય છે અને એમાંથી કોઈને પણ રાષ્ટ્રભાષાનો દરજ્જો આપવામાં આવ્યો નથી.
* ૧૯૪૭થી જ ભારત ધર્મનિરપેક્ષ દેશ છે. આ વાત પણ સાચી નથી. ભારતના પ્રથમ બંધારણમાં ધર્મનિરપેક્ષ જેવો શબ્દ જ નહોતો. ૧૯૭૬માં કટોકટી દરિમયાન બંધારણમાં ધર્મનિરપેક્ષ શબ્દ ઉમેરવામાં આવ્યો હતો.
* સુભાષચંદ્ર બોઝનું અવસાન વિમાનના અકસ્માતને કારણે થયું હતું એવા જૂઠાણાને પણ વર્ષો સુધી ઘણાએ સત્ય માન્યું હતું. હકીકત એ છે કે સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ જ્યારે થયું એ સમયગાળામાં કોઈપણ વિમાન અકસ્માત થયો હોય એવું રેકર્ડ પર નથી.
* બીજુ એક જુઠાણું એવું ચાલે છે કે વિશ્ર્વના સૌથી વધુ માણસોને રોજગારી આપવાનું કામ ભારતીય રેલવે કરે છે. ઘણાં વર્ષો સુધી આપણે આ વાત સાચીજ માની જ લેતા હતા. હકીકત એ છે કે અમેરિકાનાં સરંક્ષણ વિભાગ, ચીનના ‘પિપલ્સ લિબ્રેશન આર્મી’ અને વોલમાર્ટ સ્ટોરની શૃંખલા ભારતીય રેલવે કરતાં વધુ વ્યક્તિઓને રોજગારી પૂરી પાડે છે.
* યુનેસ્કોએ ભારતીય રાષ્ટ્રગીતને વિશ્ર્વનું શ્રેષ્ઠ રાષ્ટ્રગીત જાહેર કર્યું હોવાની ગપ્પાબાજી પણ વર્ષો સુધી ચાલી હતી. એવું કહેવાયું હતું કે યુનેસ્કોની વેબસાઇટ પર પણ ‘જન ગણ મન…’ને વિશ્ર્વનું શ્રેષ્ઠ રાષ્ટ્રગીત જાહેર કરવામાં આવ્યું છે. આ પણ એક ગપ્પુજ હતું.
* ગાંધીજીએ નહીં કરેલા એક વિધાનને ગાંધીજીના નામે વર્ષો સુધી ચલાવવામાં આવ્યું હતું. ‘આંખ સામે આંખ લેવાની નીતિ વિશ્ર્વને અંધ કરી નાખશે. – મહાત્મા ગાંધી.’ આવી વાત ગાંધીજીએ કદી કરી જ નથી. ‘ગાંધી’ ફિલ્મમાં ગાંધીજીનું પાત્ર ભજવનાર એક્ટર બેનકિંગ્સ્લેના મોઢેથી આ વાક્ય બોલાવવામાં આવ્યું છે.
કેટલાંક જૂઠાણાં એવા હોય છે કે જેને કારણે કોઈ ઝાઝું નુકસાન સમાજ કે દેશને થતું નથી, પરંતુ કેટલાંક જૂઠાણાં એવા હોય છે કે જેને કારણે સમાજનું બંધારણ તૂટી જાય છે કે સમરસતા નાશ પામે છે. ‘સિટિઝન એમેડમેન્ટ એક્ટ’ બાબતે ચાલેલા જૂઠાણાના કારણે સમાજના બે વર્ગ વચ્ચે કારણ વગરની કડવાશ ઊભી થઈ.
સીએએમાં એવી કોઈ જોગવાઈ નથી કે દેશના નાગરિક મુસ્લિમોની પાસે એમના નાગરિકત્વ બાબતના પુરાવા માંગવામાં આવશે અને જો નહીં હોય તો એમને દેશ નિકાલ કરવામાં આવશે.
ગધેડા સહિત વિશ્ર્વનાં તમામ પ્રાણીઓને તાવ ચઢી જાય એવું આ જુઠ્ઠાણું એટલું બેવકૂફી ભર્યું છે કે આ વાત માની લેનાર એ પણ વિચારતા નથી કે દેશની લગભગ ૨૫ કરોડની વસ્તીને દેશની બહાર કઈ રીતે કરી શકાય કે, એમનું નાગરિકત્વ કંઈ રીતે રદ થઈ શકે? હિટલરના પ્રચારક ગ્લોબલ્સે કહ્યું હતું કે ‘કોઈ પણ જૂઠાણાને તમે વારંવાર દોહરાવો તો પ્રજા એ જૂઠાણાને સાચું માનવા માંડે છે.’ મજાની એ વાત છે કે ગ્લોબલ્સના નામે ચલાવવામાં આવેલું આ અવતરણ પણ એક જૂઠાણું જ છે કારણ કે ગ્લોબલ્સે કદી આવું કહ્યું જ નહોતું!