વ્હાલા જિજ્ઞાસુ વાચક બિરાદરો! સવિસ્તાર વર્ણન કરવા પાછળનો હેતુ માત્ર એટલો જ છે કે, ઈશ્ર્વરે પોતાના દૂતો મારફતે જે દેશમાં જે ધર્મ ઊતાર્યો એ દેશની ભાષાને જ ધ્યાનમાં રાખીને એ ધર્મનો પ્રચાર કરાયો હતો અને એ જ ભાષામાં ધર્મગ્રંથો રચાયા હતા
આચમન -કબીર સી. લાલાણી
વિશ્ર્વના સર્જનહારે માનવજાતિ પેદા કરી પરંતુ તેમને વિવિધ સ્વરૂપ બક્ષ્યાં છે.
* વિભિન્ન દેશ,
* વિભિન્ન ભાષા,
* વિભિન્ન સમાજ,
* વિભિન્ન કોમ,
* વિભિન્ન ધર્મ અને
* વિભિન્ન દેખાવ અને રંગરૂપ સહિત એવું ઘણું બધું છે જે માનવીની અલગ ઓળખ ઊભી કરે છે.
* એ જ પ્રમાણે વિશ્ર્વના મહાન ધર્મોનાં પવિત્ર પુસ્તકો અર્થાત્ અસલ ધર્મગ્રંથો પણ જુદી જુદી ભાષામાં છે.
* ઇસ્લામ ધર્મનો પ્રારંભ ૧૪૦૦ વર્ષ કરતાં પણ વધુ સમય પૂર્વે સઉદી અરબસ્તાનમાં થયો. પયગંબર હઝરત મુહમ્મદ સાહેબને અલ્લાહ તરફથી વહી (આકાશવાળી) ઊતરી જે અરબી ભાષામાં હતી. કારણ કે સઉદી અરબસ્તાનની તે ભાષા હતી. જો પયગંબર સાહેબ અન્ય દેશમાં હોત તો સંભવિત છે કે મુસ્લિમોની આલા કિતાબ અર્થાત પવિત્ર ગ્રંથ કુરાનની ભાષા અરબીને બદલે બીજી હોત.
આજે વિશ્ર્વભરમાં વસતા મુસલમાનો જે દેશમાં વસે છે એ ભાષાનો ઉપયોગ કરે છે અને ત્યાંની બોલી બોલે છે, પરંતુ મઝહબી શિક્ષણ અરબીમાં મેળવે છે.
* ખ્રિસ્તી અને યહુદીઓના અસલ ધર્મગ્રંથો લેટિન, હિબ્રુ જેવી પ્રાચીન ભાષામાં હતા. એ જ પ્રમાણે
* હિન્દુ અને બૌદ્ધ ધર્મીઓના ધર્મગ્રંથો જેવા કે પુરાણ, વેદ વગેરે સંસ્કૃત, પ્રાકૃત અને પાલી ભાષામાં જ્યારે
* અશો ઝરથુસ્તના અનુયાયીઓ, જેમને આપણે ભારતમાં પારસી તરીકે ઓળખીએ છીએ અને જેઓ ઈરાનથી ભારતમાં આવીને દેશની પ્રજા સાથે દૂધમાં સાકરની જેમ ભળી ગયા. તેમના ગાથા, અવેસ્તા, દીનકર્દ, ઝેન્દ્ર અવેસ્તા જેવા ધર્મગ્રંથો પહેલવી ભાષામાં હતા જે ઇરાનની ભાષા હતી.
– સમજદાર વ્યક્તિને આપણે એ જણાવવાની જરૂર રહેતી નથી કે
* અલ્લાહ,
* ઈશ્ર્વર,
* ભગવાન,
* ગોડ
* અથવા અન્ય કોઈ પણ નામ આપો
પરંતુ
* ‘સબ કા માલિક એક હૈ.’
* અખિલ બ્રહ્માંડનું સર્જન કરનાર એક જ છે,
* ભલે પછી આપણે તેને જુદા જુદા નામે સાદ આપીએ અને આજીજી કરીએ.
બોધ:
* કોઈપણ ધર્મ હિંસા, ધૃણા અને વેરભાવની શિખામણ આપતો નથી.
* દરેક ધર્મના પાયો જ પ્રેમ, માવજત, અન્યોની સેવા, અહિંસા અને સહિષ્ણુતા જેવા સિદ્ધાંતો પર રચાયો છે.
* કોઈપણ ધર્મમાં ખૂનામરકી અને કાપાકાપીને શિખામણ નથી અપાઈ.
– જયારે તમામનો સર્જનહાર એક છે પછી તેણે ચીંધેલા
* શાંતિ
* એખલાસ
* ભાઈચારાના માર્ગે આપણે કેમ ચાલતા નથી?
સ્મૃતિના સથવારે:
ગુજરાતના પ્રાચીન કવિ નરસિંહ મહેતાની વિખ્યાત કવિતા અત્રે યાદ આવે છે કે,
વૈષ્ણવજન તો તેને કહીએ જે
પીડ પરાઈ જાણે,
પરદુ:ખે ઉપકાર કરે તોય
મન અભિમાન ન આણે રે.
એક શિખામણ:
સર્વધર્મ સદ્ભાવની ભાવના સાથે ‘બહુજન સુખાય, બહુજન હિતાય’ની શિખામણને આપણા આચરણમાં ઉતારી સમગ્ર સમાજ અને દેશની પ્રગતિ અને વિકાસમાં યોગદાન આપીએ અને દેશને સર્વોચ્ચ શિખર પર પહોંચાડીએ.