સામાન્ય રીતે સિંહની ગર્જના સાંભળીને આપણે કાંપી ઉઠીએ છીએ. સિંહ વધારે ખુંખાર હોવાનું આપણે માનતા હોઈએ છીએ, પરંતુ જંગલ આસપાસ રહેનારા અથવા તો વન્ય જીવન વિશે જાણતા લોકો હંમેશાં કહે છે કે સિંહ મોટેભાગે માણસો પર હુમલો કરતો નથી. તે ખૂબ ભૂખ્યો હોય અથવા તેને છંછેડવામાં આવે ત્યારે જ તે ખુંખાર બને છે. ગુજરાતમાં સિંહ અને દીપડાએ બે વર્ષ દરમિયાન કરેલા હુમલાના આંકડા પણ આ જ સાબિત કરે છે.
ગુજરાત રાજ્યમાં વન્ય પ્રાણીઓના હુમલામાં 34 વ્યક્તિએ જીવ ગુમાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં સિંહ અને દીપડાના હુમલાથી બે વર્ષમાં 34 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત હુમલામાં બે વર્ષમાં 229 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેવી માહિતી સરકારે વિધાનસભામાં રજૂ કરી હતી. ભાજપના જ જામનગરના વિધાનસભ્ય દિવ્યેશ અકબરીએ પૂછેલા સવાલના જવાબમા આ માહિતી સરકારે આપી હતી.
રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં દીપડા દ્વારા માણસો પર સૌથી વધારે હુમલો કરવામાં આવ્યો છે. બે વર્ષ દીપડાએ 216 લોકો પર હુમલો કર્યો હતો. જેમાં 27 લોકોએ દીપડાના હુમલામાં જીવ ગુમાવ્યો હતો. જ્યારે 189 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સિંહ દ્વારા બે વર્ષમાં 47 લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. સિંહના હુમલાથી 7 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 40 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
સરકાર દ્વારા મૃતકોના સ્વજનો અને ઈજાગ્રસ્તોને સહાય ચૂકવવામા આવે છે. જે પેટે રૂ. 16 કરોડ જેટલી રકમ ચૂકવાઈ હોવાનું સરકારે જણાવ્યું હતું.