Homeઆપણું ગુજરાતગુજરાતી ભાષાના દિગ્ગજ સાહિત્ય સર્જક ધીરૂબહેન પટેલનું 96 વર્ષે અવસાન

ગુજરાતી ભાષાના દિગ્ગજ સાહિત્ય સર્જક ધીરૂબહેન પટેલનું 96 વર્ષે અવસાન

ગુજરાતની ભાષાના મોટા ગજાના સાહિત્યકાર ધીરૂબહેન પટેલે આજે દુનિયાને અલવિદા કહી દીધું છે. 96 વર્ષના લાંબા આયુષ્ય બાદ આજે તેમણે અમદવાદ ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. અમદાવાદની વી.એસ. હોસ્પિટલ પાસે આવેલા સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર થશે. તેમણે ગુજરાતી ભાષા-સાહિત્ય ક્ષેત્રે કરેલું માતબર પ્રદાન સદાકાળ યાદ રહેશે.
ધીરુબેન પટેલને ઇ.સ.૧૯૮૦માં રણજિતરામ સુવર્ણચંદ્રકથી સન્માનવામાં આવ્યા હતા. ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમને ૧૯૮૧માં કે.એમ.મુન્શી સુવર્ણ ચંદ્રક અને ૨૦૦૨માં સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ૧૯૯૬માં તેમને નંદશંકર સુવર્ણ ચંદ્રક અને દર્શક પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમની નવલકથા આગંતુક માટે ૨૦૦૧માં તેમને સાહિત્ય અકાદમીનો ગુજરાતી ભાષા માટેનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
ધીરૂબહેન પટેલ નવલકથાકાર, નાટકકાર, વાર્તાકાર, નાટ્યકાર, અનુવાદક અને કવિયત્રી હતા. ‘ચોરસ ટીપું’ ‘અધૂરો કોલ’ (૧૯૫૫) ‘એક લહર’ (૧૯૫૭) અને ‘વિશ્રંભકથા’ (૧૯૬૬) એમના જાણીતા વાર્તાસંગ્રહો છે. રોચક વસ્તુગુંફન, પ્રવાહી ભાષા, નારીહૃદયની ગૂઢ લાગણીઓનું આલેખન તથા માનવમનનાં ઊંડાણોને તાગવાની મથામણ એ એમની વાર્તાઓની વિશેષતા રહી છે.
‘આગંતુક’ ‘વડવાનલ’ (૧૯૬૩), ‘શીમળાનાં ફૂલ’ (૧૯૭૬), ‘વાવંટોળ’ (૧૯૭૯) અને ‘વમળ’ (૧૯૭૯) જેવી ઘણી નવલકથાઓથી તેમણે ગુજરાતી સાહિત્યમાં અભૂતપૂર્વ પ્રદાન કર્યું છે. કીચન પોએમ્સ (૨૦૧૮) તેમનું મહત્વનું કાવ્ય સર્જન છે.
ખાસ કરીને તેઓ હંમેશા બાળકો માટે સાહિત્ય અને નાટ્ય પ્રવૃતિઓને પ્રોત્સાહન આપતા હતા. તેમણે કાકુમાકુ અને પૂંછડીની પંચાત, ગાડાના પૈડા જેટલા રોટલાની વાત, મીનુની મોજડી, ડ્રેન્ડ્રીડાડ, મિસીસિસ્તુરબબુઆ અને વરસાદ જેવી બાળવાર્તા લખી છે. આ ઉપરાંત તેમણે અનેક બાળ કવિતાઓનું પણ સર્જન કર્યું છે. તેમણે અંડેરી ગંડેરી ટીપરી ટેન, ગોરો આવ્યો, ગગનચાંદનું ગધેડું, સૂતરફેણી, મમ્મી! તું આવી કેવી?, પાઈપાઈ, આરબ અને ઉંટ જેવા બાળનાટકો પણ લખ્યા છે.
આ ઉપરાંત નાટકો ક્ષેત્રે પણ તેમનું વિશેષ યોગદાન રહ્યું છે. તેમણે ‘પહેલું ઈનામ’ (૧૯૫૫), ‘પંખીનો માળો’ અને ‘વિનાશને પંથે’ (૧૯૬૧) જેવાં નાટકો લખ્યા છે. આ ઉપરાંત તેમનું રેડિયો નાટક ‘મનનો માનેલો’ (૧૯૫૯) પણ જાણીતું છે, એકાંકીસંગ્રહ ‘નમણી નાગરવેલ’ (૧૯૬૧) તથા બાળનાટક ‘અંડેરી ગંડેરી ટીપરીટેન’ (૧૯૬૬) એમની નાટ્યલેખનની શક્તિનો પરિચય કરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -