(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતના મેગાસિટી અમદાવાદને હરિયાળુ મહાનગર બનાવાના દાવાઓ વચ્ચે પણ વૃક્ષોનું ગેરકાયદે રીતે તો નિંકદન કાઢવામાં આવી રહ્યું છે, પરંતુ વિકાસ અને નડતરના નામે પણ કાયદેસર રીતે એટલે મનપાની મંજરી સાથે છેલ્લા પાંચ વર્ષમાં ૧૨ હજાર વૃક્ષનું છેદન કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં ‘મિશન મિલિયન ટ્રીઝ’ નામની ઝુંબેશ વચ્ચે વર્ષે દહાડે લાખો છોડ રોપવામાં પણ આવ્યા હોવાનો મનપા દાવો કરી રહી છે, પરંતુ મનપાએ જ નાગરિકોને, સંસ્થાઓ અને વિભાગનાને શહેરમાંથી ૧૨૦૦૦ વૃક્ષને કાપવાની પરવાનગી પણ આપી હતી. ૨૦૨૧ના ભારતીય વન્ય સર્વેક્ષણમાં જણાવાયા અનુસાર, અમદાવાદ શહેરમાં છેલ્લાં દસ વર્ષમાં ટ્રી-કવરમાં ૮.૫૫ ચો.કિ.મી.નો ઘટાડો થવા પામ્યો છે. મોટાં શહેરો પૈકીના એક એવા અમદાવાદ જેવા શહેરમાં વૃક્ષ-આચ્છાદિત વિસ્તારમાં થયેલો આ ઘટાડો સૌથી વધારે ગણાય છે. અમદાવાદમાં માથાદીઠ શહેરી હરિયાળી જગ્યા (અર્બન ગ્રીન સ્પેસ) ૩.૯૧ ચો.મી.ની છે, જે વિશ્ર્વઆરોગ્ય સંસ્થા (હુ)ના લઘુતમ ૯ ચો.મી.ના ધોરણ કરતાં ઘણી નીચી છે.
બીજી બાજુ મનપાના અધિકારીઓ એવો બચાવ કરી રહ્યાં છે કે, કાપવામાં આવેલાં વૃક્ષોની સામે રોપવામાં આવેલા રોપાઓ પૈકીના કેટલા રોપા પ્રથમ ચાર વર્ષમાં ટકી રહે છે તે તપાસવા માટે કોઈ વિશ્ર્વસનીય સિસ્ટમ નથી. રસ્તાઓ પહોળા કરવા માટે, રિયલ એસ્ટેટના પ્રોજેક્ટોની સાઇટોના ક્લિયરિંગ માટે તથા જ્યારે પણ સંસ્થા વિસ્તરણ માટે ઇચ્છે ત્યારે મોટા ભાગનાં વૃક્ષોને કાપવામાં આવ્યાં છે. મહાનગરપાલિકાએ વર્ષ ૨૦૧૯માં ૨૨૯૦, ૨૦૨૦-૨૧માં ૨૦૭૦ બાંધકામ પ્લાન મંજૂર કર્યા હતા. આ સમયગાળામાં તેણે રૂપિયા ૨૨ કરોડથી વધારે વૃક્ષારોપણની રિફંડેબલ ડિપોઝિટ મેળવી હતી. બિલ્ડરે નિશ્ર્ચિત રકમ ડિપોઝિટ પેટે ભરવાની હોય છે, અને અમુક રોપા કે છોડ રોપવાના હોય છે તથા અમુક વર્ષો પછી તે ડિપોઝિટ પાછી મેળવવાની હોય છે. બાદમાં નગર આયોજન અધિકારી જે તે છોડ યોગ્ય ઊંચાઈ અને વૃદ્ધિમાં થયા છે કે કેમ તેની ચકાસણી કરે છે. કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું કે, છેલ્લાં ૧૫ વર્ષમાં કોઈ બિલ્ડર આ ડિપોઝિટની રકમ પાછી લેવા આવ્યા નથી. છેલ્લાં પાંચ વર્ષમાં રૂપિયા ૪૦ કરોડ વૃક્ષારોપણની ડિપોઝિટ પેટે લેવાયા હતા અને છેલ્લાં ૧૫ વર્ષમાં આ રકમ વધીને ૧૦૦ કરોડ ઉપર પહોંચી છે. કોર્પોરેશનના નગર આયોજન અધિકારી એક વાર ચકાસણી કરીને જાય પછી મોટા ભાગના રોપાઓને બિલ્ડિંગની બાજુમાં પાર્કિંગ વગેરેની જગ્યા બનાવવા માટે દૂર કરી દેવાય છે. ઇમારતના કાયદાઓ જણાવે છે કે, દરેક ઇમારત પાસે ૧૦ ટકા જગ્યા ખુલ્લી રહેવી જોઈએ.
કાયદેસરના વૃક્ષ છેદનના આંકડા જોઇએ તો વર્ષ ૨૦૧૭-૧૮માં શહેરના તમામ ઝોનમાં મળીને કુલ ૭૩૯, તે પછીના વર્ષે ૭૭૮, ૨૦૧૯-૨૦માં ૬૭૦, વર્ષ ૨૦૨૦-૨૧માં ૫૬૨, ૨૦૨૧-૨૨માં ૫૪૯ વૃક્ષો કાપવા માટેની પરવાનગી અપાઈ હતી, જ્યારે ખૂદ મનપા દ્વારા કાપવામાં આવેલાં વૃક્ષોની યાદી જોઇએ તો ૨૦૧૭માં ૧૦૬૮, ૨૦૧૮-૧૯માં ૨૨૪૩, ૨૦૧૯-૨૦માં ૩૧૪૨, વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૦૦૩ તથા વર્ષ ૨૦૨૧-૨૨માં ૮૭૧ વૃક્ષોને કાપવામાં આવ્યાં હતાં.