તન-દુરસ્તી મન-દુરસ્તી-અમીષા રાવલ
શરીર સામાન્ય માણસનું હોય કે સેલિબ્રિટીનું તેને ઘસારો લાગે છે, તે બીમાર પડે છે અને ક્ષીણ પણ થાય જ છે. આ પ્રકૃતિનો સનાતન નિયમ છે, પરંતુ જ્યારે શરીરમાં બદલાવ આવે ત્યારે આપણે એને કેવી પ્રતિક્રિયા આપીએ એ આપણા હાથમાં હોય છે. કેટલીક વ્યક્તિઓ જરાક અમથી માંદગી આવે તો નાસીપાસ થઈ જતી હોય છે જ્યારે કેટલાક લોકો બીમારીને પોતાના પર હાવી થવા દેતા નથી.
કેટલીક એવી સેલિબ્રિટીઝ પણ છે કે જેઓ અમુક શારીરિક બીમારીઓથી પીડાય છે પણ પોતાના દૃઢ મનોબળ અને શિસ્તબદ્ધતાથી આ બીમારીઓ હોવા છતાં પોતપોતાના કાર્યક્ષેત્રમાં એટલી સક્ષમતાથી કાર્ય કરતા રહે છે. જ્યાં સુધી તેઓ કોઈ મુલાકાતમાં કે પછી સોશ્યલ મીડિયા પર તેમની આ બીમારીઓ અંગે જાણકારી ન આપે તેમના ચાહકોને એનો ખ્યાલ પણ આવતો નથી. સામાન્યપણે શરીરને સાચવવાની બાબતમાં આપણે અનેક બહાનાઓ આપતા હોઈએ છીએ પણ આ સેલિબ્રિટીઓ પોતાની અઢળક વ્યસ્ત વચ્ચે પણ પોતાના શરીરને જાળવવા માટે સમય કાઢી લેતા હોય છે.
અહીં આપણે એવા સેલિબ્રિટીઝની વાત કરવાના છીએ જેઓ ૧૬-૧૬ કલાક કામ કરીને, ટૂર કરતા-કરતા પણ તેમના ડાયાબિટીઝને સારી રીતે મેનેજ કરી સફળતાનાં શિખરો સર કરી રહ્યાં છે.
—————-
સોનમ કપૂર
સોનમ કપૂર આવી જ એક સેલિબ્રિટી છે. નીરજા અને ખૂબસૂરત જેવી ફિલ્મોથી પોતાનું એક અલગ સ્થાન બનાવનાર આ ખૂબસૂરત હિરોઈન એનાં ટીન એજનાં દિવસોથી ટાઇપ ૧ ડાયાબિટીસથી પીડાય છે. પણ એ એનાં ડાયેટ અને યોગા દ્વારા એનાં ડાયાબિટીસને નિયંત્રિત રાખે છે.
સોનમ કપૂર ડાયેટ પ્લાન
મોટે ભાગે સવારે ઊઠીને ગરમ પાણીમાં લીંબુ અને મધ ભેળવીને પીએ છે.
બ્રેક ફાસ્ટમાં સિઝનલ ફ્રૂટ, ઓમલેટ વીથ ટોસ્ટ તો ક્યારેક પૌંઆ, ઉપમા કે ઈડલી લે છે. થોડા કલાકો બાદ એક ગ્લાસ પ્રોટીન શેક.
લંચમાં દહીં, ફ્રૂટ, સિઝન અનુસારનું શાક, રોટલી. ક્યારેક બાજરાની, જવારની કે ક્યારેક મલ્ટી ગ્રેઇન રોટલી.
સાંજે સૂકોમેવો અને ફળો. દર ૨ -૨ કલાકે થોડું-થોડુંક ખાવું જે ડાયાબિટીસ નિયંત્રિત રાખવામાં મદદરૂપ થાય છે.
ચોકલેટ, તળેલો આહાર, ચીપ્સ જેવી વસ્તુઓ ટાળવી અને એની જગ્યા એ નાળિયેર પાણી પીવું.
સોનમ કપૂર વર્ક આઉટ પ્લાન
૩૦ મિનિટના જોગિંગથી શરૂઆત ત્યારબાદ પાવર યોગા અથવા તો કથક ડાન્સ રીયાઝ..
સ્વિમિંગ પણ ડાયાબિટીસ નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે, આ સિવાય સ્ક્વોશ જેવી રમત પણ પસંદ છે.
——————-
ક્રિકેટર વસીમ અકરમ
ક્રિકેટ વિશ્ર્વમાં વસીમ અકરમ એક એવું નામ છે, જેને વિશ્ર્વ ફલક પર સ્થાન મળ્યું છે. ડાયાબીટીસ હોવાની સાથે ક્રિકેટ વિશ્ર્વમાં આટલું અભૂતપૂર્વ યોગદાન આપવા બદલ યુવા પેઢી હમેશાં એમને યાદ રાખશે.
વસીમ અકરમ એ દિવસો યાદ કરતાં કહે છે, હું ૨૯ વર્ષનો હતો , જયારે પહેલી વાર ડાયાબિટીસનું નિદાન થયું હતું . આ સાંભળીને હું ખુબ જ નિરાશ થઇ ગયો હતો . હું એક નેશનલ લેવલનો ક્રિકેટર હતો પણ મેં ૬ અઠવાડિયામાં નિર્ણય કરી લીધો કે હું ડાયાબિટીસને હરાવીને અને મારા સ્વપ્નોને જીતાડીને રહીશ.
વસીમ અકરમે તેના જ શબ્દોમાં કહ્યું છે, મને થયું કે મારી જિંદગી તો ગઈ, નો મોર ક્રિકેટ…! પણ મારી પત્નીએ મને હિંમત આપી. અને મને મારા મનોબળ પર વિશ્ર્વાંસ હતો . લાલચો તો સામે રોજે-રોજ આવતી. મને દરેક સાંજે બિરયાની ખાવાનું મન થતું
કુલચા, નાન, નિહારી અને આવું બધું ઘણું ય ..પણ હું ખૂબ જ મક્કમ મન રાખી આ બધું ટાળતો.
હવે મેં મારા શરીરને એવી રીતે કેળવ્યું છે કે એક બાઈટ પણ વધુ ખાઉં, તો પેટ ભારે લાગે. હિન્દીમાં કહેવત છે કે કમ ખાઓ તો જિંદગી લંબી હો જાયેગી. આને મેં મારા જીવનમાં લાગુ કરી છે. મારી ખાવા પીવાની આદતો મેં ઘણા અંશે બદલી નાખી છે. તેલવાળા, સ્ટાર્ચ કે ચરબીવાળા પદાર્થોને
બદલે સલાડ અને શાકભાજીની માત્રા વધારી છે. જમતા પહેલાં હું મોટો વાટકો
ભરીને સાંતળેલા શાક ખાઉં છું જેથી પેટ ભરેલું લાગે.
આ આઈડિયા મને બહુ માફક આવી ગયો છે ટૂર પર હોઉં કે ઘરે જમતા પહેલાં શાક કે ફળો ખાઈ લઉં છું. જેથી અનાજ ઓછું ખવાય. ઘણી વાર ટૂર પર હોઉં અને સ્ટ્રેસ લેવલ વધારે હોય કે ખૂબ ખુશ હોઉં; ત્યારે સુગર લેવલ અવશ્ય ચેક કરતો રહું છું. આમ હું મારા શરીરને સમજતો રહું છું. ડિનર પછી
સુગર લેવલ વધ્યું હોય તો અડધો કલાક વોક લઈ આવું એટલે એ તરત જ ડાઉન થઇ જાય છે.
ડાયાબિટીસ નિયંત્રિત કરવામાં વર્ક આઉટનું ખૂબ જ ખાસ મહત્ત્વ છે. જ્યારથી મને ડાયાબિટીસ વિશે ખબર પડી ત્યારથી હું નિયમિત રીતે ૬ વાગ્યે ઊઠીને મારા બાળકો સાથે દોડવા જતો રહું છું, પણ એને માટે વહેલા સૂવાની શિસ્ત પાળવી પડે છે. આવી નાની નાની ટેવોનું ચુસ્તપણે પાલન ડાયાબિટીસને નિયંત્રિત રાખવામાં ખૂબ મદદરૂપ થાય છે. વસીમ અકરમે લોકોમાં આ વિષય પર જનજાગૃતિ લાવવા માટે ઘણાં પ્રયત્નો કર્યા છે. ડાયેટ, કસરત અને શિસ્તનાં મહત્ત્વ વિશે લોકોને માહિતી આપી છે.
—————-
નિક જોનાસ
યુવા દિલોની ધડકન પૂરા વિશ્ર્વમાં એનાં ‘જોનાસ બેન્ડ’ માટે મશહૂર, સિંગર, સોંગ રાઈટર, મ્યુઝિશિયન… આવી બહુમુખી પ્રતિભા ધરાવનાર નિક જોનાસ હાલમાં હિરોઈન પ્રિયંકા ચોપરા સાથે લગ્ન કરીને ભારતમાં પણ ઘરે ઘરમાં ચાય સાથે ચર્ચાતા થઇ ગયા છે . શું તમે વિચારી શકો કે આ વ્યક્તિ પણ ડાયાબિટીસનો દર્દી હોઈ શકે? તેઓ ટાઇપ-૧ ડાયાબિટીસ ધરાવે છે. આ એક આનુવંશિક રોગ ગણાય છે.
નિક જોનાસના જ શબ્દોમાં કહીએ તો ‘જયારે મને મારા ડાયાબિટીસ વિશે ખબર પડી ત્યારે હું મારા કરિયરની ખૂબ મહત્ત્વની ટૂર પર હતો અને એ મારી જિંદગીની સૌથી મુશ્કેલ ક્ષણો હતી. હું માત્ર ૧૩ વર્ષનો હતો. મારી સામે મારું સંગીત હતું, આકાશને આંબવાનાં સપનાઓ હતાં , દુનિયાભરની સફર મારી રાહ જોઈ રહી હતી. હું ડરી ગયો હતો. શું આ સમસ્યાને લીધે મારે મારા સપનાંઓ અધૂરાં મૂકવા પડશે? પણ પછી મેં એ જ ઘડીએ મારી જાતને પ્રોમિસ આપ્યું કે હું ડાયાબિટીસને હરાવીશ મારાં સપનાઓને નહી.’
જયારે એમને પૂછવામાં આવ્યું , કે આટલી બધી ટૂરની સાથે તમે કઈ રીતે ડાયાબિટીસ મેનેજ કરો છો ? ત્યારે એમણે ઘણો જ રસપ્રદ જવાબ આપ્યો … હું ક્યાં જવાનો છું અને મારે માટે જરૂરી એવો આહાર અને મેડિસિન સાથે છે કે નહીં એનું હું પોતે જ ધ્યાન રાખું છું. સૌથી મહત્ત્વની બાબત એ કે હું મારા શરીરને સારી રીતે સમજવા લાગ્યો છું. છેલ્લાં ૧૩-૧૪ વર્ષોથી હું આ સારી રીતે મેનેજ કરી લઉં છું . છેલ્લાં સાત વર્ષથી મેં સી.જી .એમ. ક્ધટીન્યુઅસ ગ્લુકોઝ મોનિટર વાપરવાનું શરું કર્યું છે, જેનાથી યોગ્ય સમયે શરીરને જરૂરી આહાર અને દવાઓ યોગ્ય માત્રામાં લઈ શકું.
નિક જોનાસે લોકોમાં ડાયાબિટીસ વિશે જાગૃતિ લાવવા ‘બિયોન્ડ ટાઇપ ૧’ નામની સંસ્થા પણ શરૂ કરી છે. આ સંસ્થા લોકોમાં ડાયાબિટીસ અંગે જાગૃતિ માટેનાં કાર્યક્રમો રાખે છે. જેમાં લોકોને યોગ્ય આહાર, દવાઓ તેમજ લેટેસ્ટ ટેકનોલોજી જેવા વિષયોનું જ્ઞાન આપે છે. તે ઉપરાંત આવા દર્દીઓ પોતપોતાનાં અનુભવો એકબીજાની સાથે વહેંચી શકે એ માટેનું પ્લેટફોર્મ પૂરું પડે છે. નિક જોનાસ લોકોને કહે છે, જો તમે જાગૃત રહો , યોગ્ય કાળજી લો અને જરૂરી શિસ્ત જાળવો તો આ સમસ્યાને ખૂબ સારી રીતે મેનેજ કરી શકો છો. આપણે સૌ આ બધું જ જાણીએ છીએ, પણ સૌથી જરૂરી તો આને નિયમિત રીતે અનુસરવાનું શિસ્ત. જો આપણે યોગ્ય રીતે આપણા શરીરને સમજીએ અને એ પ્રમાણે ખાવા પીવાની ટેવો અને વ્યાયામને સ્થાન આપીએ તો રોગ નહીં પણ આપણે રોગ પર કાબૂ મેળવી શકીએ એ અંગે બેમત નથી.