ઉત્તર પ્રદેશમાં બે દિવસ પહેલાં ઉમેશ પાલ હત્યાકેસના આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. અતીક અહેમદનો પુત્ર અસદ અને તેનો સાથીદાર ગુલામ બંને પોલીસ સાથેની ઝડપમાં ઠાર થયા હતાં. અને હવે આ જ કેસમાં પોલીસના કસ્ટડીમાં રહેલાં આરોપી અતીક અહેમદ અને તેનો ભાઇ અશરફ અહેમદ બંનેની હત્યા કરવામાં આવી છે. ત્યારે આ હત્યા મુદ્દે સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવ અને એમઆઇએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ યોગીનો કાયદો અને વ્યવસ્થા નિષ્ફળ છે એમ કહી રોષ વ્યક્ત કર્યો છે.
અતીક અહેમદ અને તેનો ભાઇ અશરફ અહેમદ જ્યારે મિડિયાને બાઇટ આપી રહ્યાં હતાં ત્યારે બધાની નજરો સામે જ અતીક અને અશરફની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનો વિડીયો લાઇવ રેકોર્ડ થયો છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ શરુ થઇ ગયો છે. તેથી કેટલાંક રાજકીય નેતાઓએ પણ આ ઘટના સામે રોષ વ્યક્ત કર્યો છે.
ઝાંસીમાં જે દિવસે અસદ અહેમદના એન્કાઉન્ટરની ઘટના બની એ જ દિવસે માફિયા અતીક અહેમદને પ્રયાગરાજ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતાં. એ વખતે દિકરાના મૃત્યુના સમાચાર સાંભળી અતીક કોર્ટમાં રડી પડ્યો હતો. ખાસ વાત તો એ છે કે દિકરાના અંતિમ સંસ્કારમાં તે સામેલ થઇ શક્યો નહતો.
શનિવારે પ્રયાગરાજની હોસ્પિટલમાં લઇ જતી વખતે અતીક અને અશરફ પર ગોળીબાર થયો. આ ઘટનાના લાઇવ વિડીયોને કારણે સોશિયલ મીડિયા પર અતીક અહેમદ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એક બાજુ આ હત્યાનું સમર્થન થઇ રહ્યું છે તો બીજી બાજુ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને એમઆઇએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આ ઘટના પર તિવ્ર શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે.
ઉત્તર પ્રદેશમાં ગુન્હેગારીએ તમામ સીમા ઓળંગી છે. આરોપીઓનો જોશ વધી રહ્યો છે. જો પોલીસની ટાઇટ સિક્યોરિટી તોડીને કોઇની હત્યા કરવામાં આવે તો સામાન્ય લોકોની સુરક્ષાનું શું? એવો પ્રશ્ન અખિલેશ યાદવે પૂછ્યો છે. ઉપરાંત આ ઘટનાને કારણે સામાન્ય લોકોમાં ડર ફેલાયો છે, અને કેટલાંક લોકો જાણીજોઇએ આવું વાતાવરણ ઊભુ કરી રહ્યાં છે એમ લાગી રહ્યું છે. એમ પણ અખિલેશ યાદવે કહ્યું.
અતીક અને એનો ભાઇ પોલીસના તાબામાં હતાં. એમના હાથમાં હથકડી હતી. આ વખતે જય શ્રીરામના નારા લગાવવામાં આવ્યાં. આ બંનેની હત્યા એ યોગી સરકારના કાયદા અને વવસ્થાની નિષ્ફળતા છે. અને એન્કાઉન્ટરનો ઉત્સવ મનાવનાર પણ આ હત્યા માટે જવાબદાર છે. એમ કહેતાં એમઆઇએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ યોગી સરકાર પર ટિકા કરી છે. અને આ ઘટના પ્રત્યે રોષ વ્યક્ત કર્યો છે.