ભુજ: સરહદી કચ્છ અને અમદાવાદને રેલ માર્ગે જોડતી વધુ એક ટ્રેન સેવાનો પ્રારંભ કરવામાં આવતાં કચ્છીમાડુંઓમાં આનંદની લાગણી ફેલાઇ છે. ભુજ-અમદાવાદ-ભુજ સમર ટ્રેનને કચ્છ અને મોરબી વિસ્તારના સાંસદ વિનોદભાઈ ચાવડાએ રેલ અધિકારીઓ તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિધિવત લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
દાયકાઓથી રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં કચ્છના મુસાફરોની અવરજવર સતત વધી રહી છે. ખાસ કરીને ઉનાળું વેકેશનના સમયગાળા દરમિયાન પ્રવાસીઓનો ધસારો જોવા મળતો હોય છે. ત્યારે અમદાવાદ માટેની દૈનિક સ્પેશિયલ ટ્રેન શરૂ થતાં સ્થાનિક લોકોને મોટી રાહત મળી છે.
આ અંગે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, ભુજથી અમદાવાદની સ્પેશિયલ ટ્રેન તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી વર્ષો જૂની કચ્છીઓની માંગ હતી જેના સંદર્ભે ભારતીય રેલવે વિભાગ પાસે દરખાસ્ત મુકવામાં આવી હતી જેનો સાનુકૂળ પ્રતિસાદ મળતાં રેલવે તંત્ર સાથે તાજેતરમાં બેઠક યોજવામાં આવી હતી અને તમામ પાસાંઓને તપાસ્યા બાદ આખરે મંજૂરી મળતા હાલ સમર સ્પેશિયલ ટ્રેનની સુવિધા ઉપલબ્ધ બની છે.
ભુજથી આ ખાસ સમર ટ્રેન અમદાવાદથી સવારે ૬ અને ૫૦ કલાકે ઉપડશે, જે ૭:૨૨ કલાકે અંજાર, ૭: ૩૧ વાગ્યે આદિપુર, ૭:૫૫વાગ્યે ગાંધીધામ, ૮:૪૭ વાગ્યે ભચાઉ, ૯:૧૬ વાગ્યે સામખિયાળી, ૯:૪૮ વાગ્યે માળીયા, ૧૦:૨૪ વાગ્યે હળવદ, ૧૦:૫૮ કલાકે ધાંગ્રધા અને ૧૨:૧૮ વાગ્યે વીરમગામ સ્ટોપ લઈને બપોરના ૧:૩૦ કલાકે સાબરમતી અમદાવાદ રેલવે સ્ટેશને પહોંચશે. જ્યારે રિટર્નમાં ૧૫ કોચની આ ટ્રેન દરરોજ સાંજના સાબરમતી રેલવે સ્ટેશન, અમદાવાદથી સાંજે ૫:૪૦ વાગ્યે ઉપડીને તમામ ઉપરોક્ત સ્ટોપ પર ઊભી રહીને ગાંધીધામ રાત્રીના ૧૦:૨૬ વાગ્યે અને ભુજ રાત્રીના ૧૧:૫૫ના પરત આવી પહોંચશે તેમ ચાવડાએ ઉમેર્યું હતું.