સુરતમાં સ્વાગત: મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુરત વિમાનમથકે પહોંચ્યાં ત્યારે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. (પીટીઆઈ)
સેલવાસ/દમણ: કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા-નગર હવેલી અને દમણ-દીવની મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સેલવાસના સાયલી ગામમાં નમો મેડિકલ કૉલેજના લોકાર્પણ ઉપરાંત ૪૮૫૦ કરોડ રૂપિયાના ૯૬ પ્રકલ્પનું લોકાર્પણ કર્યું હતું. વિવિધ કાર્યક્રમોમાં વડા પ્રધાનની સાથે કેન્દ્રશાસિત દાદરા-નગર હવેલી પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલ પણ હતા. નરેન્દ્ર મોદી મંગળવારે કેરળથી સેલવાસ પહોંચ્યા હતા. લગભગ ૪૦ ટકા આદિવાસીઓની વસતિ ધરાવતા દાદરા-નગર હવેલીમાં મેડિકલ કૉલેજ -હૉસ્પિટલ ખુલતાં સ્થાનિક નાગરિકોને ઘણી રાહત થઈ છે.
કેન્દ્રશાસિત પ્રદેશના ૯૬ પ્રકલ્પમાં દાદરા-નગર હવેલીના ૯૯૩ કરોડ રૂપિયાના
૨૭ પ્રકલ્પનું લોકાર્પણ અને નવા પચીસ પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્તનો સમાવેશ છે. દમણમાં ૪૮૧ કરોડ રૂપિયાના ૧૮ પ્રોજેક્ટના લોકાર્પણ અને ૧૦૦૦ કરોડ રૂપિયાના ૧૯ પ્રોજેક્ટ્સના શિલાન્યાસનો સમાવેશ છે. દીવના ૫૩૧ કરોડ રૂપિયાના ૬ પ્રકલ્પનો સમાવેશ છે.
નમો મેડિકલ કૉલેજના ૨૦૩ કરોડ રૂપિયાના ખર્ચે બંધાયેલા કૉમ્પ્લેક્સમાં બહુમાળી ગ્રંથાલય- લાઇબ્રેરી, ચાર લેક્ચર હૉલ અને એક અદ્યતન ઑડિટોરિયમ, ક્લબ હાઉસ, પ્રાધ્યાપકો માટે રહેવાની વ્યવસ્થા, વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ્સ, આઉટડોર-ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટીઝ વગેરેનો સમાવેશ છે. વડા પ્રધાને મંગળવારે સાંજે દમણમાં નવા બંધાયેલા સી-ફ્રન્ટ રોડને સમાંતર માર્ગ પર ૧૬ કિલોમીટરના રૂટ પર રોડ-શોનું આયોજન કર્યું હતું. દમણને પર્યટનનું મોટું મથક બનાવવાના ઉદ્દેશથી વર્ષ ૨૦૧૮ના મે મહિનામાં ૧૬૫.૧૦ કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરાયેલો ‘દેવકા પ્રોમેનેડ ઍન્ડ સી ફ્રન્ટ પ્રોજેક્ટ’ નામે માળખાકીય વિકાસ પ્રકલ્પ વર્ષ ૨૦૨૩ના માર્ચ મહિનામાં પૂરો થયો હતો.
————-
મેડિકલ, એન્જિનિયરિંગનો અભ્યાસ પ્રાદેશિક ભાષામાં થઈ શકે છે: મોદી
સેલવાસના સાયલી ખાતે નમો મેડિકલ કૉલેજના લોકાર્પણ પ્રસંગે સંબોધનમાં વડા પ્રધાને જણાવ્યું હતું કે આઝાદી મળ્યાને અનેક દાયકા વિતી ગયા છતાં દાદરા-નગર હવેલી અને દીવ-દમણમાં એકપણ મેડિકલ કૉલેજ બની નહોતી. વર્ષ ૨૦૧૪માં અમારી સરકાર આવ્યા પછી તમામ ક્ષેત્રોમાં પ્રગતિની દિશામાં સક્રિયતા દાખવી છે. એ સક્રિયતાના પ્રતાપે દાદરા-નગર હવેલીને નમો મેડિકલ કૉલેજ મળી
છે. હવે ગરીબ માતાનાં સંતાનો પણ ડૉક્ટર બનવાનું સ્વપ્ન સાકાર કરી શકે છે. આજે મેડિકલ, એન્જિનિયરિંગનો અભ્યાસ પ્રાદેશિક ભાષામાં થઈ શકે છે. સરકાર કેન્દ્રશાસિત પ્રદેશની વિશેષતાઓ ધ્યાનમાં રાખીને વિવિધ સ્તરે ઝડપથી કામ કરી રહી છે. છેલ્લા નવ વર્ષમાં અમે નવું વર્ક કલ્ચર વિકસાવ્યું છે. અમારી સરકારે દેશના ત્રણ કરોડથી વધુ ગરીબ પરિવારોને પાકાં ઘર આપ્યાં છે. એ યોજનાઓમાં કેન્દ્રશાસિત પ્રદેશની હજારો મહિલાઓ પોતાના ઘરની માલિક બની છે. (એજન્સી)
——————-
દેશની પાણીમાંની પ્રથમ મેટ્રોનો પ્રારંભ
કેરળમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી
તિરુવનંતપુરમ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તિરુવનંતપુરમમાં મંગળવારે કેરળની પહેલી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દાખવી હતી. તેમણે કોચીમાં દેશની પ્રથમ વોટર મેટ્રોની પણ શરૂઆત કરાવી હતી. આ પહેલો એ પ્રોજેક્ટ છે જેના દ્વારા ૧૦ ટાપુને એકબીજા સાથે ઈલેક્ટ્રિક હાઈબ્રીડ બોટ્સ દ્વારા સાંકળી લેવામાં આવશે.આ સિવાય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળ માટે રૂા. ૩,૨૦૦ કરોડની વિવિધ યોજનાઓની પણ જાહેરાત કરી હતી. મોદીએ કેરળમાં દેશના પ્રથમ થર્ડ-જનરેશન ડિજિટલ સાયન્સ પાર્કનો પણ શિલાન્યાસ કર્યો હતો. તિરુવનંતપુરમથી શરૂ કરવામાં આવેલી આ વંદે ભારત ટ્રેન
કેરળના કુલ ૧૧ જિલ્લાને એકબીજા સાથે જોડશે. આ જિલ્લામાં તિરુવનંતપુરમ, કોલ્લમ, કોટ્ટાયમ, એર્નાકુલમ, થ્રીસુર, પલક્કડ, પાથામથિટ્ટા, મલાપ્પુરમ, કોઝીકોડે, ક્ધનુર અને કસારગોડનો સમાવેશ થાય છે.
કેરળના શાસક ડાબેરી પક્ષ ડેમોક્રેટિક ફ્રન્ટ સરકારના મહત્ત્વાકાંક્ષી સિલ્વર લાઈન નામની સેમિ-હાઈસ્પીડ રેલ કોરીડોરનો વિકલ્પ બની શકશે.
વંદે ભારત ટ્રેન એ ભારતમાં જ બનાવવામાં આવે છે, તે સેમિ હાઈસ્પીડ ટ્રેન છે. આ ટ્રેનમાં ઉતારઓને સારી સગવડ પૂરી પાડવામાં આવે છે. આ ટ્રેન ઝડપી હોવાની સાથે જ આરામદાયક છે અને પ્રવાસ માટેનો સારો અનુભવ પૂરો પાડે છે.
વડા પ્રધાન મોદીએ મંગળવારે કેરળમાં બીજા અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમાં કોચી વોટર મેટ્રોનો સમાવેશ થાય છે. આ પહેલો એવો પ્રોજેક્ટ છે, જે કોચીની આસપાસ રહેલા ૧૦ ટાપુને બેટરી આધારિત ઈલેક્ટ્રિક બોટ દ્વારા સાંકળી લેવાશે.
તિરુવનંતપુરમમાં એક રેલીને સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સહકાર અને સમવાય તંત્ર પર ભાર મૂકે છે, જો કેરળ વિકસિત થશે તો ભારતનો વિકાસ ઝડપી થશે.
દક્ષિણમાં આવેલા આ રાજ્યમાં ભાજપની લઘુમતી છે, પણ વિવિધ ખ્રિસ્તી સમુદાયના પાદરીઓ તરફથી સકારાત્મક પ્રતિભાવ મળ્યો છે.
પક્ષના અનેક નેતાઓએ તાજેતરમાં ખ્રિસ્તી કુટુંબો અને તેમની બ્રેકફાસ્ટ મીટિંગોમાં ભાગ લઈને ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી અગાઉ લઘુમતી કોમનો સંપર્ક સાધવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે.
અહીંના ભાજપના નેતાઓ એમ માને છે કે મોદીની હાલની મુલાકાતથી અત્યારે તેઓ જે ઝુંબેશ ચલાવી રહ્યા છે, તેને પીઠબળ મળશે અને ૨૦૨૪ની સામાન્ય ચૂંટણી માટે પક્ષના પ્રચારની શરૂઆત પણ થશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કોચી રોડ શો યોજ્યો હતો જે તેમના અગાઉના રોડ શો કરતાં સાવ જ અલગ હતો.
વડા પ્રધાન પર આત્મઘાતી બૉમ્બ દ્વારા હુમલો કરવામાં આવશે અને તેમના હાલ ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી જેવા કરવામાં આવશે એવી ધમકીભર્યો પત્ર મળ્યો હોવા છતાં મોદી પોતાની કારમાંથી બહાર આવ્યા હતા અને ત્યાર પછી તેમણે આ રોડ શોમાં પગપાળા જ પ્રવાસ કર્યો હતો. આ ધમકીભર્યા પત્ર પછી કેરળ પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓને એલર્ટ કરવામાં આવી હતી.
મોદીએ કેરળનો પારંપારિક ડ્રેસ પહેર્યો હતો, જે ‘કસાવુ’ મૂંડુ તરીકે ઓળખાય છે. તે તેમણે કસાવુ મૂંડુની સાથે કૂરતો અને શાલ પહેર્યા હતા. સ્ટેડિયમમાં હાજર જંગી મેદનીને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે કેરળવાસીઓ શિક્ષિત, બુદ્ધિશાળી, ખૂબ જ કામ કરવા સક્ષમ અને દેશની આર્થિક પરિસ્થિતિ અંગે જાણકારી ધરાવનારા હોય છે.
કેરળમાં રેલવેના વિકાસ અંગે બોલતાં મોદીએ જણાવ્યું હતું કે ૨૦૧૪ પહેલાં રાજ્યને રેલ બજેટમાં જે ભંડોળ આપવામાં આવતું હતું, તેમાં હવે પાંચ ગણો વધારો થયા છે.
રેલવે પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવે મોદીની વાતને સંમતિ આપી જણાવ્યું હતું કે ૨૦૧૪ પહેલાં દક્ષિણના રાજ્યોને રેલવેનાં વિકાસ માટે રૂા. ૩૭૦ કરોડ ફાળવવામાં આવતા હતા. જ્યારે આ વર્ષે રૂા. ૨,૦૩૩ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
પોતાના ભાષણમાં મોદીએ એમ પણ જણાવ્યું હતું કે કેરળમાંના મોટા રેલવે સ્ટેશનોએ મલ્ટીમોડેલ ટ્રાન્સપોર્ટ માટે યોગ્ય બનાવવામાં આવશે. અત્યારે વંદેભારત ટ્રેનનું ઉત્પાદન ભારતમાં જ કરવામાં આવે છે એ જ રીતે કોચી વૉટર મેટ્રો અને કોચી મેટ્રોનું પણ ઉત્પાદન ભારતમાં જ કરવામાં આવે છે.
તિરુવનંતપુરમમાં ડિજીટલ પાર્ક જેવી યોજનાઓ ડિજીટલ ભારતને વધુ બળવત્તર બનાવશે એમ તેમણે જણાવ્યું હતું.
કેરળના રાજ્યપાલ અરીફ મોહમ્મદ ખાન, મુખ્ય પ્રધાન પિનારાઈ વિજયન અને કૉંગ્રેસના સંસદ સભ્ય શશી થરૂર પણ વડા પ્રધાનના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.(પીટીઆઈ)