Homeઉત્સવમિસફિટ માણસોની વાતો હસતી-રડતી કરમ કથાઓ!

મિસફિટ માણસોની વાતો હસતી-રડતી કરમ કથાઓ!

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઇટલ્સ:
લોકો તમને સમજે એ પહેલા તમે ખુદને સમજો! (છેલવાણી)
એક જુવાન છોકરો જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે એણે તાપણું કરીને બેઠેલા ચાર-પાંચ બુઢ્ઢાઓને જોયા. જુવાન પાસે ગયો ને સૌને ‘હેલો’ કહ્યું.
બુઢ્ઢાઓએ જુવાનને એમની સાથે બેસવા કહ્યું. પછી અચાનક એક બુઢ્ઢો બોલ્યો, “નંબર ૧૭. બધાં જોર જોરથી હસવા લાગ્યા. પછી બીજા બુઢ્ઢાએ કહ્યું, “નંબર ૬૦. ફરી પાછા બધાં હસવા લાગ્યા. પેલા જુવાને બાજુમાં બેઠેલા એક બુઢ્ઢાને પૂછ્યું કે આ બધાં કેમ હસી રહ્યા છે? પેલા બુઢ્ઢાએ કહ્યું, “વેલ, અમે બધા એકબીજાને વર્ષોથી જાણીએ છે.
બધાનાં જોક પણ લગભગ અમને મોઢે છે એટલે હવે અમે આખો જોક નથી કહેતા માત્ર જોક્સના નંબરથી ઉલ્લેખ કરીએ છીએ અને સૌને હસવું આવે છે! હવે જુવાનને જોક કહેવાનો વારો આવ્યો. એણે ઊભા થઈને કહ્યું, “નંબર ૩૩. પણ કોઈ હસ્યું નહીં ને બધાએ ચુપચાપ એની સામે જોયા કર્યું. પછી જુવાને એક બુઢ્ઢાને પૂછયું કે તેત્રીસ નંબરના જોકમાં હસવું આવે એવું નથી? બુઢ્ઢાએ જવાબ આપ્યો, “ના ના, એ ૩૩ નં.નો જોક તો ફની છે, પણ તેં જે રીતે કહ્યું એમાં ખાસ મજા આવી નહીં!
જુવાનને તો ૩૩નંબરનો જોક્સ શું છે એય ખબર ન હતી. પણ બસ બધાં બુઢ્ઢાઓની વચ્ચે ફિટ થવાના ચક્કરમાં એણે એવું કર્યું. બાકી માત્ર નંબર બોલવામાં તો વળી શું રીત હોય? જોકે આ કથા કે જોક, આમ તો આપણાં સૌના હરખપદૂડાપણાં ઉપર લાગુ પડે છે. ઘણી વાર આપણને લાગે છે કે આપણે મિસફિટ છીએ.
ઘરમાં, મિત્રોમાં, ઑફિસમાં. ‘મિસફિટ’ એટલે કે જ્યાં આપણે ફિટ ના થઈએ એવા. કદાચ આપણે ભળતી જ જગ્યાએ ફિટ થવાની ટ્રાય કરીએ છીએ અને એમાં ને એમાં આપણું આયખું વિતી જાય છે ને એમાં જ આપણને ઉદાસી મળે છે. દરેક જોક પાછળ એક ઉદાસી
હોય છે.
એક વાર એક પેશન્ટ સાઇકાઈટ્રિસ્ટ પાસે ગયો ને એણે કહ્યું મને જીવન કંઈ ગમતું નથી સતત ડિપ્રેશન રહે છે.. લાગે છે કે જીવનમાં બધે જ હું મિસફિટ છું.
ત્યારે ડૉક્ટર કહ્યું, “જો, એક કામ કર પાસેના થિયેટરમાં મોલિયર નામના રમૂજી લેખકના આડા-અવળા, ઊંધા-ચત્તા મૂર્ખ જેવા ફારસનાં નાટકો ભજવાય છે એને જોઈ લે, તારી બધી ઉદાસી દૂર થઈ જશે.
પેશન્ટે કહ્યું, ‘ડૉક્ટર હું પોતે જ મોલિયર છું!’
ડૉ. પાસે આ મિસફિટનો કોઇ જવાબ નહોતો!
ટાઇટલ્સ:
યહાં મેં અજનબી હું,
મેં જો હું બસ વહી હું. (આનંદ બક્ષી)
આપણે સૌ સરનામા વિનાના કાગળ જેવા છીએ. પહોંચવાનું ક્યાંક હોય છે ને પહોંચી જઇએ છીએ ક્યાંક! સાવ મિસફિટ! તમને ઘણી વાર લાગે કે તમે કોઈ લગ્નમાં ગયા હોવ કે પાર્ટીમાં ગયા હોવ ત્યારે તમને લાગે કે તમે અહિંયા છો પણ તમારે અહિંયા ના હોવું જોઈએ પણ ક્યાં હોવું જોઈએ એની સતત ખોજ એટલે કદાચ ખુદની ખોજ!
એક બાળકી ક્લાસ રૂમમાં ખૂબ ઉદાસ રહેતી હતી. ટીચરે જોયું ને કારણ પૂછ્યું. બાળકીએ કંઈ કહ્યું નહીં. ટીચરે કહ્યું,‘તું હસ!’ બાળકી હસી નહીં. ટીચરે કહ્યું, તું એક કામ કર આ ડાયરીમાં તારી આસપાસ જે કંઈ રમૂજી બને છે એ લખીને મને અઠવાડિયા પછી દેખાડ. બાળકી અઠવાડિયા પછી ડાયરી લઈને આવી, તો એ સાવ કોરી હતી. ટીચરે પૂછ્યું,‘ “ડાયરી કોરી કેમ? શું થયું?
બાળકીએ કહ્યું,” ટીચર, મારી આસપાસ રમૂજી કંઈ બનતું જ નથી. ત્યારે ટીચરે કહ્યું કે તારી ‘આસપાસ’ નહીં તારી ‘અંદર’ રમૂજી કંઈ બનતું નથી!
આપણે સૌ પણ આપણી આસપાસનું બોરડમ, ગંભીરતા કે કંટાળાના પેશન્ટ છીએ. મનપાંચમના મેળામાં મિસફિટ અને એકલાં. આપણે ઘણી વાર ઑફિસમાં કે ફ્રેન્ડઝના ગ્રુપમાં જોડાવા માટે પેલા બીજાને સારૂં લગાડવા એમના જેવું કરવા જઈએ છીએ. પણ તમે દરેક જગ્યા પર, દરેકની સાથે ફિટ ના જ થઈ શકો! અને શું કામ હોવું જોઇએ?
તમે કોઇ વડીલને આયખાના અંતે મરણ પથારીએ પૂછશો કે તમને જીવનમાં કઈ વાતનો અફસોસ છે? ત્યારે જવાબ મળશે કે તેમણે આખી જિંદગી પોતોને ખુશ કરવાને બદલે બીજાને ખુશ કરવાના ચક્કરમાં પડ્યા રહ્યા.
હાસ્ય અભિનેતા રોબિન વિલિયમ્સ કહે છે, ‘જીવનની સૌથી ખરાબ સ્થિતિ એ નથી કે જીવનના અંતમાં એકલા રહી જાવ, પણ સૌથી ખરાબ સ્થિતિ એ છે કે જીવનનો અંત એવા લોકો સાથે આવવો જે તમને એકલતાનો અનુભવ કરાવે!’ આવું કહેનાર હસતા હસાવતા રોબિને આત્મહત્યા કરેલી!
આપણે જેવા છીએ એની મંજૂરી બીજા પાસે મેળવવાના પ્રયાસમાં આપણે પોતે જે છે એ ભૂલી જઈએ છીએ. ઘડી બે ઘડી ક્યારેક ખુલ્લી આંખે વિચારો કે આખરે તષ સપનું શું છે? તમે જીવનમાં હજી સુધી શું શું નથી કર્યું? તમને ખરેખર કેવા લોકો વચ્ચે ગમે છે? લગ્નજીવનમાં, સંબંધોમાં, પરિવારમાં, મિત્ર વર્તુળમાં, ખુદ મિસફિટ છો કે નહીં એ જાતને પૂછો. મર્દ હોવ તો સવારે દાઢી કરતી વખતે કે સ્ત્રી હોવ તો મેકઅપ કરતી વખતે થોડીવાર આઇનાને તાકજો. આઇનો કદીયે જૂઠ નથી બોલતો. તમે જીવનમા ક્યાં ને કેટલા ટકા મિસફિટ છો કે નહીં એનો તરત એક્સ-રે કાઢી આપશે.
એન્ડ ટાઈટલ્સ:
આદમ: મને લાગે છે, હું ખોટા દેશમાં જન્મ્યો છું.
ઈવ: ઓકે, તો સોમાલિયા જા ને ભૂખે મર!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -