ફરવાના શોખીનો નવી નવી વસ્તુઓ ટ્રાય કરવામાં વિશ્વાસ રાખે અને છે જેમ કે દુનિયાની સૌથી ઠંડી જગ્યાની મુલાકાત લેવાની વાત હોય કે પછી ઉકળતા લાવાની નજીક જવાનું એડવેન્ચર હોય. આ બધા વચ્ચે કેટલાક એવા ટ્રાવેલર પણ છે કે જે ડુમ ટ્રાવેલના કોન્સેપ્ટને પ્રોત્સાહન આપી રહ્યા છે. ડુમ ટ્રાવેલને લાસ્ટ ચાન્સ ટ્રાવેલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ડુમ એટલે ખતમ થઈ જવું કે કયામત… ટ્રાવેલર્સ આવી જગ્યાઓ શોધી-શોધીને તેની મુલાકાત લઈ રહ્યા છે, જેને કારણે આવી જગ્યાઓ પર લુપ્ત થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. છેલ્લાં કેટલાક વર્ષમાં આ પ્રકારના ટુરિઝમનું ચલણ વધ્યું છે. ફોર્બ્સ દ્વારા પણ એકાદ વર્ષ પહેલાં લાસ્ટ ચાન્સ ટુરિઝમને ટોપ ટ્રાવેલ ટ્રેન્ડ ગણાવવામાં આવ્યો હતો. 2016માં ટુરિઝમના આ પેટર્ન પર પ્રકાશિત કરવામાં આવ્યા અધ્યયનમાં ઓસ્ટ્રેલિયાની ગ્રેટ બરિયર રીફને ઉદાહરણ તરીકે લેવામાં આવ્યું હતું.
ક્વીન્સલેન્ડ સ્થિત આ સ્થળ દુનિયાની સૌથી લાંબી કોરલ્સની દિવાલ છે. પણ હવે ક્લાયમેટ ચેન્જ અને વધતાં જતા સમુદ્રી પ્રદૂષણને કારણે નાબુદ થવા લાગી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ બંને કારણોસર અડધાથી વધુ કોરલ્સની દીવાલ નેસ્તનાબુદ થઈ ગઈ છે અને પસાર થઈ રહેલાં દિવસોની સાથે સાથે જ તેના પર નાબુદ થઈ જવાનું જોખમ વધતું જ જઈ રહ્યું છે. જેવી આ વાત લોકોને ખબર પડી કે ત્યાં આવનારા ટ્રાવેલર્સની સંખ્યામાં વધારો જોવા મળ્યો.
સ્ટડીમાં એવું પણ જાણવા મળ્યું હતું કે અહીં આવનારા ટ્રાવેલર્સ એ ટ્રાવેલર્સ નહોતા કે જે આ કોરલ્સને બચાવવાની ઈચ્છા રાખતા હતા. બલ્કિ આ એ ટ્રાવેલર્સ હતા કે જેઓ આ કોરલ્સ પૂર્ણપણે ખતમ થઈ જાય એ પહેલાં જોઈ લઈને લોકોને જણાવવાની વૃત્તિ રાખનારા લોકો હતા. ત્યાંની સ્થાનિક ઓથોરિટીએ માન્યું છે કે આને કારણે ભલે આને કારણે લોકલ ઈકોનોમીને 6 બિલિયન ડોલરનો ફાયદો થઈ રહ્યો છે, પણ સમુદ્રી દુનિયા માટે એ સારું નથી.
આ સિવાય લોકો કેનેડામાં મેનિટોબામાં જંગલી પોલાર બિયર જોવા માટે પણ ધસારો કરી રહ્યા છે,
ઈક્વાડોરના ગેલપેગોસનો પણ ડુમ ટુરિઝમ હેઠળ સમાવેશ કરવામાં આવે છે. લોકો આ જગ્યાઓ સુધી પહોંચવા માટે લાંબી લાંબી ફ્લાઈટ્સ લે છે જેને કારણે કાર્બનનું ઉત્સર્જન થાય છે ટ્રાવેલ દરમિયાન પેદા થનારા કાર્બનની વાત કરીએ તો તેની ઉપર અનેક અધ્યયન થઈ ચૂક્યા છે અને તેને કારણે આ દુર્લભ જગ્યાઓ પર ધીરે ધીરે નેસ્તનાબુદ થવાનું જોખમ તોળાઈ રહ્યું છે.