થાણે: લૅપટોપ અને મોબાઈલ ફોન્સની કથિત ચોરી કરી બીજાં રાજ્યોમાં વેચી દેનારી મહિલા સહિત ત્રણ જણની નવી મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી.
વાશીના ડેપ્યુટી પોલીસ કમિશનર વિવેક પાનસરેએ જણાવ્યું હતું કે રબાળે વિસ્તારમાં ઈલેક્ટ્રોનિક ડિવાઈસની ચોરીની ઉપરાછાપરી ફરિયાદો મળતાં પોલીસે ચોર ટોળકીની તપાસ હાથ ધરી હતી. દરમિયાન મળેલી માહિતીને આધારે પેટ્રોલિંગ પરની પોલીસ ટીમે એક બિલ્ડિંગ નજીક શંકાસ્પદ રીતે ફરી રહેલી મહિલા અને તેના બે સાથીને તાબામાં લીધાં હતાં. પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ત્રણેય જણ ચોરીને ઇરાદે કર્ણાટકથી નવી મુંબઈ આવતા હતા. કર્ણાટક પહોંચેલી પોલીસે ચાર લૅપટોપ અને બે મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. તાજેતરના ગાળામાં રબાળે પોલીસની હદમાંથી સાત લૅપટોપ ચોરાયા હતા. કોઈ પણ બિલ્ડિંગમાં જે ફ્લૅટનો દરવાજો ખુલ્લો નજરે પડે તે ફ્લૅટમાં આરોપી ચોરીને ઇરાદે ઘૂસતા હતા. પકડાઈ જાય તો પોતે સમાજસેવી સંસ્થાના કાર્યકરો હોવાનો દાવો કરતા. આરોપીઓ ચોરીની મતા તમિળનાડુ, કર્ણાટક અને ગોવામાં મોકલાવતા. ત્યાં લૅપટોપના સ્પેર પાર્ટ્સ કાઢીને વેચી નાખતા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)