આ 74 હોટસ્પોટના નાગરિકો માટે રેડ એલર્ટ
મુંબઇમાં ચોમાસાના આગમનની હવે ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે મુંબઈમાં નાની નાની ટેકરીઓની તળેટીમાં આવેલી ઝૂંપડીઓનો મુદ્દો ફરી સામે આવ્યો છે. શહેર અને ઉપનગરોમાં 279 જેટલા ટેકરી પર આવેલા સ્થળો છે. તેમાંથી 74 જગ્યાઓ ખતરનાક સ્થિતિમાં છે, જ્યારે 45 જગ્યાઓ અત્યંત જોખમી જણાઇ રહી છે કારણ કે ભારે વરસાદ દરમિયાન આવી ટેકરીઓ પરથી ભૂસ્ખલનનો ભય છે.
નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા પ્રિ-મોન્સુન ઇન્સ્પેક્શનમાં આ વાત બહાર આવી છે.
શહેરના મલબાર હિલ, તાડદેવ, વરલી, એન્ટોપ હિલ, પૂર્વ ઉપનગરોમાં ઘાટકોપર, અસલ્ફા ગામ, વિક્રોલી સૂર્યનગર, ચેમ્બુર વાશીનાકા, ભાંડુપ, ચુનાભટ્ટી, કુર્લ્યામાં કસાઈ વાડા જેવા વિસ્તારોમાં ઘણા વર્ષોથી ટેકરીની તળેટીમાં હજારો ઝૂંપડાઓ બાંધવામાં આવ્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં રાજ્ય સરકાર દ્વારા ટેકરા પરની માટીના ભૂસ્ખલનને કારણે થયેલા અકસ્માતો બાદ તિરાડોના સ્થળોએ રક્ષણાત્મક દિવાલો બનાવવામાં આવી છે. કલેક્ટર કચેરી દ્વારા રક્ષણાત્મક દિવાલોના નિર્માણ માટે જરૂરી ભંડોળ પૂરું પાડવામાં આવે છે. મ્હાડા અને જાહેર બાંધકામ વિભાગ દિવાલ બાંધવાનું કામ કરે છે.
ઘણી જગ્યાએ ડુંગરોની નજીક અને તળેટીમાં ઝૂંપડાઓ બાંધવામાં આવેલા છે. ભારે વરસાદ દરમિયાન ડુંગરાળ વિસ્તારની માટી ધોવાઈ જાય છે અને ભૂસ્ખલન થાય છે.
દર વર્ષે જ્યારે ચોમાસું નજીક આવે છે ત્યારે ટેકરીની નીચે રહેતા લોકોને નોટિસ આપવામાં આવે છે કે, ‘થોડા દિવસો ટેકરીની નીચે રહેવું જોખમી છે, તમારે તાત્કાલિક સ્થળાંતર કરવું જોઈએ’.
આ સ્થળના રહીશો ફરિયાદના સૂરમાં જણાવે છે કે આગામી વરસાદ ન થાય અને દુર્ઘટના ના થાય ત્યાં સુધી સરકારી તંત્ર કામ કરતું નથી. અમને મુંબઈમાં નવા ઘરોના ભાવ પરવડી શકે તેમ નથી. અમે ક્યાં જઇએ એવો માનવીય સવાલ ઝૂંપડપટ્ટીવાસીઓ કરે છે અને જણાવે છે કે જોખમી હોવા છતાં પણ તેઓ જ્યાં છે ત્યાં જ રહેવા મજબૂર છે. ભારે વરસાદ દરમિયાન ટેકરીનું ભૂસ્ખલન થાય છે અને પથ્થરો અથવા માટી નીચે આવે છે અને ટેકરાની નીચે આવેલા ઝૂંપડાઓ દબાઇ જાય છે અને જાનહાનિ પણ થાય છે. દર વરસાદમાં આવી ઘટનાઓ બની રહી છે. વરસાદને કારણે ટેકરામાં તિરાડો પડવાથી કેટલાક ઘાયલ થાય છે તો કેટલાક જીવ પણ ગુમાવે છે.
વહીવટીતંત્ર દ્વારા ટેકરા પરની માટીનું ધોવાણ અટકાવવા વરસાદ પહેલા રક્ષણાત્મક દિવાલ, લોખંડના તાર જેવા ઉપચારાત્મક પગલાંનું આયોજન કરવામાં આવે છે. તેમજ વોટર ડ્રેનેજ જગ્યાઓ દિવાલમાં બનાવવામાં આવી છે. જો જગ્યાઓ માટીથી ઢંકાયેલી હોય, તો તેને સાફ કરવામાં આવે છે, એવી ઉપનગરીય કલેક્ટર કચેરીના અધિકારીએ માહિતી આપી છે.
વહીવટીતંત્રે માહિતી આપી હતી કે જોખમી કોતરોમાં સ્થિત ઝૂંપડાઓના રહેવાસીઓને વરસાદ પહેલા નગરપાલિકા દ્વારા સલામત સ્થળે સ્થળાંતર કરવા માટે નોટિસ આપવામાં આવશે. નગરપાલિકા આવા રહેવાસીઓને વિસ્તારની મ્યુનિસિપલ શાળાઓમાં કામચલાઉ આશ્રય આપે છે. વહીવટીતંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે રાજ્ય સરકારની સૂચના મુજબ પાલિકા દર વર્ષે તેનું કામ યોગ્ય રીતે કરે છે.