લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. કથિત લેન્ડ ફોર જોબ કોભાંડની તપાસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) ની એન્ટ્રી થઇ છે. EDએ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ માટે 15 સ્થળોએ દરોડા પાડ્યા છે. બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવના દિલ્હી ખાતેના ઘરે પણ EDની તપાસ ચાલુ છે. આરજેડી નેતા અબુ દોજાનાના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે.
બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર વિરુદ્ધ કથિત ‘લેન્ડ ફોર જોબ’ કૌભાંડની તપાસ ચાલી રહી છે. સીબીઆઈની ટીમે હાલમાં જ આ કેસમાં લાલુ પ્રસાદ યાદવ અને તેમના પત્ની રાબડી દેવીની પૂછપરછ કરી હતી. આ કેસ જનતા દળ યુનાઈટેડના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજન ઉર્ફે લલન સિંહની ફરિયાદ પર શરૂ થયો હતો.
લાલુ પ્રસાદના પરિવારનું કહેવું છે કે રાજકીય ષડયંત્રના ભાગરૂપે ફરી એકવાર ‘લેન્ડ ફોર જોબ’ નો મામલો ઉઠાવવામાં આવ્યો છે. સીબીઆઈ આ કેસની પહેલા બે વખત તપાસ કરી ચૂકી છે અને તેને કોઈ પુરાવા મળ્યા નથી. આ પછી સીબીઆઈએ કેસ બંધ કરી દીધો હતો. ત્યારે હવે સીબીઆઈ આ મામલે ફરીથી તપાસ કરીને શું જાણવાનો પ્રયાસ કરી રહી છે.
વર્ષ 2004 થી 2009 દરમિયાન લાલુ પ્રસાદ રલવે પ્રધાન હતા ત્યારે તેમના પરિવારને ભેટમાં આપવામાં આવેલ અથવા વેચવામાં આવેલ જમીનના બદલામાં લોકોને રેલ્વેમાં કથિત નોકરીઓ આપવાનો આરોપ છે.