દિલ ચાહતા હૈ -પાર્થ દવે
તુનિષા – મનુલ
મીમનો જમાનો છે. ફિલ્મમેકર્સ એવાં દ્રશ્યો ઈરાદાપૂર્વક નાખતા હોય તો નવાઈ નહીં કે, આના પર સારું મીમ બની શકે છે તેમ છે અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થશે! જેથી આપણી ફિલ્મનું પ્રમોશન થશે! જેમ અત્યારે સેલ્ફી ફિલ્મના ‘મેં ખિલાડી તું અનાડી’ ગીત પર અક્ષય કુમાર જુદી જુદી સેલિબ્રિટીઝ સાથે નાચી રહ્યો છે, ઇન્સ્ટગ્રામ પર રિલ્સ બનાવી રહ્યો છે, તે રીતે હવે ડિજિટલ પ્રમોશન્સની જુદી જુદી રીતો ખૂલી રહી છે.
એવું જ એક મીમ છે. તમે જોયું જ હશે. ક્રિકેટ કે હોકીની, કોઈપણ જીત બાદ આપણે હાથને હવામાં ઉઠાવીને જે ડાયલોંગ મારતો મીમ મૂકીએ છીએ, ૠઈંઋ શેર કરીએ છીએ તે – હમ જીત ગયે – ફેમ અભિનેતા જાવેદ ખાન અમરોહી વિદાય લઈ ગયા છે. આ દ્રશ્ય લગાન ફિલ્મનું છે. ભુવનની ટીમ જીતે છે ત્યારની ક્ષણો છે. જાવેદ ખાન અમરોહી લગાનના આ દ્રશ્યથી આજે ઓળખાય છે, પણ તેમણે શરૂઆત બહુ વહેલી કરી હતી. ૧૯૭૩માં આવેલી જલતા બદનમાં તેઓ કૉલેજના વિદ્યાર્થી બન્યા હતા. બાદમાં ૧૯૭૭માં આવેલી રામ ભરોસે (આ નામથી ગુજરાતી ફિલ્મ પણ આવી રહી છે!). અલીબાબા મરજીના, દૂસરા આદમી, પ્રેમ બંધનથી કરીને છેલ્લે તેઓ ૨૦૨૦માં આવેલી, મહેશ ભટ્ટની સડક ૨ ફિલ્મમાં પણ જોવા મળ્યા હતા. મુંબઈમાં જન્મેલા જાવેદ ખાન અમરોહીએ થિયેટરથી શરૂઆત કરી હતી. તેમના જાણીતાં કામોમાં લગાન, વો સાત દિન, ત્રિદેવ, પ્રેમ રોગ, અંદાઝ અપના અપના, ચક દે ઈન્ડિયા સહિતની ફિલ્મો છે, તો ગુલાઝરની મિર્ઝા ગાલિબ તથા સઈદ અખ્તર મિર્ઝાની નુક્કડ આ બેઉ સિરિયલ તેમનું નોંધપાત્ર કામ છે.
તેઓ ૬૦ વર્ષના હતા. આશરે વર્ષથી બેડરેસ્ટ પર હતા. ૧૪મી ફેબ્રુઆરીએ અંતિમ શ્ર્વાસ લીધા. લગાનના કૉ-ઍક્ટર અખિલેન્દ્ર મિશ્રાએ તેમના નિધનના સમાચાર શેર કર્યા હતા.
——————
પ્રિયંકા ચોપરાની ‘લવ અગેઇન’
જર્મન ફિલ્મની રિમેક
પ્રિયંકા ચોપરા ખરેખર ગ્લોબલ સ્ટાર છે. હિન્દી કરતા વિદેશી પ્રોજેક્ટ્સમાં તે વધારે દેખાઈ રહી છે. તેની આગામી અંગ્રેજી ભાષી ફિલ્મનું નામ ‘લવ અગેઇન’ છે. જેમાં તેનું પાત્ર મીરા રૅ નામનું છે. તે તેનો ફિયાન્સ ગુમાવી ચૂકી છે. મંગેતરના જૂના સેલફોનમાં, મીરા મેસેજ કરે છે, જે રોબ બર્ન્સ નામનો જર્નલિસ્ટ વાચે છે. તે પાત્ર સેમ હ્યુગન ભજવી રહ્યો છે.
રોબ બર્ન્સ, મીરાના લખાણથી પ્રભાવિત થઈ તેને રુબરુ મળવા ચાહે છે. તે માટે મેગાસ્ટર સેલિન ડિઓનની મદદ લે છે. સેલિન ડિઓન પૉપ્યુલર કેનેડિયન સિંગર છે. તે ખુદ ‘લવ અગેઇન’માં દેખા દે છે. તેમનાં ગીતો પણ આ ફિલ્મમાં સાંભળવા મળે છે.
૧૨ મેએ રિલીઝ થનારી લવ અગેઇનના ડિરેક્ટર જૅમ્સ સી. સ્ટ્રોઉસ છે. મૂળે આ જર્મન ફિલ્મ ટેક્સ્ટ ફોર યુની સત્તાવાર રિમેક છે. જે સોફિ ક્રેમરની નૉવેલ આધારિત હતી! ટ્રેલર ઠીકઠાક લાગી રહ્યું છે. પ્રિયંકા ચોપરાના પતિદેવ નીક જોનાસ પણ ટ્રેલરમાં દેખા દે છે.
——-
હું તુનિષાની જગ્યા ક્યારેય ન લઈ શકું: મનુલ ચુડાસમા
ટીવી ઍક્ટ્રેસ તુનિષા શર્માના નિધન બાદ ‘અલીબાબા- દાસ્તાં-એ-કાબુલ’ શૉ ખૂબ ચર્ચામાં આવ્યો હતો. શોના લીડ ઍક્ટર શીઝાન ખાનની કથિત રીતે તુનિષાને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. હવે મુખ્ય કલાકારોની ગેરહાજરીને કારણે શૉની નવી સિઝન નવા કલાકારો સાથે શરુ થઈ છે. આ નવી સિઝનનું નામ છે ‘અલીબાબા- એક અંદાજ અનદેખા ચેપ્ટર ૨’. શૉમાં અલીબાબાનો લીડ રોલ હવે અભિષેક નિગમ ભજવી રહ્યો છે, તો તુનિષાના પાત્ર મરિયમ એટલે કે મરજીનાનું રિપ્લેસમેન્ટ પણ મેકર્સને મળી ગયું છે. એક અટકળ એવી હતી કે મરિયમના પાત્રને સમાપ્ત કરી દેવામાં આવશે અને એક નવા પાત્ર માટે નવો ચહેરો લાવવામાં આવશે, પરંતુ હવે મરજીનાનું પાત્ર યથાવત રાખવામાં આવશે અને તે અભિનેત્રી મનુલ ચુડાસમા ભજવશે. મનુલ ચુડાસમા આ પહેલાં જાણીતાં ટીવી શો ‘તેનાલી રામા’ ઉપરાંત બ્રિજ કે ‘ગોપાલ’, ‘એક થી રાની એક થા રાવણ’માં કામ કરી ચૂકી છે. કહેવાય છે કે, મનુલ સાથે ‘અલાદ્દીન’ ફેમ અવનીત કૌર અને ‘મેડમ સર’ ફેમ ભાવિકા શર્માએ પણ મરજીનાના પાત્ર માટે લુક ટેસ્ટ આપ્યો હતો, પણ આખરે મનુલનું નામ ફાઈનલ થયું. મનુલ ચુડાસમાએ ‘અલીબાબા’ શૉ માટે શૂટિંગ પણ શરૂ કરી નાખ્યું છે. મનુલ ચુડાસમાનું માનવું છે કે આ કોઈ રિપ્લેસમેન્ટ નથી કારણકે તે તુનિષાની જગ્યા ક્યારેય ન લઈ શકે. મનુલ કહે છે કે, આ લીડ એક્ટ્રેસ તરીકે મારો ચોથો શૉ છે એટલે હું નર્વસ નહીં પણ ઉત્સાહિત છું. હું તુનિષાને રિપ્લેસ નથી કરી રહી, પણ એકદમ નવા દ્રષ્ટિકોણથી મારું પાત્ર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે.’