Homeઆમચી મુંબઈબહુમાળીય ઈમારતમાં રહેતા લોકોના જીવ જોખમમાં

બહુમાળીય ઈમારતમાં રહેતા લોકોના જીવ જોખમમાં

મોટાભાગની ઈમારતમાં ફાયર સૅફટી સિસ્ટમનો અભાવ ૧૪૭માંથી ૬૩ ઈમારતોને ફાયર બ્રિગેડની નોટિસ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈમાં છેલ્લા થોડા દિવસથી આગની ઘટનામાં વધારો થયો છે, તેમાં પણ બહુમાળીય ઈમારતમાં આગની દુર્ઘટના વધી ગઈ છે. ફાયર બ્રિગેડે થોડા સમય પહેલા જ મુંબઈની અમુક ઈમારતોમાં ઓચિંતી મુલાકાત લઈને ફાયર સૅફટી સિસ્ટમ કામ કરે છે કે નહીં તેની તપાસ કરી હતી. એ દરમિયાન ૬૩ બિલ્ડિંગમાં મહત્ત્વની ગણાતી સિસ્ટમનો અભાવ હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી હતી.
દાદરમાં ૪૪ માળની આરએ રેસિડન્સી ઈમારતના ૪૨માં માળે ગુરુવારે લાગેલી આગના પ્રકરણમાં બિલ્ડિંગમાં ફાયર સૅફટી સિસ્ટમ કામ કરતી ન હોવાનું જણાયું હતું. હજી સુધી સોસાયટીને આ મુદ્દે ફાયર બ્રિગેડે નોટિસ મોકલી નથી. સંબંધિત અધિકારીના કહેવા મુજબ સોસાયટીના દસ્તાવેજો સહિત અમુક બાબતની તપાસ થયા બાદ નોટિસ આપવામાં આવશે. દાદરની ઈમારતની દુર્ઘટના તાજી છે ત્યારે ફાયર બ્રિગેડે થોડા સમય પહેલા બે તબક્કામાં મુંબઈની ૧૪૭ બહુમાળીય ઈમારતમાં પહોંચીને ઈન્સ્પેક્શન કર્યું હતું. એ દરમિયાન ૬૩ ઈમારતમાં ફાયર સૅફટી સિસ્ટમ ઠપ્પ હોવાનું જણાયું હતું. તેથી આ તમામ ૬૩ ઈમારતોને નોટિસ ફટકારવામાં આવી હતી. ફાયર બ્રિગેડે ૬૦, ૯૦ અને ૧૨૦ દિવસમાં ફાયર સૅફટી સિસ્ટમ ચાલુ ન કરી તો વીજળી અને પાણીનું જોડાણ કાપી નાખવાની ચેતવણી આપી છે.
ફાયર બ્રિગેડે બે ડિસેમ્બર, ૨૦૨૨ના ૯૮ હાઉસિંગ સોસાયટીઓની તપાસ દરમયાન ૪૦ ઠેકાણે ફાયર સૅફટી સિસ્ટમ કામ કરતી ન હોવાનું જણાયું હતું. તો ૨૮ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ ૫૯ હાઉસિંગ સોસાયટીની તપાસ દરમિયાન ૨૩ ઈમારતમાં ફાયર સૅફટી સિસ્ટમ કામ કરતી ન હોવાનું જણાયું હતું. આમ કુલ ૬૩ બિલ્ડિંગને ફાયર બ્રિગેડે નોટિસ આપી છે.
બહુમાળીય ઈમારતમાં ૮૦ ટકા આગ માત્ર ફોલ્ટી વાયરિંગને કારણે લાગતી હોય છે. તેથી ઘર અથવા હૉટલ, રૅસ્ટોરાંમાં ડેકોરેશનમાં જ્વનશીલ પદાર્થનો ઉપયોગ ન કરવાની અપીલ પણ અનેક વખત ફાયર બ્રિગેડે કરી છે, છતાં લોકો ધ્યાન આપતા નથી.

ફાયર સૅફટી સિસ્ટમ મહત્ત્વની

મુંબઈ ફાયર બિગ્રેડના ચીફ ફાયર ઑફિસર સંજય માંજરેકરે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે મુંબઈમાં ૬૦થી ૭૦ માળ બાંધવાનું ચલણ વધી ગયું છે. જો આવી ઊંચી ઈમારતમાં ફાયર સૅફટી સિસ્ટમ કામ જ ન કરતી હોય તો રહેવાસીઓ માટે જોખમી જ કહેવાય. મુંબઈ ફાયર બ્રિગેડ પાસે ૯૦ મીટર ઊંચી સીડી છે. પરંતુ આ સીડી પણ ૩૦થી ૩૨ માળા સુધી જ પહોંચી શકે છે. તેમ જ તેના વજનને કારણે મુંબઈના રસ્તા પર એક સ્થળેથી બીજી સ્થળે લઈ જવું મુશ્કેલ છે. એટલે જ ઊંચી ઈમારતમાં આગ લાગે ત્યારે ફાયર સૅફટી સિસ્ટમના અભાવે ફાયર બ્રિગેડને ઉપર સુધી પોતાના આગ બુઝાવવાના સાધનો લઈ જઈને કામગીરી પાર પાડવી પડે છે, જેમાં અમુક સમયે વિલંબ થવાને કારણે જાન-માલનું નુકસાનની પણ શક્યતા હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -